આખી જિંદગી આપણને કેવી રીતે પહોંચવું એ શીખવવામાં આવે છે, પણ ક્યાંથી, ક્યારે અને કેવી રીતે નીકળી જવું એ આપણને કોઈ શીખવતું નથી કે એ આપણે જાતે શીખતાં નથી કે એ શીખવું જરૂરી છે એવું આપણે સમજતા નથી. બેઠા ત્યાં દ્વારકા કરવાની આપણી કુટેવ છે. એક સમયે દર થોડાં અઠવાડિયે જિંદગી ગુજારી નાખવાની કલાના વર્કશોપ થતા. (આવા વર્કશોપમાં પૈસાદાર લોકો જ વધુ જોવા મળે!) કોઈને નડ્યા વિના શાંતિથી કેમ જીવવું, શ્વાસ કેમ લેવા, તણાવ કેમ દૂર કરવો, સંબંધો કેમ સુધારવા અને સ્ટ્રેસ લીધા વિના સફળ કેમ થવું એ બધાના ગુરુજી લેશન આપે. અચાનક માનવ સભ્યતા એટલી જટિલ થઈ ગઈ કે માણસને શ્વાસ લેવા માટે પણ વીકએન્ડ કોર્સ કરવાની જરૂરિયાત ઊભી થઇ. વાહ!   

ઉપરના કોર્સની જરૂર છે કે નહીં એ તો ખબર નહીં, પણ આર્ટ ઓફ લિવિંગની તાતી જરૂર છે. અહીં લિવ એટલે છોડવું. છોડી શકવાની કળા. નોકરી-પ્રેમ-સંબંધ ઇત્યાદિમાં કડવાશ વધી જાય ત્યાં સુધી નહીં જ ખસવાની આપણી આદત અદ્ભુત છે. કલાકારે સમજવું પડે કે ઓડિયન્સે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો તો હવે પડદો પાડી દઈએ. આપણી કેર બાળકો માટે કંટ્રોલ બની જાય, તે પહેલાં પુખ્ત સંતાનોની જિંદગીમાંથી કેવી રીતે નીકળી જવું. અને છેલ્લે... જાણે મૃત્યુએ કોઈ પ્રોસિજરલ ભૂલ કરી હોય એવો ઢોંગ કર્યા વિના, આ જિંદગીમાંથી કેવી રીતે નીકળી જવું! માનવજાતને આના ટ્યુશન કોઈ એલિયન આપશે?   

માણસે આગમન માટે અદ્ભુત ઉત્સવો બનાવ્યા છે. જન્મ, નામકરણ, સ્કૂલ એડમિશન, ગ્રેજ્યુએશન, સગાઈ, લગ્ન, પ્રમોશન, ઉદ્ઘાટન અને લોન્ચિંગ. આગમન અકસ્માત હોઈ શકે, પણ વિદાય લેવા માટે ભયંકર સમજદારી જોઈએ. આપણે ટકી રહેવાને જ વફાદારી માની લઈએ છીએ. આપણને એવો ભ્રમ હોય છે કે જે વસ્તુ એક સમયે સાચી હતી, તે કાયમ સાચી જ રહેશે. આ જ ભ્રમને કારણે સુંદર વસ્તુઓ જેલમાં ફેરવાઈ જાય છે, પણ માણસ કોઈ પણ અંતને સહજતાથી સ્વીકારી નથી શકતો; માણસ અંતને અપમાન તરીકે જુએ છે. જ્યારે સમય તમને કહે છે કે, "તમારું ચેપ્ટર પૂરું થઈ ગયું છે", ત્યારે આપણો અહંકાર એનું ખોટું ટ્રાન્સલેશન કરીને એવું સમજે છે કે, "તું ખતમ થઈ ગયો છે." આ એક ખોટા ટ્રાન્સલેશને ઈતિહાસમાં ભયંકર તબાહી મચાવી છે.  

શેક્સપિયરનો કિંગ લિયર વિચિત્ર ભૂલ કરે છે. તેને રાજા તરીકેની જવાબદારીઓ છોડી દેવી છે, પણ તેને રાજા તરીકે મળતા ઈમોશનલ પ્રિવિલેજ (માન-સન્માન) નથી છોડવા. તેને એવું રિટાયરમેન્ટ જોઈએ છે જેમાં તેની સત્તા અકબંધ રહે. શેક્સપિયર એક બહુ ક્રૂર સત્ય સમજતો હતો: ખુરશી છોડવી સહેલી છે, પણ તમારા મગજમાંથી ખુરશીને કાઢવી બહુ અઘરી છે.  

આવું દરેક જગ્યાએ થાય છે. એ નિવૃત્ત પિતા, જેને હજુ પણ ઘરના દરેક નિર્ણયમાં પોતાની મંજૂરી જોઈએ છે. એ ફાઉન્ડર, જેણે પોતાનો ઉત્તરાધિકારી તો નીમી દીધો છે, પણ તે દિવસમાં આઠ વાર તેને ફોન કરીને સૂચનાઓ આપે છે. એ પૂર્વ હોદ્દેદાર, જે દરેક મીટિંગમાં આવીને "અમારા જમાનામાં કામ કેમ થતું હતું" તેનાં ભાષણો આપે છે. એ 40 વર્ષના સંતાનનાં માતા-પિતા, જે હજુ પણ બાળકને એવી જ રીતે કંટ્રોલ કરે છે જાણે તેની પુખ્તતા માત્ર એક `અફવા' હોય.  

શારીરિક રીતે વિદાય લેવી સહેલી છે; મનોવૈજ્ઞાનિક રીતે વિદાય લેવી લોઢાના ચણા ચાવવા જેવી છે. કોઈ પણ અગત્યના પદ પરથી માણસે બે રાજીનામાં આપવાનાં હોય છે. એક સંસ્થાને અને બીજું પોતાની જાતને. કમનસીબી એ છે કે માણસ આ બીજું રાજીનામું ક્યારેય નથી આપતો. સત્તા છૂટ્યા પછી માણસ જવાબદારીઓને મિસ નથી કરતો, તે પોતાની આસપાસ થતી કોરિયોગ્રાફીને મિસ કરે છે. વિદાયમાં તમારું ગૌરવ ત્યારે જ જળવાય જો તમને સમયસર એ સત્ય સમજાઈ જાય કે: એ તાળીઓ ક્યારેય પૂરેપૂરી તમારા માટે નહોતી, એમાંની અડધી તાળીઓ ખાલી પડેલી ખુરશી માટે હતી.  

સંબંધોમાં પણ આ જ લાગુ પડે છે. આપણી પાસે પ્રેમમાં પડવાના અને હૃદયની તૂટનને લઈને પુષ્કળ સાહિત્ય છે. લોકો સંબંધમાં ત્યાં સુધી ટકી રહે છે જ્યાં સુધી કોમળતા સડીને તિરસ્કાર ન બની જાય. તેઓ સંબંધને એટલા માટે જીવતો રાખવા મથે છે, કારણ કે તેનો ભૂતકાળ સુંદર હતો. જાણે ગઈ કાલની સુંદરતાએ આવતી કાલનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હોય! પણ જે પૂરું થાય છે, તે નિષ્ફળ જ હોય એવું જરૂરી નથી. આ પુખ્તતાનો સૌથી અઘરો પાઠ છે.  

આધુનિક સંસ્કૃતિ આ બાબતમાં બહુ ખરાબ છે. તે સરવાળાની પૂજા કરે છે. વધુ ફોલોઅર્સ. વધુ સંપત્તિ. વધુ સંપર્કો. વધુ પ્રોજેક્ટ્સ. વધુ અનુભવો. આપણી બાયોગ્રાફી હવે ગોડાઉન બની ગઈ છે. બાદબાકી એ પ્રગતિ હોઈ શકે એ વિચાર જ આપણને અપમાનજનક લાગે છે. છતાં મેચ્યોરિટી હકીકતમાં બાદબાકી જ છે.  

માનવજાતની મહત્ત્વાકાંક્ષાની સૌથી મોટી મજાક એ છે કે જિંદગીના પહેલા અડધા હિસ્સામાં આપણે લોકો વચ્ચે ઘૂસવા માટે હવાતિયાં મારીએ છીએ અને બાકીના અડધા હિસ્સામાં આપણે એ જ ફરિયાદ કરીએ છીએ કે કોઈ આપણને એકલા કેમ નથી છોડતું! 

જિંદગી એ એવી પ્રક્રિયા છે જ્યાં આપણને જે જોઈતું હોય તે મળી જાય છે. પછી એ જ વસ્તુમાંથી આઝાદ થવાની આપણને તીવ્ર ઈચ્છા થાય છે. એટલે જ યોગ્ય સમયે નીકળી જવામાં એક ગજબનું સૌંદર્ય છે. જાપાનીઝ લોકો અસ્થાયીપણાના સૌંદર્યને બહુ સારી રીતે સમજે છે. ખરતું ફૂલ એટલા માટે સુંદર લાગે છે, કારણ કે તે ડાળી પાસે એક્સટેન્શન નથી માંગતું.   

માણસ માટે આનાથી વધુ શાનદાર એક્ઝિટ બીજી કોઈ હોઈ જ ન શકે, જ્યારે કોઈ તમને કાઢી મૂકવા માંગતું હોય ત્યારે નહીં, પણ જ્યારે લોકોના પ્રેમ પાસે તમને રોકી રાખવાનું એક સચોટ કારણ બચ્યું હોય, બરાબર ત્યારે જ હસતા મુખે વિદાય લઈ લેવી! ખાસ નોંધ - આ લેખને મહેન્દ્રસિંહ ધોની સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો