પાર્ષદની ભૂમિકામાં ટેલિયાએ આપા દાના સામે ઊભા રહીને કહ્યું હતું: `બાપુ, જગ્યાના દરવાજે એક ખેડૂ ઘઉંનું ગાડું ભરીને ઊભો છે.' સંત આપા દાનાને જરાય નવું લાગ્યું નહીં.
આ અલખનો ઓટલો ને જ્યાં રોટલો મોટો છે. કોઈ જાતના ભેદભાવ વગર અભ્યાગતોની આંતરડી ઠારવામાં આવે છે ને ત્યાં આવી શ્રદ્ધાની સામગ્રી આવતી રહે, તેમાં નવાઇ શેની? ત્યાં ટેલિયાએ આગળ વાત કરી હતી: `બાપુ, ઈ કેય છે કે મારી માનતા છે!' પછી આપા દાનાએ ટેલિયાને કહી દીધું હતું: `ભણ્યું, ઇને આંય મારા પાંહે મોકલ!' સૂરજ નારાયણની પધરામણી થઈ ચૂકી હતી. આથમતા શિયાળા સાથે ઉઘડતા ઉનાળાનો સંધિકાળ એની હાજરી નોંધાવતો હતો. ત્યાં ગાડાખેડૂ આપા સામે, `ના'રણ બાપુ...' કહીને ઊભો રહ્યો હતો. જગતનો તાત, કણમાંથી મણની નીપજ લઇ ચલાળા મુકામે દાનેવ મહારાજની જગ્યામાં આવીને ઊભો હતો. `કાંણા સારું માનતા રાખી'તી ભણ્યું!' સામે ખેડૂતે બે હાથ જોડી કહ્યું'તું: `બાપુ, મારા બળદ બીમાર પડ્યા'તા એટલે.' આપાએ નજર તાણી નોંધ્યું'તું: `ક્યાંથી ખેપ ખેડી છે?'
`બાપુ, અમરેલી પાંહેના નાના માચિયાળા ગામેથી.' આટલું સાંભળતાં આપાના અંતરપટમાં વીજળી જેવો ઝબકારો થયો. ઓજસ્વી મોં પર પામી કે પારખી ન શકાય એવી આભા ઊપસી આવી હતી.
`ઠેબી નદીના કાંઠે આવેલા મચ્છેણિકાનો ટીંબો.' સામે આવતલ ખેડૂતને વાતમાં ટપ્પો પડ્યો નહીં. તે સામે જોતો રહ્યો. આપાએ જણાવ્યું હતું: `ગામ પ્રતાપી પુરુષ કાઠી-દરબાર બાવાવાળાએ વસાવેલું છે.' પછી આપા માંહ્યલાને ઉઘાડો કર્યા વગર જણાવ્યું હતું: `આંયા લગીની ખેપ ખેડી તે બા, ગામમાં જોગમાયા જેવી ભોળીને ભાળી ન'તી!'
અલખના આરાધક એવા સંતપુરુષની વાણીએ ખેડૂત અવાક થઇ ગયો હતો. નહિતર કહેવું હતું: `દીકરા પાડ જેવા બળદિયા બીમાર થયા'તા, દેશી ઓહડિયાંય કર્યાં'તાં, પણ મેં તો દેવ જેવા દાનેવ મા'રાજના નામની જીભ કસડી'તી તે આવવું પડેને!'આપા બોલી ગયા હતા: `ઈ જોગમાયાને ઘેર્ય ગાડું ઉતારી દે, ઈ આંયા પુગ્યા પરમાણ છે!' દેવ જેવા પુરુષના વેણ ને કહેણ માથે ખેડૂત માચિયાળા ગામે આવ્યો હતો, પણ પહાડ જેવો પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો : ગામમાં આ જોગમાયા જેવી ભોળીબાઇ છે કોણ?
***
ભોળીબાઇ મૂળ તો માચિયાળા ગામના છેવાડાના સમાજનો સંસારી જીવ. ધારી પાસેના ભલગામના મૂળા મેઘવાળ સાથે ઘરસંસાર માંડ્યો હતો, પણ અલખને વરેલાં અલગારી જીવાત્માઓને સંસારની કોઈ માયા સદતી નહોતી. છતાંય સંસારનું ગાડું ગબડ્યું હતું ને રાજીબાઇ નામે લક્ષ્મી અવતરી હતી. પછી તો વખતને વાતું રાખવી હોય એમ, મૂળા ભગત જૂનાગઢમાં વેલનાથ બાવાના ધૂણામાં ટેલ-ટપોરો કરવા લાગ્યા ને ભોળીબાઇ દીકરી રાજીને લઇ ચલાલામાં દાનેવ મહારાજની જગ્યામાં ગવતરીયુંનાં નીરણ-પૂળો ને છાણ-વાસીદાની સેવાચાકરી કરવા લાગ્યાં હતાં. તેમાં એકવાર આપા દાનાએ પૂછ્યું હતું : `ભોળી બેટા, ઘર છોડીને આંયા જગ્યામાં આવી છો?' સામે ભોળીબાઈનો હકાર જોઈ આપાએ વળતો સવાલ કર્યો હતો: `તે ભણ્યું મૂળો એખલો ર્યોં કાંવ કરતો ઓહે!' પછી બાપ આગળ દીકરી પેટછૂટી વાત કરે એમ ભોળીબાઈએ કહી દીધું'તું: `ઈનો જીવ સંસારમાં લાગતો નો'તો તે જૂનાગઢમાં જાતા ર્યા છે!' પછી તો ભોળીબાઇ જગ્યાની સેવા સાથે પ્રભુમય થઇ ગયાં. આ સેવા-ભક્તિ આપા દાનાથી અજાણ નહોતી. તેઓ પામર જીવનું પ્રાગટ્ય પામી ગયા હતા, પણ જ્યારે ફૂલ જેવી દીકરી રાજીએ કાઠું કાઢ્યું ત્યારે આપા દાનાએ આદેશ આપ્યો હતો: `ભણ્યું ભોળી, દીકરી મોટી થઇ, પીળા હાથ કરાવવા પડે, બા!'
વળી ભોળીબાઈ માંચિયાળા આવ્યાં. દીકરીને વાજતે-ગાજતે વળાવી ને મજૂરી કરવા લાગ્યાં હતાં. સીમમાં રવિપાક લેવાઇ ગયો હતો. ઘઉંનું એક ખેતર ખાલી થઇ ગયું હતું, પણ ખેતરમાં ક્યાંક ક્યાંક ઘઉંની ડૂંડિયું પડી'તી. તે જોઈ વાસની બાઈઓ સાથે ભોળીબાઈ આ સરલ વીણવા લાગ્યાં હતાં. ગામડામાં આ કંઈ નવું નહોતું. ખેડૂતો સામેથી વીણી જાવાનું કહેતા હતા, પણ આ ખેડૂત આવ્યો ને બાઈઓને જોઈ બબ્બે કટકા ભૂંડી ગાળ્યો કાઢવા લાગ્યો હતો:
`તમારા બાપનું ખેતર છે તે, પૂછ્યાગાછ્યા વગર્યનું ઘઉંની ડુંડિયું વીણવા લાગ્યું છો તે.' પછીનું સંભળાય એવું નહોતું. સામે ભોળીબાઈએ હાથ જોડ્યા હતા: `અમારી ભૂલ થઇ. પેટની આંતરડી ઠારવા આ વલખાં મારવા પડે છે!' પછીથી ઘઉંની બે ખોબા ભરાય એટલી ડૂંડિયું વીણી'તી તે પાછી દીધી. તો'ય ખેડૂતની લલુડી બંધ નો થઈ.
ભોળીબાઈની આંતરડી કકળી ઊઠી હતી, વસમાં વેણ નીકળી ગ્યા'તા: `આવાં કડવાં વેણ વદી ગરીબની દુવા-કદુવા લેવાનું રે'વા દે મારા વીરા!' આ ઘટના બાદ મુઠ્ઠીમાં ભરી શકાય એટલા દા'ડા પછી ખેડૂત ઘઉંનું ગાડું લઇ કોઈને પૂછતો ભોળીબાઇના ઘર આગળ ઊભો રહ્યો હતો. નજરનો સંધાડિયો થાતા ને ખેડૂત સઘળું માપી ગયો હતો. તેણે બે હાથ જોડ્યા હતા: `આઇ, દાનેવ મા'રાજ આપને ઓળખી ગયા, પણ હું ન ઓળખ્યો!'
ભોળીબાઈમાંથી ભોળીઆઇ થયેલાની વાણી હતી: `એ આતમની ઓળખ થાવી, ઇ કાંય રેઢું પડ્યું નથી!' આ સંત નારીરત્ન ભોળીઆઇની જગ્યા અમરેલી પાસેના નાના માચિયાળા ગામમાં મોજૂદ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો