ઘરર... ઘરર... કરતી બસ ધૂળની ડમરી ઉડાડતી ગામના પાદરમાં આવીને ઊભી રહી. પથરાઇને પડેલું ગામનું ગમતીલું પાદર જાણે ખળભળી ઊઠ્યું. નવરા ને નકામા માણસો ડોક તાણીને જોવા લાગ્યા. ગામડા ગણતી બસ હકડેઠઠ્ઠ ભરી હતી. હૈયેહૈયું ભીંસાતું હતું. આવી ભરચક ભીડમાં રંભા એનું છોકરું કેડમાં તેડી, કાખમાં બચકું દબાવી બસમાં ચઢી ગઈ હતી. દિવસની આ એક જ બસ હતી પછી મળે એમ નહોતી.
`એ બસ ઊભી રાખો.' કોઈકે ગળું તાણીને રાડ નાખી: `કંડક્ટર નીચે ગયા છે.'
`લ્યે આલ્લે. આ તો વર વગરની જાન ઊપડી કે'વાય.' પછી હળવા હાસ્ય અને ભારેખમ હડદોલા સાથે બસ ઊભી રહી અને કંડક્ટર બસની પાછળથી અંદર ઘૂસ્યા. વળી બસ એક મોટા આચંકા સાથે ઊપડી. સાંકડમોકડ ઊભેલા મુસાફરો આવા અણધાર્યા ને ઓચિંતાના આંચકાના લીધે ધક્કો અનુભવતા જેમ તેમ, આડાઅવળા ગોઠવાઈ ગયા. હવા પણ હળુંહળું હાલી શકે એવી ઝીણી ઝીણી તિરાડો પડી. છતાંય હાશકારો અનુભવાય એવી મોકળાશ રહી નહોતી.
રંભાને ભારે કસટામણ થઇ રહી હતી. રૂપાળા ને ભરાવદાર તનને કોઈની નજર અડે તો પણ મન ખાટું થઇ જાય. રૂંવે રૂંવે આગ લાગી જાય, ભડકા બળવા માંડે ને જીભે કાંટા જેવા કોંટા ફૂટી નીકળે: `કાં ભાંગ્યા, ઘરે તારી મા-બેન નથી તે હામું જો છો.' પણ અહીં તો કંઈ બોલી શકાય એવું નહોતું. થાતું હતું કે આ કંઈ જાણીજોઈને ભીંસ થાતી નથી. અજાણતાં બધું થાય છે, પણ સાવ એવુંય નહોતું. કોઈ અપલખણો જણ ભીડનો ગેરફાયદો લઇ અડપલું કરી લે તો આંખ આડા કાન કરવા પડે. કંઈ કહેવા જાવ તો સણસણતો જવાબ મળે: `એવું હોય તો મારાં બેન, પેશિયલ ગાડીમાં નીકળવું જોઈ.'
પણ રંભા બીજું લાંબું પહોળું કંઈ વિચારી શકે તેમ નહોતી. તેનો જીવ પિયરિયામાં ભમવા લાગ્યો હતો. બાપુના ઊડતા વાવડ મળવાથી તે ઘરેથી ઉચક જીવે નીકળી ગઈ હતી. એક બસ ગામમાં નીકળતી હતી. એ બસ ચૂકી જવાય તો પછી બીજા દિવસ લગી રાહ જોવી પડે અને બીજા દિવસે પણ સમયસર ન પણ આવે, કાચા રસ્તામાં ક્યાંક ખોટકાય, અટવાય તો અધવચ્ચે અટકી પડે. આ સંજોગોના લીધે રંભા બસમાં ચઢી હતી. બાપની બીમારીના લીધે તેનો જીવ પિયરિયામાં પહોંચી ગયો હતો.
રંભાની કેડે રહેલું છોકરું બરાબરનું ભીંસાઈને અકળાયું હતું તે એં... એં... કરતું રડવા લાગ્યું. એક તો રંભા તન-મનથી અકળામણ અનુભવતી હતી. થેપલિયા થોરની કાંટાવાળી વાડ વચાળે ઊભી હોય એવું લાગતું હતું. તેમાં છોકરું રડવા ચઢ્યું. રંભાથી રડમસ અવાજે બોલી જવાયું: `મારા રોયાં તને અટાણે જ રોવાનું હાંભર્યું તે.' તેમ કહી એક હળવી ટાપલી મારી. ત્યાં છોકરું ઊંચા સાદે ભેંકડો તાણવા લાગ્યું. રંભાની સ્થિતિ ભારે દયામણી થઇ. તેને પણ રડવાનું મન થઇ આવ્યું. અડખેપડખે ઊભેલું મનેખ પણ રંભા અને છોકરાની દયા ખાતું આઘુંપાછું થાવા લાગ્યું. કોઈ મોં વકાસી રંભાને તાકવા લાગ્યું. કોઈની જીભે આવી જાતું હશે: `ન્યાં ક્યાં લાડવો ખાવા જાવું હશે તે બાઈ આવી ભીડમાં છોકરું લઇ ને ચઢી!' રંભા બરાબરની અકળાઈ ને છોકરા સામે તાડૂકી ઊઠી: `આંયા ક્યાં કોઈ તારો બાપ બેઠો છે તે તને જગ્યા કરી દેહે તે રોવા બેઠો.'
એક જનેતાના આક્રોશ સાથે હૈયામાંથી ઊભો થયેલો ચિત્કાર ચાબુકના જેમ ચોફરતો છવાઈ ગયો.
કરુણતાસભર સન્નાટો ફેલાઈ ગયો. કોઈને દયા તો કોઈને ક્રોધ ઊપજી આવ્યાં, પણ કરે શું?
પણ એકાદ પળ પસાર થાય ત્યાં બસ અંદરથી એક જ બડકમદાર પડકારો પડઘાયો: `એ જગ્યા દેનારો આંયા બેઠો છે, આવતાં ર્યો આ કોર્ય.' ભીડમાં અવાજ શોધવો પડે એવું હતું, પણ રંભાને કાન પર વિશ્વાસ ન બેઠો. તેને બોલતાં બોલાઇ ગયું અને થયું કે, છોરુંને એક જ બાપ હોય. જે છે તે સીમ-ખેતરમાં બેઠો છે, એ આંયા બસમાં ક્યાંથી હોય.
ગામડાની બસમાં કોઈ સ્ત્રી ઊભી હોય તો, કોઈ જણ ઊભો થઇ સ્ત્રીને બેસવા માટે જગ્યા કરી દે એ સહજ હતું. તે એક આદમીએ રંભાની સ્થિતિ જોઈ તેને જગ્યા કરી આપવા કહ્યું હતું.
`એ બેનબા, જાવ ન્યાં જાતાં ર્યો કોઈ દયાળુ મનેખ જગ્યા કરી દે છે!' પડખે ઊભા હતા તે એક-બે જણે રંભાને જગ્યા કરી આપી. થોડી સોખમણ અને વધારે પડતો હાશકારો અનુભવતી તે આગળ વધી. `બાપુ, હું આવું છું, તમને ઝટ હારુ થઇ જાહે.' રંભા સ્વગત બોલી ગઈ. ત્યાં એક આધેડ વયનો આદમી સીટમાંથી ઊભો થઇ ગયો હતો. તેણે રંભા સામે જોઇને કહ્યું: `આ છોકરાનો બાપ ક્યાં હોય એની તો તમને જ ખબર હોય.' પછી મોં ભરીને કહી દીધું: `હું તો છોકરાને મામા થાઉં હોં બેનબા!'
રંભાની આંખમાં આંસુ આવી ગયાં. તે સુખનાં હતાં કે દુઃખનાં એ સમજવું મુશ્કેલ હતું.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
