ભારતનાં સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં જેનું નામ મોખરે આવે છે તે એટલે રાજસ્થાનની રાજધાની જયપુર. દુનિયાભરમાં તે પિંક સિટી-ગુલાબી શહેર તરીકે પ્રખ્યાત છે. ઈતિહાસ, સ્થાપત્ય અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવો હોય તો જયપુરની મુલાકાત અનિવાર્ય છે. આ શહેર દિલ્હી, આગ્રા અને જયપુરના પ્રખ્યાત `ગોલ્ડન ટ્રાયેંગલ' ટૂરિસ્ટ સર્કિટનો એક મહત્ત્વનો ભાગ છે. જળમહેલ અને નિહારગઢ કિલ્લો પણ ખૂબ પ્રખ્યાત છે. અહીં મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચનો છે. ઈ.સ. 1727માં મહારાજા સવાઈ જયસિંહ બીજા દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે જયપુર એ ભારતનું સૌપ્રથમ `પ્લાન્ડ સિટી' (આયોજનબદ્ધ શહેર) છે, જે વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે બનાવવામાં આવ્યું હતું. 2019માં યુનેસ્કો દ્વારા જયપુરના કોટ વિસ્તારને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યું છે. તે પરંપરા અને આધુનિકતાનું સુંદર મિશ્રણ છે. રજવાડી મહેલોની ભવ્યતા અને રાજસ્થાની મહેમાનગતિ અતુલ્ય છે.
કેમ કહેવાય છે પિંક સિટી?
જયપુરને ગુલાબી શહેર કહેવા પાછળ એક રસપ્રદ ઈતિહાસ છે. ઈ.સ. 1876માં જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ અને મહારાણી વિક્ટોરિયા ભારતની મુલાકાતે આવવાનાં હતાં, ત્યારે તેમના સ્વાગત માટે તત્કાલીન મહારાજા રામસિંહે આખા શહેરને ગુલાબી રંગે રંગાવી દીધું હતું. ગુલાબી રંગને પરોણાગત અને સ્વાગતનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારથી લઈને આજ સુધી જૂના શહેરની ઈમારતોનો રંગ ગુલાબી જ રાખવામાં આવે છે, જે કાયદાકીય રીતે ફરજિયાત છે.
મુખ્ય જોવાલાયક સ્થળો
આમેરનો કિલ્લો : શહેરથી 11 કિમી દૂર ટેકરી પર આવેલો આમેર ફોર્ટ રાજપૂત સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. લાલ પથ્થર અને આરસપહાણથી બનેલો આ કિલ્લો તેની ભવ્યતા માટે જાણીતો છે. અહીંનું મુખ્ય આકર્ષણ `શીશમહેલ' છે, જે હજારો નાના કાચના ટુકડાઓથી જડિત છે.
હવામહેલ : જયપુરની ઓળખ સમાન હવામહેલ ભગવાન શ્રીકૃષ્ણના મુકુટ આકારમાં બનેલો છે. લાલ અને ગુલાબી પથ્થરથી બનેલી આ પાંચ માળની ઈમારતમાં 953 નાની બારીઓ (ઝરૂખાઓ) છે. આ મહેલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શાહી પરિવારની સ્ત્રીઓ માટે હતો, જેથી તેઓ બહાર નીકળ્યા વગર રસ્તા પર થતી ગતિવિધિઓ અને ઉત્સવો જોઈ શકે. તેની જાળીદાર રચનાને કારણે ઉનાળામાં પણ અહીં ઠંડી હવાનો અહેસાસ થાય છે, તેથી તેનું નામ `હવામહેલ' પડ્યું.
સિટી પેલેસ : શહેરની મધ્યમાં આવેલો સિટી પેલેસ મુઘલ અને રાજસ્થાની સ્થાપત્યનો સંગમ છે.
જંતરમંતર : આ એક ખગોળશાસ્ત્રની પ્રયોગશાળા છે. મહારાજા જયસિંહ બીજાએ બનાવેલી આ વેધશાળામાં પથ્થરનાં વિશાળ યંત્રો છે.
ભોજન અને શોપિંગ
જયપુરની મુલાકાત અહીંના ભોજન અને શોપિંગ વગર અધૂરી છે. રાજસ્થાનની પ્રખ્યાત દાલબાટી ચુરમા, રાવતની પ્યાજ કચોરી અને મીઠાઈમાં ઘેવરનો સ્વાદ અહીં શ્રેષ્ઠ મળે છે. સાંજે `ચૌકી ધાની' રિસોર્ટમાં પરંપરાગત રાજસ્થાની ગામડાનું વાતાવરણ, લોકનૃત્ય અને અધિકૃત ભોજન પીરસવામાં આવે છે. જયપુર તેના હેન્ડીક્રાફ્ટ માટે પ્રખ્યાત છે. જોહરી બજાર ઘરેણાં, કુંદન મીનાકારી માટે, બાપુ બજાર મોજડી અને કાપડ માટે અને ત્રિપોલિયા બજાર લાખની બંગડીઓ માટે જાણીતાં છે. અહીંની બ્લૂ પોટરી અને બાંધણી સાડીઓ પણ ખૂબ વખણાય છે.