ચીનની વિસ્તારવાદી નીતિ સામે વિશ્વમાં અનેક દેશોમાં રોષ છે. જાપાન અને ચીન વચ્ચે તાઇવાનને લઇને ફરી તણાવ વધી રહ્યો છે.

જાપાનનાં નવાં મહિલા વડાંપ્રધાન સાને તાકાઇચીએ કહ્યું હતું કે, જો તાઇવાન હાર્બરમાં કોઇ કટોકટીની સ્થિતિ ઊભી કરશે તો જાપાન સામૂહિક આત્મરક્ષાના અધિકારનો ઉપયોગ કરશે. તાકાઇચીનો ઇશારો પોતાના સહયોગી દેશની મદદ માટે સૈન્ય કાર્યવાહીનો હતો. આ નિવેદન પછી વન ચાઇના પોલિસી અંર્તગત તાઇવાનને પોતાનો જ ભાગ ગણતા ચીનનો ગુસ્સો આસમાને છે. ઓસાકામાં ચીનના ડિપ્લોમેટ જનરલ શૂ જિયાને સોશિયલ મીડિયા એક્સ પર અમારી પાસે ગંદી ગરદન કાપવા સિવાય કોઇ જ વિકલ્પ બચ્યો નથી હોવાનું લખ્યું હતું. જાપાન સરકારે આ સોશિયલ મીડિયા પોસ્ટને અયોગ્ય ગણાવીને ચીન સામે સત્તાવાર વાંધો ઉઠાવ્યો હતો. જાપાનના સરકારી પ્રવક્તા મિનોરુ કિહારાએ આ પ્રકારની અન્ય અનુચિત ટિપ્પણીઓ પર પણ ધ્યાન દોર્યું હતું. જાપાની પીએમ તાકાઇચીએ સંસદની એક સમિતિને તાઇવાન સાથે જોડાયેલી સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની વાત કરી હતી. જો ત્યાં (તાઇવાન) યુદ્ધજહાજ કે બળપ્રયોગ થશે તો તે જાપાન માટે પણ ખતરો ગણાશે.

ઇન્ડિયા ઈઝ ગ્રેટ : કેનેડામાં G7 સમિટમાં અમેરિકા ભારત ઉપર ફિદા

ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે કેનેડામાં G7 બેઠક દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરે `X' પર પોસ્ટ કરીને માહિતી આપી કે રુબિયોએ દિલ્હી કાર બ્લાસ્ટમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, `અમે દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને પુરવઠા શૃંખલાઓ પર ચર્ચા કરી. અમે યુક્રેન કટોકટી, પશ્ચિમ એશિયા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની પરિસ્થિતિ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું. `અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ બુધવાર(12મી નવેમ્બર)ના રોજ કેનેડામાં આયોજિત G7 વિદેશમંત્રીઓની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, `અમે દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં ભારતને મદદની ઓફર કરી છે, પરંતુ મારું માનવું છે કે તે (ભારતીય તપાસ એજન્સીઓ) ખૂબ જ સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી અને તે ખૂબ સારું કામ કરી રહ્યા છે.'

બ્રિટનના વડાપ્રધાન ભારતના આધાર કાર્ડ જેવાં બ્રીટ કાર્ડ બનાવશે

બ્રિટન વડાપ્રધાન કીર સ્ટાર્મરે તાજેતરમાં ભારતની આધાર સિસ્ટમની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, `હું આ સિસ્ટમ જોઈને ખૂબ પ્રભાવિત થયો છું અને અમારા દેશની નવી ડિજિટલ ઓળખ યોજના બ્રીટ કાર્ડ માટેના મોડલ તરીકે તેનો ઉપયોગ કરવાની યોજના બનાવવાનું વિચારી રહ્યા છીએ. આધાર એક ડિજિટલ ID નંબર છે, જે દરેક ભારતીય નાગરિકને મળે છે. તેમાં નાગરિકની માહિતી, ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક ડેટા જોડાયેલા છે. આ સરકારને ખાતરી કરવામાં મદદ કરે છે, કે સરકારી લાભો યોગ્ય લોકો સુધી પહોંચે અને છેતરપિંડી ઓછી થાય. બ્રિટનની યોજના કંઈક અલગ છે. તેમનું ધ્યેય ગેરકાયદેસર કામદારોને રોકવાનું છે, જેથી યોગ્ય લોકોને જ સરકારી સેવાઓનો લાભ મળી શકે. જોકે, ત્યાંના રહેવાસીઓ અને તેમની ગોપનીયતા વિશે પણ ચિંતા છે અને વધુ પડતી સરકારી દેખરેખ ઇચ્છતા નથી. કીર સ્ટાર્મરની મુંબઈ યાત્રા દરમિયાન તેમણે આધારના મુખ્ય શિલ્પી, ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નીલેકણી સાથે પણ મુલાકાત કરી હતી. બંનેએ ભારતના અનુભવોના આધારે બ્રિટનમાં એક મજબૂત અને સુરક્ષિત ડિજિટલ ID સિસ્ટમ બનાવવાની ચર્ચા કરી હતી.

નેધરલેન્ડમાં ઇકો ફ્રેન્ડલી ગ્રીન બસસ્ટોપ: છત ઉપર અને આસપાસ લીલોતરી જોવા મળી

નેધરલેન્ડના બસસ્ટોપ પર વાંસની બેન્ચ અને એલઇડી લાઇટ ગોઠવવામાં આવી છે. શહેરના સુધરાઇતંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ આ સ્ટ્રક્ચરની મરામત અને નિભાવણી માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી પહોંચે છે. નેધરલેન્ડના ઉટ્રેક્ટ નામના શહેરના ગ્રીન બસસ્ટોપ ધ્યાન ખેંચે છે. આમ તો આ એક સામાન્ય બસસ્ટેન્ડ જ છે, પરંતુ તેની છત ઉપર લીલોતરી ઉગાડીને નવો લુક આપવામાં આવ્યો છે. શહેરનાં 316 જેટલાં બસસ્ટોપ સેડમ અને અન્ય ફૂલછોડથી ઢંકાયેલાં રહે છે. આ એક એવી હરિયાળી જેની પર્યાવરણ પર હકારાત્મક અસર ઊભી થઇ છે. છોડ હવામાંથી ધૂળ અથવા પ્રદૂષકોને શોષીને તાપમાનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. કેટલાંક બસસ્ટોપ પર વાંસની બેન્ચ અને એલઇડી લાઇટ ગોઠવવામાં આવી છે. શહેરના સુધરાઇતંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ આ સ્ટ્રક્ચરની મરામત અને નિભાવણી માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી પહોંચે છે. યુક્રેક્ટવાસીઓને દૈનિક મુસાફરી દરમિયાન બસસ્ટોપ પર રાહ જોવામાં જુદો જ અનુભવ થાય છે. શહેરના રહેવાસીઓને પણ પોતાના ઘર પર લીલી છત લગાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. નાના બગીચા જેવી આ છત માયકોરાઇઝલ ફૂગની વિશાળ વિવિધતાનું ઘર છે. આ ફૂગ અસંખ્ય રીતે પર્યાવરણની સેવા કરે છે અને વાતાવરણમાંથી કાર્બનને અલગ કરીને પોષકતત્ત્વોનું ચક્ર વધારે છે. વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓના સંપર્કમાં આવવાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે.