દરેક ગુજરાતી ઘરમાં એક મંત્ર પુરાતન કાળથી બોલાય છે. જે છે `ક્યારેક કામ લાગશે.' આ મંત્ર બોલાય એટલે સામેવાળી વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ચૂપ થઈ જાય છે. સુપ્રીમ કોર્ટમાં પણ આની સામે અપીલ સ્વીકારવામાં નથી આવતી. આ મંત્ર ગુજરાતી ઘરના વણલખ્યા બંધારણીય કાયદા સમાન છે.
`ક્યારેક કામ લાગશે' એ ગુરુમંત્રના પ્રતાપે આપણા ઘરમાંથી વસ્તુઓ ફેંકાતી નથી, એ માત્ર સ્થળાંતર કરે છે. ડ્રોઇંગ રૂમમાંથી સ્ટોર રૂમમાં, સ્ટોર રૂમમાંથી ઘરની પાછળની ઓરડીમાં અને ક્યારેક માળિયામાં. માળિયું એટલે ગુજરાતી ઘરનું મ્યુઝિયમ. જ્યાં ક્યારેક કામ લાગશે લેબલવાળી અઢળક વસ્તુઓનો સંગ્રહ હોય છે.
મારા ઘરમાં એક ડબ્બો છે. જેમાં જૂના શર્ટના નાની-મોટી સાઈઝના બટનનો `રાફડો' છે. તેના શર્ટ વર્ષો પહેલાં ફાટી મસોતું થઈ ફેંકાઈ ગયા છે. એક બોક્સમાં જાતજાતની ચાવીઓ સાચવીને રાખી છે. જેના તાળાં તો દાયકા પહેલાં `કુંભના મેળામાં' છૂટાં પડી ગયેલાં છે. એક કોથળીમાં જૂના મોબાઇલ વગરના ચાર્જરોની આખી વસ્તી છે, જેના ફોન અમે ક્યારના વેચી દીધા છે. પ્લાસ્ટિકની થેલીમાં અનેક પ્લાસ્ટિકની થેલીઓ વસવાટ કરી રહી છે. જૂની ખીલીઓ, સ્ક્રૂ, નટ-બોલ્ટ એક જૂના ડબામાં પડી કાટ ખાઈ રહ્યાં છે.
સૌથી મજાની વાત એ છે કે જે વસ્તુ `ક્યારેક કામ લાગશે' એમ વિચારીને સાચવી હોય એ કામના સમયે ક્યારેય મળતી નથી. જ્યારે જરૂર પડે ત્યારે આપણે નવું લઈ આવવું પડે છે અને જૂનું એમ જ પડ્યું રહે છે અને નવું લાવ્યા હોઈએ એમાંથી કંઈક વધે તો એ પાછું જૂના સ્ટોકમાં ઉમેરાઈ જાય છે.
ઘરના વડીલો આ વિદ્યાના આચાર્ય છે. મારા ઓળખીતા વડીલ પાસે જૂના રેડિયો અને ટ્રાન્ઝિસ્ટર પડ્યા છે જે બોલતા નથી, બસ ખખડે છે, પણ ફેંકવા જાવ તો કહે, `અરે! એમાં સ્પીકર છે એ કામ લાગશે.' કયા સ્પીકર? ક્યાં લાગશે? કોઈને ખબર નથી. મારા ઘરમાં સ્ટીલના ડબાનાં ઢાંકણાં છે, જેના ડબા ક્યારના ભંગારવાળાને આપી દીધા. હવે ઢાંકણાં રાહ જુએ છે કે કોઈ દિવસ ડબા વગરનાં ઢાંકણાંની ફેશન આવશે.
અને છાપાં! ગુજરાતી ઘરમાં છાપું રદ્દી નથી, એ તો ફિક્સ ડિપોઝિટ છે. બારીના કાચ સાફ કરવા, અથાણાની બરણી નીચે મૂકવા, દિવાળી પર બનેલી વાનગીઓનું તેલ ચૂસવા, ક્યારેક બાળકોની નોટ ચોપડીઓને કવર ચડાવવા. આવા કામ માટે ફેંકાતાં નથી, પણ કોઈ દિવસ ફેંકો તો ઘરમાં `દંગા ફસાદ' થઈ જાય છે.
એક દિવસ મેં હિંમત કરીને ઘર સાફ કરવા માંડ્યું. સાચવીને રાખેલા કોથળાઓમાંથી એક કોથળામાં જૂની વસ્તુઓ ભરી કોથળો બહાર મૂક્યો. અડધા કલાકમાં બધી વસ્તુ ક્યારેક કામ લાગશે આવું બોલી પાછી મુકાઈ ગઈ અને કોથળો પણ ગડી કરી સાચવીને મુકાઈ ગયો.
મારા ફોઈના ઘરમાં તો એક આખો ખાટલો છે, જે ફક્ત જૂની વસ્તુઓ સાચવવા માટે જ વપરાય છે. એના પર કોઈ સૂતું નથી. એની ઉપર સાડી પાથરીને ખાલી બોટલો, ડબા ડૂબલી, જૂના હેન્ડલ વગરનાં કૂકર, કૂકરની રિંગો એવું બધું મૂકેલું છે. એની ઉપર એક ધાબળો ઓઢાડેલો છે. એ ધાબળો `એક વાર ગામડે જવાનું થશે ત્યારે બસમાં ઓઢવા કામ લાગશે.' એવું વિચારીને સાચવેલો છે. એ ગામડે જવાનું છેલ્લે 1990માં થયું હતું.
પણ હા, ક્યારેક એવું થાય કે માળિયું સાફ કરતા તમને એવી વસ્તુ મળે કે તમે હસીને લોટપોટ થઈ જાવ. જેમ કે, દસ વર્ષ જૂનું બિલ, જેના પર લખ્યું હોય `વોરંટી માટે આ સાચવીને રાખવું.' તમે વોરંટી સાચવી છે, પણ વસ્તુ ક્યારની જતી રહી છે. અથવા એક ચશ્માં જેનો એક જ કાચ છે અને ઘરમાં બધા કહે છે કે, `એક આંખે તો પહેરી શકાયને.'
ખરેખર તો `ક્યારેક કામ લાગશે' એ વસ્તુ સાચવવાનું બહાનું નથી, એ તો આપણી કરકસર અને લાગણીનું મિશ્રણ છે. આપણે વસ્તુને વસ્તુ નથી સમજતા, આપણે એને યાદ સમજીએ છીએ. જૂનું ટિફિન, તૂટેલું રમકડું, જૂની કોઈ પણ વસ્તુ એ બધું કચરો નથી, એ બધું તો આપણું ટાઇમ મશીન છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો