ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં હિમાલયની તળેટીમાં આવેલો `જિમ કોર્બેટ નેશનલ પાર્ક' ભારતનો સૌથી જૂનો અને સૌથી પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન છે. વન્યજીવ, ખાસ કરીને વાઘના ચાહકો માટે આ સ્થળ એક સ્વર્ગ સમાન છે. આ પાર્ક તેની અદ્ભુત પ્રાકૃતિક સુંદરતા અને જૈવ વિવિધતા માટે વિશ્વભરમાં જાણીતો છે. જિમ કોર્બેટની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી જૂન મહિનાનો છે.

ઇતિહાસ અને મહત્ત્વ

આ પાર્કની સ્થાપના 1936માં થઈ હતી ત્યારે તેનું નામ `હેલી નેશનલ પાર્ક' હતું. આ ભારતનો સર્વપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. પાછળથી પ્રખ્યાત શિકારી અને પછીથી વન્યજીવ સંરક્ષક બનેલા એડવર્ડ જેમ્સ કોર્બેટ/ જિમ કોર્બેટના માનમાં તેનું નામ બદલીને `જિમ કોર્બેટ નેશનલ પાર્ક' રાખવામાં આવ્યું. 1973માં વાઘના સંરક્ષણ માટે શરૂ થયેલો `પ્રોજેક્ટ ટાઈગર' સૌપ્રથમ અહીંથી જ શરૂ કરવામાં આવ્યો હતો.

વન્યજીવ અને પ્રકૃતિ

520 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો કોર્બેટ પાર્ક જેનું મુખ્ય આકર્ષણ રોયલ બેંગોલ ટાઈગર છે. પ્રવાસીઓ અહીં ખાસ વાઘ જોવા માટે જ આવે છે. વાઘ, એશિયન હાથી, દીપડા, જંગલી ડુક્કર, સાબર, ચિતલ હરણ, ભસતાં હરણ અને વિવિધ પ્રકારનાં વાંદરાંઓ જોવા મળે છે. અહીંથી પસાર થતી રામગંગા નદી આ જંગલની જીવાદોરી છે. નદીના કિનારે મગર અને ઘડિયાળ પણ જોઈ શકાય છે. પક્ષીપ્રેમીઓ માટે પણ આ એક ઉત્તમ સ્થળ છે, કારણ કે અહીં પક્ષીઓની 600થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે.

સફારી ઝોન

પ્રવાસીઓની સુવિધા અને જંગલના સંરક્ષણ માટે પાર્કને અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે : ઢિકાલા અહીંનો સૌથી લોકપ્રિય અને મોટો ઝોન છે. બિજરાની, ઝીરના નામક ઝોન આખું વર્ષ પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે. અહીં રીંછ જોવા મળવાની શક્યતા વધુ હોય છે. ઢેલા અને દુર્ગાદેવી ઝોન પક્ષીદર્શન અને પહાડી દૃશ્યો માટે જાણીતા છે. અહીં જંગલ ખૂંદવા માટે બે પ્રકારની સફારી ઉપલબ્ધ છે. જીપ સફારી,જે તમને જંગલની અંદર ઊંડાણ સુધી લઈ જાય છે. કેન્ટર સફારી, આ એક ખુલ્લી બસ છે, જે માત્ર ઢિકાલા ઝોનમાં જ ચાલે છે.

નજીકનાં જોવાલાયક સ્થળો

ગર્જિયા દેવી મંદિર :

રામનગરથી આશરે 14 કિમી. દૂર આવેલું આ એક ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. આ મંદિર કોસી નદીની વચ્ચે એક મોટા ખડક પર આવેલું છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીં મોટો મેળો ભરાય છે.

કોર્બેટ વોટરફોલ :

રામનગરથી આશરે 25 કિમી. દૂર આવેલો આ ધોધ ગાઢ જંગલોની વચ્ચે છે. આશરે 66 ફૂટની ઊંચાઈએથી પડતું પાણી અને આસપાસની લીલોતરી તેને એક ઉત્તમ પિકનિક સ્પોટ બનાવે છે.

જિમ કોર્બેટ મ્યુઝિયમ :

 આ મ્યુઝિયમ કલાઢુંગી ગામમાં આવેલું છે, જે રામનગરથી આશરે 30 કિમી. દૂર છે. આ વાસ્તવમાં જિમ કોર્બેટનું નિવાસસ્થાન હતું, જેને હવે મ્યુઝિયમમાં ફેરવવામાં આવ્યું છે.

સીતાબની ફોરેસ્ટ :

આ કોર્બેટ પાર્કનો બફર ઝોન છે. પક્ષીપ્રેમીઓ માટે આ ઉત્તમ જગ્યા છે. માન્યતા છે કે રામાયણ કાળમાં સીતા માતાએ તેમના વનવાસના દિવસો અહીં વિતાવ્યા હતા. અહીં એક પ્રાચીન શિવમંદિર પણ છે.

હનુમાન ધામ :

રામનગર નજીક છોઈ ગામમાં આવેલું આ એક ભવ્ય અને શાંત હનુમાન મંદિર છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો