ભારતીય સમાજમાં સંયુક્ત કુટુંબનાં ગુણગાન વધારે ગવાય છે. સાથે રહેવાથી પ્રેમ રહે, સુખ-દુઃખમાં સપોર્ટ રહે, ખર્ચાઓ ઘટે, બાળકોને સલામતી મળે અને અંતે આનંદ અને ખુશીઓ મળે એવી એક માન્યતા છે. લગ્ન પછી સંતાન પેરેન્ટ્સથી અલગ રહેવા જાય તો એની ટીકા ન થાય એવું ભાગ્ય જ બને, પરંતુ આપણે અંતરાત્માને પૂછવું જોઇએ કે ખરેખર આજના સમયમાં સંયુક્ત કુટુંબ સુખનાં સારથિ રહ્યાં છે ખરાં? માંડ 100માંથી 10 પરિવારો ખરેખર હેપી ફેમિલી હશે, પરંતુ 90 ટકા ઘરોમાં સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, ભાઇ-ભાઇ અરે! માતા-પિતા અને સંતાનો વચ્ચે ગજગ્રાહ ચાલે છે. કામ, પૈસા, સ્વાર્થ, પક્ષપાત, સ્પર્ધા અને હરીફાઇ માત્ર બહારના લોકો વચ્ચે નથી હોતી, પરિવારના લોકો વચ્ચે પણ હોય છે. પરંપરા, ઇજ્જત અને અમુક સ્વાર્થને કારણે લોકો સાથે રહે છે. સહજીવન જીવતા નથી. શરીરથી સાથે હોવા છતાં મનથી અલગ રહેતા હોય, એકબીજાથી કતરાતા હોય અને નાની-નાની વાતે અહંનો ટકરાવ કજિયાનું નિમિત્ત બનતા હોય ત્યાં સાથે રહેવાનો કોઇ અર્થ ખરો?
અને બીજું, આજની પેઢીને સ્વતંત્રતા જોઇએ છે. પોતાના ભાગનું સન્માન જોઇએ છે અને પોતાની મરજી પ્રમાણે, ભૂલ કરીને, સમય પ્રમાણે પોતાનો રસ્તો શોધવો છે અને મંજિલ બનાવવી છે. દાદા-દાદી કે કાકા-કાકી તો દૂર માતા-પિતાની દખલગીરી પણ એમને મંજૂર નથી. સમાધાન અને સહનશીલતા જે પેઢી માટે નબળાઇ છે એના માટે વિભક્ત કુટુંબ જ શ્રેષ્ઠ નથી?
આજે બાળપણથી જ છોકરા અને છોકરીઓનો સમાન રીતે ઉછેર થાય છે. છોકરીઓ શિક્ષણ વધતાં કરિયરની નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી રહી છે, તેઓ આત્મનિર્ભર છે. બહારની દુનિયા એમને વધુ વહાલી છે. એમનાં પોતાનાં સપનાં, ગમા-અણગમા, અભિપ્રાય એકદમ સ્પષ્ટ છે. એમાં એ કોઇ સમાધાન કરીને ખુદ સાથે અન્યાય નથી કરવા ઇચ્છતી એટલે વડીલો કે પરિવારના સ્વજનોની ઇચ્છાઓ અને ઇશારાઓની કઠપૂતળી બનીને એ નહીં જીવે. વડીલોની લાગણી સાચવવા કે પરિવારમાં રહો તો આમ કરવું જ પડે એવી નિયમાવલી તેઓ ફગાવે છે. પરિણામે ટકરાવ થાય છે. એના કરતાં અલગ રહીને પ્રેમભાવ ટકાવી રાખવો એ વધુ આવકારદાયક છે.
જ્યારે સંતાનો પેરેન્ટ્સથી અલગ રહે છે ત્યારે તેમને પોતાની જવાબદારીનો ખ્યાલ તો આવે જ છે, પરંતુ તેઓ માતા-પિતાને પણ વધુ સારી રીતે સમજી શકે છે. સાથે રહેવાથી જે મતભેદ મનભેદમાં પરિણમે છે તે અટકે છે. સંતાનો પોતાની રીતે વિકસે છે. ભૂલો કરીને શીખે છે. પેરેન્ટ્સની જવાબદારી રોજેરોજ નિભાવવાની ન હોવાથી મુશ્કેલીના સમયે તેઓ અડીખમ સાથ આપે છે. તણાવ ન હોવાથી પ્રેમ જળવાઈ રહે છે. અલગ રહેવાને કારણે મા-બાપને આર્થિક સપોર્ટ ન કરવો એવું પણ નથી. તેઓ પોતાની લાઇફથી સંતુષ્ટ હશે તો પેરેન્ટ્સને પણ સુખી રાખવાનો પ્રયત્ન કરશે.
સંયુક્ત કુટુંબમાં જવાબદારીને કારણે ઘણાં સંતાનો પોતાની પ્રતિભા નિખારી શકતાં નથી. બધાને સાચવવામાં તેજસ્વિતાને નિખારવાનો સમય જતો રહે છે. વિભક્ત કુટુંબમાં શોખને નિખારવાનો સમય અને તક બંને વધારે મળે છે. ઘરનાં કામોમાં જ વ્યસ્ત રહેવાને બદલે સ્ત્રીઓ પોતાની હેલ્થ, ફિટનેસ, હોબી પર જ નહીં, પરંતુ પતિ અને બાળકો પર પણ ધ્યાન આપી શકે છે. પતિને પણ પત્ની, બાળકો માટે સમય રહે છે. અહીં કોઇનો બીજાની લાઇફમાં હસ્તક્ષેપ ન હોવાથી આનંદની નાની-નાની ક્ષણો મળતી રહે છે. ઊઠવા-બેસવા, સૂવા-જાગવા અને હરવા-ફરવા માટે કોઇ નિયંત્રણ નથી હોતાં. પોતાની જિંદગીની ગાડીનું સ્ટીયરિંગ પોતાના હાથમાં હોવાનો આનંદ જ કંઇ અલગ હોય છે. માથું દુખતું હોય તો પણ ઊઠીને રસોઇ નથી કરવી પડતી કે ભાઇનાં સંતાનો માટે થઇને પોતાનાં સંતાનો પર ગુસ્સો નથી ઉતારવો પડતો. વધુ કમાતા હોવા છતાં પણ સંયુક્ત પરિવારમાં લિમિટથી વધુ ખર્ચ નથી કરી શકાતો. જમવાની પસંદ-નાપસંદમાં પણ એડજસ્ટ કરવું પડે છે. ગુસ્સો અણગમો દબાવવો પડે છે અને ન દબાવો તો માથાકૂટ માટે તૈયાર રહેવું પડે છે. વિભક્ત પરિવારમાં આ તણાવ રહેતો નથી.
આજના યુગમાં નાનાં બાળકોને પણ બંધન પસંદ નથી. દરેકને પોતાની ઇચ્છા મુજબ જીવન જીવવું હોય છે. સંયુક્ત પરિવારમાં અનેક પ્રકારનાં દબાણો આવે છે. સતત મહેમાનો આવે છે. બધાને ન્યાય કરવામાં ખુદને અન્યાય કરવો પડે. ઘણીવાર કપલ્સને સમય અને એકાંત બંને મળતું નથી. નિયમો અને પરંપરા ગમે કે ન ગમે અનુસરવા પડે છે. છતાં પ્રશંસા ભાગ્યે જ મળે છે.
પિકનિક-મૂવી-આઉટિંગ-સ્પોર્ટ્સ આ બધાં પ્લાનિંગ સંયુક્ત કુટુંબ કરતાં વિભક્ત કુટુંબમાં વધારે સહેલાઇથી થઇ શકે છે. પતિ-પત્ની સાથે સમય વિતાવી શકે છે. એકબીજાની ભાવનાઓને પ્રાથમિકતા આપી શકે છે, તેથી સંબંધો ગાઢ બને છે.
સ્વતંત્રતા અને જવાબદારીને કારણે એકલાં રહેતાં સંતાનો વધારે પરિપક્વ, સાહસી અને આત્મવિશ્વાસુ બને છે. અહીં ભૂલ પર પડદો પાડનારું કોઇ નથી હોતું, તેથી ફૂંકી-ફૂંકીને કદમ મૂકવાની વૃત્તિ પણ આવે છે. ટૂંકમાં, વિભક્ત કુટુંબ આજની સ્વાતંત્ર્યપ્રેમી અને સાહસિક પેઢી માટે વધુ યોગ્ય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો