ગાંધીજી તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન એક જ વાર કચ્છ ગયા હતા. 21 ઓક્ટોબર, 1925થી 4 નવેમ્બર, 1925ની બે અઠવાડિયાંની તેમની દીર્ઘ કચ્છયાત્રાનું આ શતાબ્દી વર્ષ છે. ગાંધીજીએ કચ્છ કોઈ દિવસ જોયું નહોતું અને તે જોવાની ઈચ્છા હંમેશાં રહેલી. વળી, સતત ભારત ભ્રમણથી તેમનું શરીર નબળું પડી ગયું હતું. કચ્છયાત્રાના આયોજકોએ તેમનો પ્રવાસ ઘોંઘાટરહિત તથા આરામભર્યો બનાવવાનું વચન આપ્યું હતું. તે આ પ્રવાસનું એક બાહ્ય પ્રયોજન હતું. 1925 અને 1927 એ બે વર્ષનો ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો અને સામાજિક સુધારા માટે સવિશેષ ઉપયોગ કર્યો હતો. એટલે કચ્છયાત્રાના વાસ્તવિક ઉદ્દેશો દેશબંધુ રેંટિયા સ્મારક માટે દાન મેળવવું, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિંદુ-મુસ્લિમ એકતા, સ્વચ્છતા, ગોસેવા, વૃક્ષારોપણ અને જતન ઉપરાંત પ્રજાજીવનમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિ માટે નવચેતન આણવું તથા રાજતંત્રને સજાગ કરવું વગેરે હતા.
મહાદેવભાઈની ડાયરી, ગાંધીજીનો અક્ષરદેહ અને કચ્છયાત્રા વિશેનાં બીજાં લખાણોમાં ગાંધીજીની કચ્છયાત્રાનાં વર્ણનો અને મૂલ્યાંકન વાંચવા મળે છે. યાત્રા પૂર્વે ગાંધીજીએ કચ્છવાસીઓ પાસે `અંત્યજ પ્રત્યેનો તિરસ્કાર સર્વથા નીકળી જવાની આશા' રાખી હતી. (નવજીવન, તા. 23-08-1925) આ સંદર્ભમાં તેમની યાત્રાનું શતાબ્દી સ્મરણ અને મૂલ્યાંકન કરવા જેવું છે.
ગાંધીજીની પહેલી જાહેર સભા ભૂજની નાગરોની વાડીમાં હતી. સભાસ્થળે અંત્યજોને આવવા તો દીધા હતા, પણ `ગાંધીજીની બેઠકની પાછળ એક ખૂણામાં દોરડાથી બાંધી લીધેલા એક ખંડમાં' તેમને બેસાડ્યા હતા. આ જોઈને ગાંધીજી વ્યથિત થયા. તેમના ભાષણમાં તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું `મને બોલાવી અંત્યજોનો અનાદર કરવો, એ તો મારો સખત અનાદર છે. હું અસ્પૃશ્યતાને ભારેમાં ભારે કલંક માનું છું. અંત્યજને પ્રાણસમા માનું છું. જ્યાં અંત્યજોનો તિરસ્કાર થતો હોય ત્યાં હું ઊભો ન રહી શકું.' આખરે સભામાં હાજર લોકોના આભડછેટમાં માનતા અને ન માનતા એવા બે બાબતે હાથ ઊંચા કરાવીને ગાંધીજીએ મત લીધા અને પરિણામ? ગાંધીજીના શબ્દોમાં `સભાનો વધારે ભાગ ઈચ્છે છે કે અંત્યજોએ એમની આગળ કરેલી વાડ ન ટપવી જોઈએ' એટલે ગાંધીજીએ પોતાનું સ્થાન અંત્યજોને જ્યાં જુદા બેસાડ્યા હતા તેમની વચ્ચે લીધું અને બાકીનું ભાષણ પૂરું કર્યું.
ગાંધીજીની કચ્છની બાકીની સભાઓમાં દલિતોને જુદા બેસાડવાનું ચાલુ રહ્યું હતું. કોટડા(રોહા)માં અંત્યજ શાળાની પાયાવિધિ ગાંધીજીના હાથે થઈ હતી, પરંતુ કોટડાની અંત્યજ શાળા એ રીતે નોખી-અનોખી થવાની હતી કે કોઈ પણ અંત્યજેતર શિક્ષક સુધ્ધાં અંત્યજ બાળકને અડવાના નહોતા. અંત્યજ શાળાના ખાતમુહૂર્તમાં અંત્યજને આવવા દીધા નહોતા! ગાંધીજીએ શાળાનો પાયો નાંખ્યો, પરંતુ દલિત બાળકો માટેની તે શાળા કદી બની નહીં. 1969ના ગાંધી જન્મશતાબ્દી વર્ષે ગાંધીજીની કચ્છયાત્રાનાં સ્થળોની રિવિઝિટ કરીને નારણદાસ ઠક્કરે લખ્યું હતું કે, `ગાંધીજીના હાથે થયેલું શીલારોપણ ફોક ગયું છે. કચ્છની પ્રજા માટે આ બાબત પ્રાયશ્ચિતના નિમિત્ત રૂપ છે.'
માંડવીમાં તો ગાંધીજી માટે ઉતારો અને સભાસ્થળ માંડમાંડ મળી શક્યાં. જે એંસી વર્ષના શ્રીમંત સાધુએ સભા માટે પોતાની જગ્યા આપી હતી તેમને આયોજકોએ સભામાં દાખલ થવાના બે દરવાજા કે બે રસ્તા એક અંત્યંજો માટે અને બીજો અંત્યજેતર માટે હશે એવી શરતે મનાવ્યા હતા. દલિતો માટે સભાસ્થળે પ્રવેશવાનો દરવાજો શહેરની દીવાલ અને બ્રહ્મપુરી(સભાસ્થળ)ની દીવાલ વચ્ચેની શાશ્વત શૌચસ્થાન તરીકે વપરાતી ગલી હતી. ગાંધીજીને આ વાતની ખબર પડતાં ગાંધીજી અને તેમની સાથેના મહેમાનો દલિતો માટેના શૌચગલીના અતિ ગંદા રસ્તે જ સભામાં દાખલ થયા. આ વાતે સભાસ્થળના માલિક સાધુ નારાજ થઈને સભાસ્થળ તો છોડી ગયા, તેમની બ્રહ્મપુરી અભડાઈ ગઈ એટલે તેમના માણસોએ દલિતો પર લાઠીઓ વરસાવી. આખરે ગાંધીજીને સભા બરખાસ્ત કરવી પડી. બીજા દિવસે બહાર મેદાનમાં સભા થઈ તેમાં સન્માનપત્ર ગાંધીજીના હાથમાં ઉપરથી નાંખ્યું હતું.
માંડવીથી મુંદ્રાના રસ્તે ભુજપુરમાં સવારે સભા હતી. યુવાનો તે માટે ઉત્સાહી હતા, પરંતુ વડીલોને સભામાં અસ્પૃશ્યો આવે તે માન્ય નહોતું અને અસ્પૃશ્યોના સગા ભાઈ કહેવાતા ગાંધીજીને સન્માનપત્ર પણ આપવું નહોતું .એટલે ગાંધીજી સભાસ્થળે આવીને બેસી ગયા, પણ કોઈ આવ્યું નહીં. આખરે દલિત વસ્તીમાં સભા થઈ હતી. મુંદ્રાની સભામાં પણ દલિતોનો જુદો વાડો હતો અને તેમાં સભાના યોજકો સહિત ગામના એકેય બિનદલિત તો નહોતા જ, દલિતો માટેની શાળાના શિક્ષક અને મુસલમાનો પણ નહોતા. આ સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે આજે મારી છાતીને ચીરો તો તમે જોશો કે એમાં રુદન ભરેલું છે કે ઓ જીવ, આ તે કેવો હિંદુ ધર્મ કે જ્યાં અંત્યજોની કોઈને કશી પડી નથી,
આખા ગામમાંથી અંત્યજોની વહારે ધાનાર એક પણ નથી! કચ્છની છેલ્લી સભા અંજારમાં થઈ તેમાં ગાંધીજીના આગ્રહે સ્વાગત સમિતિના સભ્યો દલિતો ભેળા બેઠા તો ખરા, પણ ઘરે જઈને નહાઈ લીધું હતું.
કચ્છયાત્રામાં ગાંધીજીના સહયાત્રીઓ આભડછેટમાં માનતા નથી એટલે તેમને દલિતોની જેમ ધાતુ સિવાયના જુદા વાસણ કે પતરાળામાં જમવાનું આપવામાં આવતું હતું. યાત્રામાં સ્વયંસેવક તરીકે છેકથી સાથે રહેલા પાંચ નાગર યુવાનોને નાતબહાર કરવાનો ઠરાવ યાત્રા દરમિયાન જ થઈ ગયો હતો. બ્રાહ્મણો અને જૈનોની નાતે પણ તેમના નાતભાઈઓ યાત્રામાં જોડાઈને અભડાયા તે બદલ નારાજગી કે રોષ વ્યક્ત કર્યા હતા. માંડવીની સભાનું સ્થળ બ્રહ્મપુરી અભડાઈ જતાં તેનું શુદ્ધીકરણ થયું હતું. ગાંધીજીના એકાદ ઉતારે દલિતોને પ્રવેશબંધી હતી તો એક બેને પછીથી ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધ કર્યા હતા.
ગાંધીજી યાત્રાના આરંભે ભુજ આવ્યા ત્યારે તેમના ઉતારે લોકોની ભીડ રહેતી હતી, પરંતુ અસ્પૃશ્યો વિશેના તેમના વિચારો અને વલણ પછી પાછા જતાં ભુજ આવ્યા ત્યારે ઉતારે કોઈ નહોતું. ગાંધીજીને મુંબઈના કર્ણાક બંદરેથી કચ્છ આવવા શેઠ કાનજી જાદવજીએ આગબોટ ભાડે રાખી હતી, પરંતુ પ્રવાસ પૂરો કરી તે જામનગર જવા નીકળ્યા ત્યારે તુણા બંદરે સ્ટીમરવાળાએ દોઢસો રૂપિયા ભાડું માંગ્યું ત્યારે તે આપનાર કોઈ નહોતું. અંતે ફાળાના જમા કરાવવાના બાકી નાણાંમાંથી તે ચૂકવ્યા હતા.
ગાંધીજીની સો વરસ પહેલાંની બહુઉદ્દેશીય કચ્છયાત્રાને એકલા આભડછેટના મુદ્દે મૂલવતાં કહેવું પડે કે તેને સફળતા-નિષ્ફળતાની દૃષ્ટિએ તોલી ન શકાય, પરંતુ સદી પૂર્વેની ભારતીય સમાજની માનસિકતા આભડછેટના બદલાયેલાં સ્વરૂપો જોતાં ચાલુ વર્તમાન કાળ લાગે છે. ગાંધીજીની કચ્છયાત્રાનાં પંચોતેર વર્ષ પછી કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપ પછીનું પુનર્વસન નાતજાતના ધોરણે જ થયું જ છેને? કચ્છ આજે આભડછેટમુક્ત કે દલિત અત્યાચારમુક્ત છે તેવું કહી શકાય એમ નથી. જમીન સુધારાના વિવિધ કાયદાઓ હેઠળ જમીનવિહોણા દલિતોને મળેલી જમીનો પર માથાભારે તત્ત્વોના દબાણમાં કચ્છ જિલ્લો અવ્વલ છે. 2024ના વર્ષમાં અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદા હેઠળ દલિત અત્યાચારના નોંધાયેલા બનાવોમાં કચ્છ જિલ્લો એકથી દસમાં છે અને દલિત હત્યામાં એકથી પાંચમાં છે. આભડછેટ અને ભેદભાવના મુદ્દે ગાંધી-આંબેડકરનું કામ કેટલું બાકી છે તે આ વિગતો પરથી સમજાય છે.
એટલે કવિવર રવીન્દ્રનાથ ટાગોર હે મુજ દુર્ભાગી દેશને જે કહે છે તે જ આપણું અંતિમ શરણ છે. `તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આવીને ઊભો છે, તેણે તારા જ્ઞાતિ અહંકાર ઉપર અભિશાપ ચોડી દીધો છે. જો તું બધાને નહિ બોલાવે, હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ અને તારી ચારેકોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ, તો તારે મૃત્યુ સમયે ચિતાભસ્મમાં તો સૌના સરખા થવું જ પડશે.'