કેરળના એર્નાકુલમ જિલ્લામાં આવેલું કદમક્કુડી 14 ટાપુઓનો સમૂહ છે, જે પ્રકૃતિપ્રેમીઓ અને શાંતિપૂર્ણ વાતાવરણ શોધતા પ્રવાસીઓ માટે એક ઉત્તમ સ્થળ છે.
કોચી શહેરની ભીડભાડથી દૂર આ સ્થળ તેના સુંદર બેકવોટર્સ, લીલાછમ ડાંગરનાં ખેતરો અને ગ્રામીણ જીવનની અનોખી ઝલક માટે પ્રખ્યાત છે. કેરલ ફરવા જનાર પર્યટકો એલેપ્પી બહુ જતા હોય છે. એલેપ્પીની સાથે આ જગ્યા પણ એટલી જ સુંદર અને શાંત છે. બેકવોટરમાં હાઉસબોટમાં રહેવાનો અનુભવ અહીં આવીને પણ માણી શકાય છે.
કદમક્કુડીની વિશેષતા
કદમક્કુડીની મુખ્ય વિશેષતા તેનું અદ્ભુત કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ છે. અહીં તમે કેરળના ગ્રામીણ જીવનનો સાચો અનુભવ કરી શકો છો. અહીંના સ્થાનિક લોકો મુખ્યત્વે માછીમારી, ઝિંગા ઉછેર અને નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા છે. પ્રવાસીઓ અહીં પરંપરાગત હોડીમાં બેસીને સાંકડી નહેરોમાંથી પસાર થતાં રમણીય દૃશ્યોનો આનંદ માણી શકે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીંનું આકાશ અને પાણી સોનેરી રંગમાં રંગાઈ જાય છે, જે એક અનફર્ગેટેબલ અનુભવ આપે છે. આ ઉપરાંત કદમક્કુડી પક્ષી નિરીક્ષણ માટે પણ એક ઉત્તમ સ્થળ છે, જ્યાં તમને વિવિધ પ્રકારના સ્થાનિક અને સ્થળાંતરીત પક્ષીઓ જોવા મળશે.
જોવાલાયક સ્થળો
કદમક્કુડી વ્યૂ પોઈન્ટ :અહીંથી તમે આસપાસના ટાપુઓ અને બેકવોટર્સનાં મનોહર દૃશ્યોનો આનંદ માણી શકો છો. આ જગ્યા પર્યટકોની ખાસ છે.
માછલી ઉછેર કેન્દ્રો :
તમે અહીંના સ્થાનિક માછલી ફાર્મની મુલાકાત લઈ શકો છો અને માછીમારીની પરંપરાગત પદ્ધતિઓ વિશે જાણી શકો છો. જોકે, જેને સ્મેલની એલર્જી ન હોય એણે જ આ જગ્યાએ જવું જોઇએ. જેને સ્મેલની એલર્જી હોય એણે કદમક્કુડી વ્યૂ પોઇન્ટ ઉપર જ વધારે સમય પસાર કરી લેવો.
ચર્ચ : આ વિસ્તારમાં કેટલાંક જૂનાં અને સુંદર ચર્ચ આવેલાં છે, જે અહીંની સંસ્કૃતિ અને ઇતિહાસની ઝલક આપે છે.
ગ્રામીણ વિસ્તારોમાં લટાર :
અહીંનાં ગામડાંઓમાં પગપાળા ચાલીને અથવા સાઇકલ પર ફરીને તમે સ્થાનિક જીવનશૈલીને નજીકથી જોઈ શકો છો.
આસપાસનાં સ્થળો
કદમક્કુડી કોચી શહેરની નજીક હોવાથી તમે ફોર્ટ કોચી, મટ્ટનચેરી પેલેસ અને અન્ય પ્રવાસી આકર્ષણોની પણ મુલાકાત લઈ શકો છો. કોચીની બજારમાં જવું હોય તો પણ અહીંથી જઇ શકાશે.
મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
દમક્કુડીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો છે. આ સમય દરમિયાન હવામાન ખુશનુમા અને ઠંડું હોય છે, જે ફરવા માટે અનુકૂળ છે. ચોમાસાની ઋતુમાં (જૂનથી સપ્ટેમ્બર) અહીં ભારે વરસાદ પડે છે, પરંતુ જે પ્રવાસીઓ લીલોતરી અને વરસાદી વાતાવરણ પસંદ કરે છે, તેઓ આ સમયે પણ મુલાકાત લઈ શકે છે. મોટાભાગે ટૂર ટ્રાવેલ્સના પેકેજીસમાં જતા પર્યટકો આ જગ્યા મિસ કરી દેતા હોય છે. કોચી એક દિવસ વધારે સ્ટે લેવો પડે તો લઇને પણ આ જગ્યાએ ચોક્કસ જઇ આવવું.