કોઈ એક પક્ષીના સ્પર્શ માત્રથી જ જો મનુષ્યનો જીવ જઇ શકે છે, તો તે પક્ષી કેટલું ટોક્સિક હોઇ શકે છે? આ પક્ષીનું નામ પિટોહુઇ ડાઇક્રસ છે (Pitohui dichrous) છે.
બ્લેક પ્લસ ઓરેન્જ-બ્રાઉન રંગ ધરાવતું આ પક્ષી દુનિયાનાં ઝેરીલાં પક્ષીઓમાંનું એક પક્ષી છે. આ પક્ષી સમુદ્રતળેથી લઇને પર્વતીય ઢોળાવોનાં જંગલોમાં અને ન્યુ ગિની(New Guinea)માં વિશેષ જોવા મળે છે. પિટોહુઇ ડાઇક્રસની પાંખોમાં અને તેની ત્વચામાં ઝેર જોવા મળે છે. તેથી જો તેને કોઇ પણ મનુષ્ય સ્પર્શ કરે છે તો તેને સોજો, લકવો અથવા તો મૃત્યુ પણ નીપજી શકે છે. જોકે, આ પક્ષીને લઇને આશ્ચર્યની વાત એ છે કે તે પોતે ઝેર બનાવતું નથી, પરંતુ જ્યારે તે કોઇ જીવજંતુ કે કીડાને ખાઇ લે છે ત્યારબાદ તેમાંથી ઝેર બને છે. તે જે કીડાઓ ખાય છે તેમાં બેટ્રાકોટોક્સિન(Batrachotoxin) હોય છે, જે જીવલેણ હોય છે. પિટોહુઇ ડાઇક્રસને ન્યૂ ગિનીના સ્થાનિક લોકો `બેકાર પક્ષી' તરીકે પણ સંબોધે છે. આ પક્ષી નાના-નાના સમૂહોમાં યાત્રા કરતાં રહે છે અને જીવજંતુ કે કીડા ખાવા માટે અન્ય પ્રજાતિઓનાં પક્ષીઓ સાથે પણ ભળી જાય છે.
દુનિયાનું સૌથી મોટું કન્ટેનર શિપ તમે જોયું છે?
દુનિયાના દેશો માટે સમુદ્ર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે જે તે દેશોમાં માલસામાન વ્યવસ્થિતપણે અને કોઇ પણ નુકસાન ન થાય તે પહોંચાડવા માટે કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ હજારોની સંખ્યામાં કન્ટેનર મોકલવા માટે સમુદ્રના કન્ટેનર શિપનો ઉપયોગ થાય છે. જોકે, આ કન્ટેનર શિપ સાઇઝમાં નાના-મોટા હોય છે, પરંતુ દુનિયાના સૌથી મોટા કન્ટેનર શિપ તરીકે એમએસસી ઇરીના `(MSC Irina)'નું નામ આવે છે. આ કન્ટેનર શિપમાં એકસાથે 24000થી પણ વધુ કન્ટેનર્સને લઇ જઇ શકાય છે, તેથી જ તે વિશ્વમાં કન્ટેનર શિપમાં ફર્સ્ટ નંબરે આવે છે. એમએસસી ઇરીનામાં 4 ફૂટબોલ મેદાન સરળતાથી સમાઇ શકે છે! એમએસસી ઇરીનાની લંબાઇ 399.9 મીટર અને પહોળાઇ 61.3 મીટર છે. વર્ષ 2023માં એમએસસી ઇરીનાને લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે જ વર્ષના એપ્રિલમાં તેણે પોતાની પહેલી યાત્રા શરૂ કરી હતી. આ શિપ એટલા માટે પણ ચર્ચામાં છે કે, તે પર્યાવરણની પણ જાળવણી કરે છે, કારણ કે તે 4 % કાર્બનનું ઉત્સર્જન ઓછું કરે છે. એમએસસી ઇરીનાએ ભારતની પણ સફર કરી છે. વર્ષ 2025માં તે કેરળના વિઝિનજામ ઈન્ટરનેશનલ પોર્ટ પર પહોંચ્યું હતું.
48 કલાક ટ્રેડમિલ પર દોડવાનો રેકોર્ડ
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો રોડ પર કે રનિંગ ટ્રેક પર દોડવાનું પસંદ કરતા હોય છે, પરંતુ વહેલી સવારે ઠંડીનું જોર વધુ હોવાથી કેટલાક લોકો ઘરના કે જિમના ટ્રેડમિલ પર દોડવાનું વિશેષ પસંદ કરતા હોય છે. જોકે, આ લોકો અડધા કલાકથી બે-ત્રણ કલાક સુધી દોડવાનું મુનાસીબ માનતા હોય છે. અલબત્ત, આ સમયગાળામાં તેઓ થોડો રેસ્ટ પણ કરી લેતા હોય છે, પરંતુ ઓરિસ્સાના સુમિતકુમાર સિંહે સતત 48 કલાક સુધી ટ્રેડમિલ પર દોડવાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવીને ભારતનું નામ રોશન કર્યું છે. તેમનો આ રેકોર્ડ ફિટનેસ લવર્સ માટે અને યુવાઓ માટે એક પ્રેરણાસ્રોત બની ગયો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડના નિયમ પ્રમાણે તેમને દર એક કલાકે પાંચ મિનિટનો રેસ્ટ લેવાનો સમય મળી રહેતો હતો. તેમ છતાં 48 કલાક ટ્રેડમિલ પર (201.5. કિમી.) દોડવાનું તેમના માટે કઠિન સાબિત થયું હતું. અંતે તેમણે હાર ન માની અને ટ્રેડમિલ પર દોડવાના ઐતિહાસિક રેકોર્ડમાં તેમનું નામ નોંધી લેવામાં આવ્યું. વર્ષ 2024માં પણ તેમણે મેન્યુઅલ ટ્રેડમિલ પર 12 કલાકમાં 68.4 કિમી. દોડવાનો રેકોર્ડ ગિનીસ બુકમાં નોંધાવ્યો હતો.