દેવ આનંદની અંદર એક અજીબ બેચેની જેવું હતું. એ બેચેની ખાલી એક અભિનેતાની જ નહોતી, જે લગાતાર નવા કિરદારો શોધી રહ્યો હતો, પણ એક એવા માણસની હતી જે જીવનને સ્થિર જોઈ શકતો નહોતો. કદાચ એટલે જ તેમની ચાલમાં ગતિ હતી, તેમના હાસ્યમાં એક ઉડાન હતી અને તેમની ફિલ્મોમાં એક સફર હતી.  

તેમને સદાબહાર રોમેન્ટિક કહેવાય છે, પણ દેવ સાહેબ પ્રેમને બે માણસો વચ્ચેની ભાવના માનતા નહોતા; તેમના માટે પ્રેમ એક અનુભવ હતો - ખુલ્લી હવામાં શ્વાસ લેવા જેવો, દૂર સુધી જતા રસ્તા પર ચાલવા જેવો અથવા એ પહાડોને જોવા જેવો, જે તેમની વિશાળતાથી મનુષ્યને નાનો અને વિનમ્ર બનાવી દે છે. કદાચ એટલા માટે જ તેમને પહાડો સાથે પ્રેમ હતો.  

તેમણે તેમની આત્મકથાનું નામ `રોમાન્સિંગ વિથ લાઈફ' રાખ્યું હતું; જીવન સાથે રોમાન્સ. તેમાં તેમણે પહાડો સાથેના તેમના લગાવનો સ્વીકાર કર્યો છે. તેમણે લખ્યું હતું, `મારો આત્મા ત્યાં વસે છે.' પહાડોની ઊંચાઈ, તેમની વચ્ચે પથરાયેલી શાંતિ, હવામાં ગુંજતું સંગીત અને વાદળોનો પ્રવાહ - આ બધું તેમની અંદર કહાનીઓ, કિરદારો અને ભાવનાઓ જગાવી દેતું હતું.  

આ દીવાનગી અચાનક પેદા થઇ નહોતી. 1953માં એવરેસ્ટ સર કરનારા પર્વતારોહી સર એડમંડ હિલેરીને સાથ આપનારા શેરપા તેનસિંહ નોર્ગે સાથે મુલાકાત અને હિમાલયી ક્ષેત્રોના અનુભવ પછી આ આકર્ષણ મજબૂત થયું હતું. દેવ સાહેબને લાગતું હતું કે શહેરોની કુત્રિમતાથી દૂર પહાડોમાં જીવન તેના અસલી રંગમાં અને લયમાં ચમકે છે, ધડકે છે. એટલા માટે હિન્દી સિનેમા મુંબઈના સ્ટુડિયોમાં અથવા સીમિત લોકેશન્સમાં કેદ હતી, દેવ આનંદ કેમરા લઈને દૂર દૂર નીકળી પડતા હતા.   

આ પ્રેમ કોઈ અંગત હોબી નહોતો. તે તેમની ફિલ્મોમાં પણ એટલો જ દેખાતો હતો. દેવ આનંદે તેમના સિનેમાના પડદા પર પહાડી પ્રદેશોને જેટલા અને જેવી રીતે પ્રસ્તુત કર્યા છે તેવું કદાચ જ બીજા કોઈ ફિલ્મકારે કર્યું હોય. તેમની ફિલ્મોને જુઓ તો લાગે કે તેઓ કેવળ કહાનીઓને જ પડદા પર નહોતા ઉતારતા, તેમની નિજી યાત્રાઓને પણ ચિત્રિત કરી રહ્યા હતા.  

જેમ કે, 1967માં આવેલી તેમની હિટ ફિલ્મ `જ્વેલ થીફ' સિક્કિમની પૃષ્ઠભૂમિ પર હતી. એમાં કંચનજંઘાનાં બર્ફીલા શિખરો રહસ્ય અને રોમાંચને અલગ જ ગહેરાઈ બક્ષે છે. `હરે રામા હરે કૃષ્ણા'(1972)માં નેપાળની ઘાટીઓના પડઘા હતા. અહીં પહાડો કેવળ કહાનીનું બેકડ્રોપ જ નથી, બલકે તેનો આત્મા પણ છે. તેના બીજા જ વર્ષે આવેલી એક્શન થ્રિલર ફિલ્મ `જોશીલા'માં દાર્જિલિંગની હરિયાળી અને ચાના બગીચાઓ વચ્ચે પહાડો તેમની હાજરી પુરાવતા હતા. શિમલા અને હિમાચલની ખીણો પણ આ ફિલ્મોમાં વારંવાર આવતી રહે છે.   

આ બધી ફિલ્મો વચ્ચે દેવ આનંદની પહાડો પ્રત્યેની દીવાનગી ચરમ પર આવી હોય, તો તે હતી 1974માં આવેલી તેમની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ `ઈશ્ક ઈશ્ક ઈશ્ક.' આ માત્ર ફિલ્મ જ નહોતી, દેવ આનંદનું ખૂબસૂરત સપનું હતું. એક એવું સપનું જેમાં રોમાન્સ, રોમાંચ અને પ્રકૃતિ ત્રણે એકસાથે શ્વાસ લેતાં હતાં.   

સિત્તેરનો દાયકો દેવબાબુની કરિયરમાં પ્રયોગોનો સમય હતો. તેઓ અભિનયમાં તો અવ્વલ હતા, પણ તેનાથી સંતુષ્ઠ નહોતા. તેઓ નિર્માતા-નિર્દેશક તરીકે પણ અંદરના કલાકારને પાંખો આપવા માંગતા હતા. (નિર્દેશક તરીકે તેમનું ચોથું સાહસ) `ઈશ્ક ઈશ્ક ઈશ્ક' તેનું પરિણામ હતી. તેઓ એક એવી ફિલ્મ બનાવવા માંગતા હતા, જ્યાં પ્રેમને માત્ર સંવાદોમાં જ નહીં, પણ પ્રકૃતિના વિશાળ કેનવાસ પર પણ બતાવવામાં આવે.   

