આમ જુઓ તો નવકુકરીના ભરત જેવી બેઠક હતી. તેમાં સીધો સવાલ થયો હતો: `ઓળખો છો, એ કલાકાર બાઈને?' જવાબ રૂપે દિવ્યકાંતભાઈના મોં પર મર્માળુ મરકલું પથરાઈ ગયું હતું, પણ સવાલકર્તાએ પોતાની સમજથી કહી દીધું હતું: `મને લાગે છે, જુનાણામાંથી આ બાઈને કોઈ ઓળખતું નથી લાગતું.'

 વળી ક્યાંકથી સૂર પ્રગટ્યો હોય એવું થયું હતું: `ભાઈ, કળાને પામવી કે ઓળખવી એ અઘરું ગણાય.'

 `કુદરતી કંઠમાં કોયલડીએ માળો બાંધ્યો હતો, પણ ખાટલે મોટી ખોટ ખુદનો જ માળો નથી.'

લ્યે, આલ્લે, કર્ય વાત. સૌ સ્તબ્ધ થઇ ગયા હતા અને ત્યારે જુગ જૂનો ગરવો ગિરનાર પણ ઠાવકાઇથી મોં ફેરવી ગયો હતો. કાળમીંઢ શિલાઓ પણ સળવળીને સમાનમી થાવા લાગી હતી.

 જેમની ગાયકીનો ગહેકાટ માત્ર જૂનાગઢ જ નહીં, પણ ગુજરાતના સીમાડા વળોટી, સરહદ પાર કરી ગયો હતો. કોકિલસમા મધુરા કંઠના કામણ ગુર્જરવાસીઓ અને એ સિવાય અનેકના હૈયે વસી ગયાં હતાં.

 નહિતર તો લોકગાયિકા એવાં દિવાળીબહેન ભીલને કોણ ઓળખતું ન હોય? અને સામે બેઠા હતા અથવા તો જેમની સામે સવાલ થયો હતો તે કોઈ સામાન્ય નહીં, પણ અસામાન્ય એવા વિરલ વ્યક્તિત્વના માલિક દિવ્યકાંત નાણાવટી હતા, પણ આવું કહેવા પાછળનો મર્મ ને સંદર્ભ કંઇક જુદો હતો.

 દિવ્યકાંત નાણાવટી એટલે વિદ્વાન ધારાશાસ્ત્રી, ધારાસભ્ય અને જે તે વખતના-રાજ્યના કાયદા પ્રધાન. અરે! જાહેર જીવનનું ગિરનારના દત્તાત્રેય જેવું જ ગરવું શિખર અને એટલે જ આ સવાલ થયો હતો.

 `તમે સૌ દિવાળીબહેનને ઓળખતા હો તો તેમની આવી દશા ન હોય!' સામે `આવી એટલે કેવી?' એવો સવાલ કરવાની હિંમત કરી નહોતી, કારણ કે વાતનું ઊંડાણ જરાય ઓછું નહોતું. વળી, તથ્ય પણ હતું. જે કોઈ વેધુ કે જાણભેદુ હોય એ જ જાણી શકે એવું હતું. અન્ય આગળ તો વાત ઉપરથી જ ચાલી જાય!

જેમને નજરમાં રાખી સણસણતો સવાલ થયો હતો તે દિવ્યકાંત નાણાવટીના કોર્ટ-કચેરીના રાજ-કાજ અને સમાજસેવા નોંધનીય હતી. તેમાં પાછું કળા-સાહિત્ય તેમના લોહીમાં વહેલા સંસ્કાર હતા. એ ભલે તાનસેન નહોતા, પણ કાનસેન જરૂર હતા. કળાની પ્રસ્તુતિના ઉત્તમ શ્રોતા ને ભાવક હતા. ખરા અર્થમાં તો દિવ્યકાંતભાઈ કળાની દિવ્યાનુભૂતિ સહ જાણતલ અને માણતલ હતા. તેઓ આ લોકપ્રિયતા પામેલા એવાં લોકડાયરાના પાયાના કલાકાર દિવાળીબહેનને જાણતા ન હોય એવું કેમ બને! પણ વાત નહીં સવાલ હૃદય સોંસરવો ઊતરી જાય એવો હતો. એ પણ ઉચિત ને ખમતીધર ઠેકાણે જ વ્યંગમાં વર્ણવાયો હતો.

કાઠિયાવાડ અને એમાં જુનાણા તો લોકસાહિત્યની ખાણ ગણાય. દિવ્યકાંતભાઈ અને સાથીઓ દ્વારા જૂનાગઢમાં `લોકસાહિત્ય વિદ્યાલય' ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહપતિની જવાબદારી પિંગળશીભાઈ ગઢવી સંભાળતા હતા. લોકસાહિત્યનો અભ્યાસ કરાવવા માટે પોરબંદરના રાજકવિ જશકરણદાસ, કનુભાઈ બારોટ, કરશનભાઇ પઢિયાર તેમજ ચારણ-ગઢવી સમાજના વિદ્વાનો સેવા આપતા હતા. પછીથી લોકસાહિત્ય પરિવારની સ્થાપના થઇ હતી. તેમાં ખાસ તો કાઠિયાવાડના લોકસાહિત્યના કલાકારો ભેગા થઈ, બે દિવસના મેળામાં પોતીકી એવી આગવી કળાની મન મૂકીને પ્રસ્તુતિ કરતા હતા.

લોકસાહિત્યની આવી પ્રવૃત્તિના પ્રેરક, પ્રોત્સાહકમાં દિવ્યકાંતભાઈ સાથે રતુભાઈ અદાણી પણ હતા. તેમાં રતુભાઈ તો એક કર્મઠ રાજકીય એવા રચનાત્મક કાર્યકર. આરઝી હકૂમતના હાકેમ. વળી, સોરઠ ક્ષય નિવારણ સમિતિના નિર્માતા. જેમાં દિવ્યકાંતભાઈ પણ સંકળાયેલા હતા.પછી તો દેશદાઝ અને સંસ્કૃતિના સંવર્ધન અર્થે રૂપાયતન સંસ્થા જેના શ્રીગણેશ ગાંધીજી અને તેમના ભત્રીજાઓ દ્વારા મંડાયા હતા. તેના માધ્યમથી આવી સાહિત્યિક પ્રવૃત્તિનો પાયો નખાયો હતો. જેમાં નાણાવટી પ્રેરણાદાયી ભૂમિકામાં રહ્યા હતા.

અને આવા દિવ્યકાંતભાઈને ઘરદીવડા સમાન દિવાળીબહેનનો ખ્યાલ, ખબર ન હોય એવું કેમ બને? સવાલ કરનારને કોઈ બાંધ્યા ભ્રમમાં જણાવી દે: `મારા વા'લા આવી અજાણતા બહુ સારી નહીં હોં!'

અખંડ ભારતના ઈતિહાસમાં જૂનાગઢનું નામ તો સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું હતું. આઝાદી પૂર્વે કાઠિયાવાડના મોટા રજવાડામાં જૂનાગઢનું નામ હતું, પણ દેશ આઝાદ થયા બાદ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો નવાબ મહોબ્બત ખાનના નામે નિર્ણય લેવાયો હતો, તેની સામે આરઝી હકૂમત કામયાબ નીવડી હતી.

આ ઐતિહાસિક નગરમાં લોકસંગીતના અમૂલ્ય ઘરેણા સમાન દિવાળીબહેનની ઓળખ ન હોય એવું કેમ બને? પણ એવું જ હતું. દિવાળીબહેન મૂળમાં અભણ બાઇ. અક્ષરજ્ઞાનનાં અજવાળાં તેમનાં દ્વાર સુધી પહોંચ્યાં નહોતાં. આજીવિકાનું કોઈ સાધન નહોતું. પોતાના નિર્વાહ માટે દિવાળીબહેન પારકાં કામ કરતાં હતાં.

દરેક કળા-કલાકારની કદર થવા સાથે તેમનું સ્વમાન પણ સચવાવું જોઈએ. આ બાબતમાં તો કોઈ ના પાડી શકે એમ નહોતું.

પછી હસતાં હસતાં જણાવ્યું હતું: `લ્યો, બોલો. આ પારકાં કામ કરવાવાળી દિવાળીબહેનને કોઈ ઓળખો છો ખરા.'

`જે કહેવું હોય તે સીધું કહી દો!' પણ આખી વાત સૌ કોઈને સારી પેઠે સમજાઈને શીરાના કોળિયા જેમ ગળે ઊતરી ગઈ હતી. પછી તો સૌના સહયોગથી જૂનાગઢ નગરપાલિકાના બાલમંદિરમાં દિવાળીબહેનને તેડાગર તરીકે નોકરી આપી, કલાકારને સ્વમાનભેર આજીવિકા રળતાં કર્યાં હતાં.