ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલો જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતનું સૌથી જૂનો અને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઉદ્યાન છે. હિમાલયની તળેટીમાં આવેલું આ જંગલ કુદરતપ્રેમીઓ, સાહસિકો અને વન્યજીવપ્રેમીઓ માટે એક સ્વર્ગ સમાન છે. આ નેશનલ પાર્ક તેના ભવ્ય રોયલ બંગાળ ટાઈગર, એશિયાઈ હાથીઓ અને સુંદર પ્રાકૃતિક વાતાવરણ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.  

જિમ કોર્બેટ નેશનલ પાર્કનો ઇતિહાસ

જિમ કોર્બેટ નેશનલ પાર્કની સ્થાપના વર્ષ 1936માં `હેલી નેશનલ પાર્ક' તરીકે કરવામાં આવી હતી. ભારત અને એશિયાનો આ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન હતો. સ્વતંત્રતા પછી તેનું નામ બદલીને `રામગંગા નેશનલ પાર્ક' રાખવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ 1956માં પ્રખ્યાત શિકારી, પ્રકૃતિવાદી અને વન્યજીવ સંરક્ષક એડવર્ડ જિમ કોર્બેટના માનમાં આ પાર્કનું નામ `જિમ કોર્બેટ નેશનલ પાર્ક' રાખવામાં આવ્યું. જિમ કોર્બેટે આ વિસ્તારના ગ્રામજનોને માનવભક્ષી વાઘોના આતંકમાંથી મુક્ત કરવામાં અને વન્યજીવોના સંરક્ષણ માટે અદ્ભુત યોગદાન આપ્યું હતું. વર્ષ 1973માં ભારત સરકાર દ્વારા વાઘના રક્ષણ માટે શરૂ કરવામાં આવેલ `પ્રોજેક્ટ ટાઇગર'ની શરૂઆત પણ આ જ પાર્કમાંથી કરવામાં આવી હતી.  

ફરવાલાયક મુખ્ય જગ્યાઓ અને આકર્ષણો

જિમ કોર્બેટ અને તેની આસપાસના વિસ્તારમાં અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે:  

જંગલ સફારી અને ઝોન : પાર્કમાં જીપ સફારી અને કેન્ટર સફારી સૌથી લોકપ્રિય છે. ઢિકાલા, બિજરાણી, ઝિરના, ઢેલા અને દુર્ગાદેવી જેવા મુખ્ય ઝોનમાં વાઘ, હાથી, હરણ અને વિવિધ પક્ષીઓ જોવા મળે છે.  

ગર્જિયા દેવી મંદિર : રામગંગા નદીના કિનારે એક વિશાળ ખડક પર સ્થિત આ ધાર્મિક સ્થળ અત્યંત પવિત્ર અને સુંદર છે.  

કોર્બેટ વોટરફોલ : રામનગરથી લગભગ 25 કિમી દૂર જંગલની વચ્ચે આવેલો આ શાંત અને મનોરમ ધોધ પ્રકૃતિપ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે.  

જિમ કોર્બેટ મ્યુઝિયમ (કાલાઢુંગી) : જિમ કોર્બેટનું જૂનું ઘર હવે મ્યુઝિયમમાં ફેરવી દેવાયું છે, જ્યાં તેમની અંગત વસ્તુઓ, બંદૂકો અને ઈતિહાસ સચવાયેલો છે.  

કોર્બેટ મ્યુઝિયમ અને કોસી નદી : કોસી નદીના કિનારે બેસીને કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકાય છે તેમજ અહીં રિવર રાફ્ટિંગ પણ કરી શકાય છે.  

નૈનિતાલ અને રાનીખેત : કોર્બેટથી માત્ર 2 થી 3 કલાકના અંતરે આવેલાં આ પ્રખ્યાત હિલસ્ટેશનો પણ મુલાકાત લેવાં જેવાં છે.  

ક્યારે જવું? 

જિમ કોર્બેટની મુલાકાત લેવા માટે નવેમ્બરથી જૂન સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ ગણાય છે.  

શિયાળો (નવેમ્બરથી ફેબ્રુઆરી) : હવામાન ખુશનુમા હોય છે અને પક્ષીદર્શન માટે આ સમય ઉત્તમ છે.  

ઉનાળો (માર્ચથી જૂન) : વાઘ અને અન્ય જંગલી પ્રાણીઓ પાણીના સ્રોત પાસે આવતાં હોવાથી તેમને જોવાની તકો વધી જાય છે.  

 ચોમાસુ (જુલાઈથી ઓક્ટોબર) : ભારે વરસાદના કારણે સુરક્ષા માટે પાર્કના મુખ્ય ભાગો બંધ રહે છે. જોકે, ઝિરના અને ઢેલા જેવા કેટલાક ઝોન ખુલ્લા હોય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો