ખરા ટાણે માનસંગ ના પાડીને ઊભા રહ્યા હતા ને ભવાઇવેશમાં રીતસરનું ભંગાણ પડ્યું હતું.
નવલાં નોરતાં નિમિત્તે ગામના નવલખા ચોકમાં ભવાઈ મંડાણી હતી. ભાતીગળ ચંદરવા નીચે ભવાઇ રમવાની હતી. નાનું-મોટું મનેખ ભવાઈ જોવાની ઉતાવળે ગોકીરો ને રીડિયારમણ કરતું હતું.
`એલા ડાગલા, ઝેરુડીને તો મોકલો.' અળવીતરું મનેખ પડકારા કરી કરીને કહેતું હતું.
ત્યારે આણલદે અને દેવરાની ત્યાગ, સમર્પણવાળી પ્રણયકથા `શેતલના કાંઠે'ની ભવાઈ ભજવવાની હતી. તેમાં દેવરાનું પાત્ર માનસંગ સજીવન કરવામાં હતા, પણ અણીના સમયે જ અટકીને ઊભા રહ્યા હતા ને ભવાઈવેશ અટકી ગયો હતો. જોનારા અને રમનારા સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. છેલ્લી ઘડીએ દેવરાનું દમદાર ને પ્રેમરંગથી તરબોળ એવું મહત્ત્વનું પાત્ર ભજવે કોણ?
માનસંગ પોતાના ઘરે માતાજીનું સ્થાપન કરીને બેઠા હતા. માતાજીની છબી આગળ દીવડાથી ઝગમગતો ગરબો ને બાપદાદા વખતની તલવાર રાખી હતી.
`માનસંગ હવે મોડું થાય છે, લોક ઘાંઘું થઇ ઊઠ્યું છે.' આવતલે કહ્યું: `લ્યો હવે થાવ ઊભા.'
`ના ભાઈ, મારાથી હવે પાત્ર ભજવાશે નહીં.' માનસંગ ગળગળા થાતાં બોલ્યાં: `રમી નહીં શકાય.'
`પણ કાં?' આવતલનો અવાજ ફાટી ગયો. ભવાઇ અટકે તો ગામમાં ભારે ભૂંડું નાકવઢણું થાય.
માનસંગની જીભ ઊઘડી નહીં, પણ આંખોમાંથી દડદડ કરતાં આંસુ ખરવા લાગ્યાં હતાં.
ગામમાં નવરાત્રિ દરમિયાન ગરબી રમવાની પરંપરા વર્ષોથી ચાલી આવતી હતી, પણ તેમાં ભવાઈ ભજવવાનું શરૂ માનસંગ અને બીજા મિત્રોએ કર્યું હતું. રા'નવઘણ, શેણી-વિજાણંદ, હોથલ-પદમણી, જેસલ-તોરલ જેવા ભવાઇવેશ ભજવવામાં આવતા હતા. જેમાં મુખ્ય પાત્ર માનસંગનું હોય. દરેક પાત્રને પૂરતો ન્યાય આપે. ખરા અર્થમાં ભજવી બતાવે અને જોનારાઓને ભાવથી ભીંજવી દે, પણ વેશ ભજવવા માટે ખુદ માનસંગ નામક્કર ગયા હતા. હવે ખરા ટાણે કોને પાત્ર ભજવવા દેવું અને ભજવ્યા પછી ભલીવાર ન વળે તો એક દાયકાની આ શક્તિ પ્રમાણેની ભવાઇભક્તિ માથે પાણી ફરી વળે અને ઊભી થયેલી આસ્થા માથે આબરૂના ધજાગરા બંધાઈ જાય.
તે વખતે ટપુ નાયક અને હીરજી કેશવજી જેવી ભવાઇમંડળીની બોલબાલા હતી. ગામડાના લોકો આગોતરા રૂપિયા આપી ગામમાં ભવાઈ માટેનું નક્કી કરી આવતા હતા. આ ભવાઇમંડળીનો વારસાગત વ્યવસાય હતો. ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં પરદેશમાં ભવાઇ રમી આવ્યા હતા, પણ માનસંગના નેજા તળે નિર્માણ પામેલી મંડળીએ ભારે રંગ રાખ્યો હતો. ગામ તો ઠીક, અડખેપડખેના ગામલોકો પણ જોવા આવતા હતા. તેમાં આદ્યશક્તિની આરાધના સાથેનો નર્યો ભક્તિભાવ જ હતો, જેથી આ ભવાઈ લોકપ્રિય નીવડી હતી. બહાર વસતા લોકો પણ નવરાત્રિનો લહાવો લેવા ગામમાં આવતા હતા.
`માનસંગ, હવે મોડું થાહે તો...' તે આગળ બોલી શક્યો નહોતો, પણ લાચારીના ભાવ આંખોમાં તરી આવ્યા હતા. ગામનો ચોક ફાટી પડે એટલું એકડેઠઠ મનેખ એકઠું થયું હતું. હવે ના પાડો તો ટંટ્ટો-તોફાન પણ થઇને ઊભું રહે. નવ નોરતાં સિંદૂરના બદલે કોઈના રુધિરથી રંગાય તો હાહાકાર મચી જાય.
`મારાથી ઊભું થવાય એવું નથી.' માનસંગે કહ્યું હતું: `મારાથી કંઇ ભૂલ થઇ હોય તો નકોરડા ઉપવાસ કરી, માતાજીની માફી માગવાનો છું.' આવું કહીને જાણે માનસંગ અંતર્ધાન થઇ ગયા હતા.
ભૂલ ને માફી માગવાની બાબતે સાંભળનારને વિચારતા કરી દીધા હતા. માનસંગ એટલે નેકી, ટેકી ને રહેણીકરણીમાં મુઠ્ઠી ઊંચેરો મનેખ ને તેમનાથી કંઇ ભૂલ થઇ હશે તે માફી માંગવાનું કહે છે!
પણ બન્યું એવું હતું કે, માનસંગ વાડીએથી ગામમાં પાછા ફરી રહ્યા હતા ત્યાં એક યુવતી અળવીતરા એકાંતમાં રસ્તો રોકીને ઊભી રહી હતી. તેના લથબથતા યૌવનનો પાલવ પાથરીને નવલાં નખરાં સાથે બોલી હતી: `એ જતી, આ સતી સામે તો જોતા જાવ.' માનસંગની આંખો ચાર થઇ ગઈ હતી. ચતુર સુજાણ પળના પા ભાગમાં પામી ગયા હતા. `હે બાઇ! તું સામે જોવાનું ઇ જતીને કે'છો કે પછી માનસંગને?' તે વગડો વેંઢારી, ઉરાઉર ઊભી રહ્યા પછી ઢીંગલી જેવાં નેણ નચાવીને બોલી હતી: `ઇ જતીને.'
માનસંગે એકવાર જોગીદાસ ખુમાણનું પાત્ર ભજવ્યું હતું અને તેમાં પ્રાણ પાથરી દીધા હતા.
`આંખમાં મરચું ભરવું છે કે આ રૂપને રોળવાં છે.' તે માનસંગને આલિંગવાની અણી પર આવી ગઈ હતી. પગ લપસવાની ઘડીઓ ગણાઇ રહી હતી. ગણતરીની પળો એકમેકમાં ઓગળી જાવામાં હતી.
જોગીદાસ ખુમાણની નજર પારકી સ્ત્રી પર પડે ને એ જતી જેવો જોગી પુરુષ પોતાની આંખમાં મરચું ભરી દે છે. જે માનસંગે બરાબર નિભાવી જાણ્યું હતું અને એ પાત્ર પર યુવતી હૈયું હારી બેઠી હતી.
`ઇ જતી પારકી સ્ત્રીનાં રૂપ રોળવાં કરતાં ઝેર ઘોળવા બેસે, આટલી વાતમાં સમજી જા.' કહીને તેઓ યુવતી પાસેથી અકબંધ નીકળી ગયા હતા.
પણ માનસંગને હાડોહાડ લાગી આવ્યું હતું. ક્યારેય કોઈ ભવાઈવેશ ન ભજવવાનું પ્રણ લઇ માતાજી સામે બેસી જઈ આખરમાં બોલ્યા હતા: `એ ગરબી રમાડો ને ભવાઈમંડળી વિખેરી નાખો.' પછીથી ગામમાં ક્યારેય ભવાઈ થઈ નહોતી.