આ ફિલ્મની કહાની પ્રેમ અને સાહસિક યાત્રા વચ્ચે ચાલતી રહે છે. તેનો નાયક ધૂન (નામ પણ સંગીતમય છે) સંગીત શિક્ષક છે, પરંતુ પમ્મી (શબાના આઝમી) નામની છોકરીના પ્રેમમાં નાસીપાસ થઈને નેપાળમાં સૌથી ઊંચાઈ પર આવેલા મઠની યાત્રાએ જતો રહે છે. આ તે સમયની રોમેન્ટિક ફિલ્મોથી અલગ હતી, કારણ કે અહીં પ્રેમીઓ બગીચામાં ગીત નહોતાં ગાતાં, પણ ઊંચા પર્વતીય રસ્તાઓ પર ચાલી રહ્યાં હતાં, બર્ફીલી હવાઓ વચ્ચે એકબીજાને ઓળખી રહ્યાં હતાં અને જીવનનાં જોખમો વચ્ચે સંબંધોનો અર્થ શોધી રહ્યાં હતાં.   

`ઈશ્ક ઈશ્ક ઈશ્ક' નેપાળના ઊંચા પહાડો જેવા કે પોખરા, શ્યાંગબોચે અને નામચે બજારમાં અને પશ્ચિમ બંગાળના ખૂબસૂરત હિલસ્ટેશન કલિમ્પોંગમાં શૂટ કરવામાં આવી હતી. દેવ આનંદ આ ફિલ્મ માટે ખાલી લોકેશન શોધવા જ નેપાળ નહોતા ગયા; તેને જીવવા માટે ગયા હતા. નેપાળ પહોંચીને તેઓ કલાકો સુધી હેલિકોપ્ટરમાં પહાડો પર ફર્યા હતા. એ એવી જગ્યા ઇચ્છતા હતા જ્યાં પ્રકૃતિ માનવસ્પર્શથી અછૂત હોય. તેમની નજર શ્યાંગબોચે પર પડી હતી, જ્યાં લગભગ કોઈ માણસ નહોતો.  

તેમનો ભત્રીજો શેખર કપૂર, જેની આ પહેલી ફિલ્મ હતી, લખે છે કે, `ફિલ્મનું શૂટિંગ ખુદ કોઈ અભિયાનથી ઓછું નહોતું. પૂરું યુનિટ મહિનાઓ સુધી નેપાળના પહાડી ઇલાકાઓમાં ઘૂમતું રહ્યું હતું. ટેન્ટોમાં રાતો વિતાવી હતી. લાંબું ટ્રેકિંગ કર્યું હતું. ઘણીવાર રસ્તા એટલા આકરા હોય કે ટીમ થાકીને બેસી જાય, પણ દેવ સાબની ઊર્જા ઓછી ન થાય. એ લોકો નામચે બજાર અને લુકલા સુધી ગયા હતા, જ્યાંથી એવરેસ્ટ જાણે હાથવેંત નજર આવતો.'  

દેવ આનંદે પાછળથી કહ્યું હતું, `તમને `ઈશ્ક ઈશ્ક ઈશ્ક' જોવાનો મોકો મળે તો ઘૂમતાં વાદળો વચ્ચે એવરેસ્ટનો એ શોટ ખાસ જોજો, સાચે જ દુર્લભ નજારો છે!' તેમની ઉંમર ત્યારે 51 વર્ષની હતી, 25 વર્ષના યુવાન જેવી હતી. સવારે ચાર વાગ્યે શૂટ પર જવા તૈયાર હોય. 

બાકી લોકો તેમની પાછળ. જ્યાં જવાનું હોય ત્યાં તેઓ સૌથી પહેલાં પહોંચી જાય. રાતે પાછા આવીને ટેન્ટમાં બીજા દિવસનાં દૃશ્યો લખતા હોય.   

પણ જ્યાં સુધી ફિલ્મનો સવાલ છે, તો તેમનું એ સપનું આશાઓ પર ખરું ન ઊતર્યું. આર.ડી. બર્મનના શાનદાર સંગીત છતાં, `ઈશ્ક ઈશ્ક ઈશ્ક'ને એટલી સફળતા ન મળી જેટલી દેવ સા'બે વિચારી હતી. એ તેમની કારકિર્દીની સૌથી મોંઘી અને નિષ્ફળ ફિલ્મ સાબિત થઇ. એક તો તેનું બજેટ ગજા બહારનું હતું. બીજું, આ પ્રેમકહાની બિનપરંપરાગત અને ફિલોસોફિકલ ભાવનાવાળી હતી એટલે લોકોને ન પચી. પહાડ પર દેવ સા'બનો કિરદાર જે છોકરી(ઝિનત અમાન)ના પ્રેમમાં પડે છે તેની સાથે તેમનો લોહીનો સંબંધ નીકળે છે.  

શેખર કપૂર કહે છે કે મેં ફિલ્મના પ્રીમિયરમાં પંદર જ મિનિટમાં કહી દીધું હતું કે આ ફિલ્મનો ધબડકો થશે, પણ દેવ આનંદ જેનું નામ. ચાર વર્ષ પછી 1978માં `ઈશ્ક ઈશ્ક ઈશ્ક'ની નિષ્ફળતાને ખંખેરી નાખીને તેઓ એક જબ્બર હિટ ફિલ્મ લઈને પાછા આવ્યા; દેશ-પરદેશ. તેની વાત ફરી ક્યારેક.  

 આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો