આખા શરીરે તીવ્ર ખંજવાળ આવે અને રાત્રે તેનું પ્રમાણ વધે તે રોગને આયુર્વેદમાં `પામા' કહે છે. આપણે ત્યાં સામાન્ય વ્યવહારમાં આ પામાને `લુખસ' કહેવામાં આવે છે અને શહેરના લોકો કરતા ગ્રામ્ય પ્રજામાં સ્વચ્છતાના અભાવે તેનું પ્રમાણ કંઇક અંશે વધારે જોવા મળે છે.
લુખસનું મુખ્ય લક્ષણ છે, અત્યાધિક ખંજવાળ (ખણ કે વલૂર) આવવી. આ લુખસ જેને થઇ હોય તેને યોગ્ય ઉપચાર ન મળે તો મહિનાઓ સુધી ચાલી શકે છે અને આ એક ત્રાસજનક, જિદ્દી અને લપ જેવી વ્યાધિ ગણાવાય છે. અત્યંત ચેપી હોવાથી ઘણી વખત તો આખા કુટુંબની વ્યક્તિઓ તેમાં એકસાથે સપડાતી હોય છે.
લુખસના દર્દીઓમાં સામાન્ય રીતે કફનો પ્રકોપ જોવા મળે છે. આયુર્વેદનો સિદ્ધાંત છે કે, કફ પ્રકોપ વગર ખંજવાળ આવે નહીં. એટલે એના ઉપચારમાં સૌ પ્રથમ કફ કરનાર આહારવિહારનો ત્યાગ કરવો જોઈએ. આયુર્વેદમાં કહેવાયું છે કે, મધુર (એટલે ગળ્યો), અમ્લ (એટલે ખાટો) અને લવણ (એટલે ખારો), આ ત્રણે રસવાળાં આહારદ્રવ્યો કફનો પ્રકોપ કરાવે છે. એટલે લુખસના દર્દીએ ગળી, ખાટી અને ખારી ચીજો બંધ કરવી જોઈએ.
ખાટા રસ-સ્વાદવાળી ચીજો કોઈ પણ પ્રકારની ખંજવાળમાં ત્યજી દેવી જોઈએ. આમાં ખાસ કરીને દહીં અને દહીંની બનાવટો (દહીં, છાશ, કઢી વગેરે), આથાવાળી ચીજો અને ખાટાં ફળોનો ત્યાગ કરવો જોઈએ. ટામેટાં, આમલી, અથાણાં વગેરે ચીજો પણ ખંજવાળને વધારનાર ગણાવાય છે.
ઉપચાર
લુખસની ચિકિત્સા માટે એક સાવ સાદો, સરળ પણ સચોટ ઉપચાર અહીં બતાવું છું. આ ઉપચારમાં સોનામુખી (એટલે મીંઢી આવળ), કાળી સૂકી દ્રાક્ષ, ધાણા, વરિયાળી અને હિમેજ. આ ચારે ઔષધને સરખા વજને લઇ મિશ્ર કરી ખૂબ ખાંડવાં. એકથી બે ચમચી જેટલું આ મિશ્રણ આઠ કપ જેટલા પાણીમાં નાંખી તેને ઉકાળવું. ઉકળતાં ઉકળતાં જ્યારે આ દ્રવ્ય એક કપ જેટલું રહે, ત્યારે તેને ઉતારી ગાળીને સહેજ ગરમ હોય ત્યારે પી જવું. રોજ રાત્રે આ ઉકાળો પીવો. આ ઉપચારથી પેટમાં ગરબડ રહે અને ઝાડાનું પ્રમાણ વધે, તો ઉકાળાના પ્રક્ષેપ ઔષધ ચૂર્ણનું પ્રમાણ અડધું કરી નાખવું.
નિમ્બ તેલ અથવા અર્ક તેલથી સવારે અને રાત્રે સમગ્ર શરીરે આછું આછું માલિશ-મર્દન કરવું. લીમડાના સાબુ અથવા પાણીથી સ્નાન કરી પછી માલિશ કરવી. બીજાં ઔષધોમાં મહામંજીષ્ઠાદિ ઘનવટી એક-એક ગોળી સવારે, બપોરે અને રાત્રે જમ્યા પછી લેવી. અથવા મહામંજીષ્ઠાદિ કવાથ અડધા કપની માત્રામાં સવારે અને રાત્રે લેવો. ત્રિફળા ગૂગળની બે-બે ગોળી સવારે, બપોરે અને રાત્રે ભુક્કો કરીને લેવી. સાથે આરોગ્યવર્ધિની ટેબ્લેટ એક-એક જમ્યા પછી સવાર-સાંજ લેવી.
ઘરની બીજી વ્યક્તિઓને પણ જો લુખસની તકલીફ જણાય તો ઘરની સામાન્ય ઉપયોગમાં આવતી ઓઢવા-પહેરવાની ચીજો(કપડાં, નેપ્કિન, ટુવાલ, ચાદર, ચોરસા વગેરે)ને સારી રીતે અથવા ગરમ પાણીમાં ધોઈને સ્વચ્છ કરી લેવા. તેમજ ઉપરોક્ત ઉપચાર ઘરની દરેક વ્યક્તિએ એકસાથે શરૂ કરવો જોઈએ. તેમજ સાથે આહારવિહારની યોગ્ય પરેજી પાળવી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો