14 અને 15 ઓગસ્ટ, 1947ના રોજ હિન્દુસ્તાનના બે ભાગલા સાથે પાકિસ્તાન અને ભારત રાષ્ટ્રોની સ્થાપના થઇ અને આઝાદીની પ્રક્રિયા લગભગ સંપૂર્ણ થઇ.

આજે 2025-26માં આઝાદીના 78-79 વર્ષો પછી કોઈને અંદાજ પણ ન હોય કે અવળચંડા પાકિસ્તાને આઝાદીના માંડ બે મહિના પસાર થયા હતા ત્યારે યુદ્ધનાં મંડાણ કરી દીધાં હતાં, જેને પ્રથમ કાશ્મીર યુદ્ધ તરીકે પણ ઓળખાય છે. 22 ઓક્ટોબર, 1947ના રોજ પાકિસ્તાનમાંથી હજારો આદિવાસીઓ(સંગઠિત `કબાલીઓ')થી ભરેલી ટ્રકો કાશ્મીરમાં પ્રવેશી. તેમનો ઉદ્દેશ કાશ્મીર કબજે કરવા અને કાશ્મીરના શાસકની ભારતમાં જોડાવાની શક્યતાને ટાળવાનો હતો. આ આદિવાસીઓને પાકિસ્તાન સરકાર અને સેનાનું સમર્થન મળ્યું હતું. ખુર્શીદ અનવર 4,000 આદિવાસીઓના લશ્કરનું નેતૃત્વ કરીને મુઝફ્ફરાબાદ નજીક કાશ્મીરમાં પ્રવેશ્યો હતો. પાકિસ્તાનના આદિવાસી લશ્કરોએ રાજ્યની સરહદ પાર કરી. આ આદિવાસી લશ્કર અને પાકિસ્તાની દળો રાજધાની શ્રીનગર કબજે કરવા માટે આગળ વધ્યા, પરંતુ બારામુલ્લા પહોંચ્યા પછી તેઓએ લૂંટફાટ શરૂ કરી અને અટકી ગયા.

બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિસિંહ, પુંચમાં તેમના મુસ્લિમ પ્રજાના બળવાનો સામનો કરી રહ્યા હતા. દિવસો વીતતા ગયા અને પાકિસ્તાની આદિવાસીઓ કાશ્મીરના જુદા જુદા ભાગો પર કબજો કરતા ગયા. પશ્ચિમી જિલ્લાઓના કેટલાક ભાગોમાં હરિસિંહે તેમનું નિયંત્રણ ગુમાવી દીધું. આખરે મહારાજા હરિસિંહે ભારત પાસે મદદ માંગી. મહારાજા હરિસિંહે ભારતને મદદ માટે વિનંતી કરી અને ભારત તરફથી મદદની ઓફર કરવામાં આવી, પરંતુ તે ભારતમાં સમાવેશના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાને આધીન હતી. રાજા હરિસિંહે 26 ઓક્ટોબર, 1947ના રોજ પોતાના રાજ્યને ભારતમાં ભેળવવાનો નિર્ણય લીધો. 27 ઓક્ટોબર, 1947ના રોજ મહારાજા હરિસિંહે ભારત સાથે વિલીનીકરણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને બીજા જ દિવસે ભારતીય સેના કાશ્મીરમાં ઊતરી. ધીરે ધીરે ભારતીય સેનાએ પાકિસ્તાની આદિવાસીઓને પાછળ ધકેલવાનું શરૂ કર્યું. આ સંઘર્ષમાં કાશ્મીરનો કેટલોક ભાગ પાકિસ્તાનના હાથમાં ગયો.

ભારતીયોએ હવે બધાં ક્ષેત્રોમાં પ્રભુત્વ મેળવવાનું શરૂ કર્યું. એક બાજુ ભારતીય સૈન્ય દુશ્મનના હુમલાને શક્ય એટલો ખાળવા માટે તૈયારી કરી રહ્યું હતું તો બીજી બાજુ પાકિસ્તાન પ્રેરિત આક્રમણખોરો સતત દસ દિવસ સુધી શ્રીનગર તરફ કૂચ કરી રહ્યા હતા. આ 1947ના ભારત-પાક યુદ્ધનો મુખ્ય અને નાજુક તબક્કો હતો. 7 નવેમ્બર, 1947ના રોજ શ્રીનગરની નજીકમાં આવેલ શોલાતોના મુકામે પ્રથમ મુખ્ય લડાઈ થઈ હતી. સમગ્ર દિવસ દરમિયાન યુદ્ધ ચાલુ રહ્યું હતું. ભારતીય લશ્કરે શ્રીનગરથી 65 કિલોમીટર દૂર આવેલ ઉરી મુકામે દુશ્મનનાં દળોનો જોરદાર મુકાબલો કરીને તેને હરાવ્યું. દુશ્મનોનો જુસ્સો ઊતરવા લાગ્યો હતો અને આક્રમણખોરો તેમના 300 જવાનોના મૃતદેહો છોડીને રણમેદાન છોડી ગયા હતા. આ ઉપરાંત ગિલગીટ મુકામે રાજ્યના લશ્કરના વડા ધનશેરસિંઘની આગેવાની હેઠળ એક નાનું છમકલું થયું હતું, ત્યારબાદ પાકિસ્તાનીઓ કારગિલ તથા લેહ તરફ ગયા. દક્ષિણ ભાગમાં રાજ્યની લશ્કરી બટૅલિયન નૌશેરા, જાનગર, રાજૌરી, ભીમંબર, મીરપુર, કોટલી અને પુંચ સહિત સમગ્ર રાજ્યની સરહદો પર ગોઠવી દેવામાં આવી. આ રીતે એક વર્તુળાકારે લશ્કરને ગોઠવી દેવામાં આવ્યું. 19 નવેમ્બર, 1947ના રોજ ભારતીય લશ્કરે નૌશેરા અને જાનગર અને ત્યારબાદ કોટલી તથા મીરપુર કબજે કર્યાં અને ત્યારબાદ પુંચને આઝાદ કરવા માટેની યોજના ઘડવામાં આવી.

અને ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ 1 જાન્યુઆરી, 1948ના રોજ આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા. આ આઝાદી પછીની પહેલી જ, પહેલી (1લી) જાન્યુઆરી હતી જે હિન્દુસ્તાનને નડી હતી. આ ભારતની પહેલી ભૂલ કેમ કે માર ખાતો કે હારતો પક્ષ સહારો શોધે તેને બદલે મારતો અને જીતતો પક્ષ ટેકો મેળવવા નીકળ્યો હતો. કદાચ આ વિશ્વનું એકમાત્ર ઉદાહરણ છે જ્યારે યુદ્ધમાં જીતવાની અણીએ પહોંચેલો દેશ સંયુક્ત રાષ્ટ્રમાં ગુહાર લગાવી રહ્યો હતો. કેમ હિન્દુસ્તાન માટે પહેલી જાન્યુઆરી કંઈ ખુશ થવા જેવી તારીખ નથી, તે જોઈશું આવતા બુધવારે.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો