સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા વર્ષ 2026નો વાર્ષિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવ વચ્ચે ભારતે તેના પરમાણુ હથિયારોના સંગ્રહમાં સાધારણ વધારો કર્યો છે. ભારત પોતાના સંરક્ષણ તંત્રને મજબૂત કરવા માટે સતત નવી પરમાણુ ડિલીવરી સિસ્ટમ્સ (મિસાઇલો અને એરક્રાફ્ટ) વિકસાવી રહ્યું છે. સામા પક્ષે પાકિસ્તાન પણ તેના પરમાણુ હથિયારોના જથ્થામાં અને ખાસ કરીને મિસાઇલ ક્ષમતાઓમાં ગુપ્ત રીતે વધારો કરી રહ્યું હોવાનો ઉલ્લેખ છે. રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરાઈ છે કે ચીન, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશો પણ આધુનિકીકરણ તરફ આગળ વધી રહ્યા છે. ભારતે પોતાની `નો ફર્સ્ટ યૂઝ' (પહેલા પ્રહાર ન કરવાની) નીતિ જાળવી રાખી છે.
વિયેતનામમાં ભારતનો દબદબો : રેસલિંગ ચેમ્પિયનશિપમાં મહિલા ટીમને 10 મેડલ
વિયેતનામ ખાતે રમાયેલી પ્રતિષ્ઠિત `અંડર-17 (U17) એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026'માં ભારતીય મહિલા કુસ્તીબાજોએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય દીકરીઓએ આ સ્પર્ધામાં કુલ 10 મેડલ પોતાના નામે કર્યા છે, જેમાં 2 ગોલ્ડ (સુવર્ણ), 5 સિલ્વર (રજત) અને 3 બ્રોન્ઝ (કાંસ્ય) મેડલનો સમાવેશ થાય છે. ભારતીય મહિલા રેસલર્સે ચીન, જાપાન અને કઝાકિસ્તાન જેવા મજબૂત પ્રતિસ્પર્ધીઓને પછાડીને મેટ પર પોતાની ધાક જમાવી હતી. આ વિજય સાથે ભારતીય ટીમ ચેમ્પિયનશિપના ઓવરઓલ રેન્કિંગમાં ટોચનાં સ્થાનોમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. રમતગમત મંત્રાલય દ્વારા તમામ વિજેતા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.
બ્રિક્સ દેશોની બેઠકમાં પસાર થયો `ઇન્દોર ઘોષણાપત્ર' : ખેતી ક્ષેત્રે ચાર વૈશ્વિક પહેલ શરૂ
મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી બ્રિક્સ (BRICS - બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સભ્યો) દેશોની મહત્ત્વપૂર્ણ બેઠકમાં `બ્રિક્સ ઇન્દોર ડિક્લેરેશન' સ્વીકારવામાં આવ્યું છે. આ ઘોષણાપત્ર અંતર્ગત વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને ટકાઉ ખેતી માટે ચાર મોટી ડિજિટલ અને એગ્રી-ટેક્નોલોજી પહેલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે `બ્રિક્સ નેટવર્ક ઓન એગ્રો-ઇકોલોજી એન્ડ રિજનરેટિવ એગ્રિકલ્ચર' અને `બ્રિક્સ નેટવર્ક ઓન ડિજિટલ એગ્રિકલ્ચર'નો સમાવેશ થાય છે. આ પહેલનો મુખ્ય હેતુ સભ્ય દેશો વચ્ચે ખેતીમાં આધુનિક ટેક્નોલોજી, ડ્રોનનો ઉપયોગ, સેટેલાઇટ ડેટા અને બિયારણની ગુણવત્તા સુધારવા માટે પરસ્પર સહયોગ વધારવાનો છે.
ફ્રાન્સ પ્રવાસેથી વડાપ્રધાનની મોટી જાહેરાત
હવે પેરિસ એરપોર્ટ પર પણ ચાલશે ભારતનું UPI
ભારતના વડાપ્રધાનની તાજેતરની ફ્રાન્સની સત્તાવાર મુલાકાતમાં સૌથી મોટી સફળતા એ રહી કે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(UPI)ની સ્વીકૃતિ હવે પેરિસ એરપોર્ટ સહિત ફ્રાન્સના નિસ (Nice) શહેરના મોટા રિટેલ નેટવર્ક્સમાં સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ નવીનતાથી ફ્રાન્સ પ્રવાસે જતા ભારતીય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ હવે આંતરરાષ્ટ્રીય કાર્ડ વગર સીધા જ ભારતીય બેંક ખાતામાંથી ક્યૂઆર કોડ (QR Code) સ્કેન કરીને ચુકવણી કરી શકશે. આ ઉપરાંત ભારતના ડિજિટલ સાયન્સ વિભાગ અને ફ્રાન્સની પ્રતિષ્ઠિત સંસ્થા INRIA વચ્ચે ડિજિટલ સાયન્સનું સંયુક્ત કેન્દ્ર સ્થાપવા પર પણ મહોર લાગી છે.
ગ્રીન એનર્જીમાં ભારતની હરણફાળ : ગોવા ખાતે ભવ્ય રીતે ઉજવાયો `ગ્લોબલ વિન્ડ ડે 2026'
15 મી જૂનના રોજ વૈશ્વિક સ્તરે ઉજવાતા `ગ્લોબલ વિન્ડ ડે' (વૈશ્વિક પવન ઊર્જા દિવસ)ના ઉપલક્ષ્યમાં ભારતે આ વર્ષે ગોવા ખાતે રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ વર્ષની થીમ `વિન્ડ એનર્જી : ફ્રોમ એમ્બિશન ટુ એક્સેલરેશન' (પવન ઊર્જા : મહત્ત્વાકાંક્ષાથી ગતિશીલતા તરફ) રાખવામાં આવી હતી. આ સંમેલન દરમિયાન જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા માર્ચ 2014માં 21.04 ગીગાવોટ (GW) હતી, જે માર્ચ 2026 સુધીમાં 2.66 ગણી વધીને 56.09 ગીગાવોટ પર પહોંચી ગઈ છે. આ સાથે ભારત પવન ઊર્જા ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે સ્થિર છે. સરકારે વર્ષ 2030 સુધીમાં 100 GW પવન ઊર્જા પ્રાપ્ત કરવાનો રોડમેપ રજૂ કર્યો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો