તેઓ અમેરિકાનાં પહેલા ભારતીય મૂળનાં શ્યામવર્ણી મહિલા ઉપરાષ્ટ્રપતિ હતાં. તેઓ સાન ફ્રાન્સિસ્કોના પહેલા બ્લેક મહિલા ડિસ્ટ્રિક્ટ એટર્ની અને કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતાં.

તેઓ યુ.એસ.એ.નાં બીજા અશ્વેત મહિલા સેનેટર હતાં. 2024 માં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રેસિડન્ટ ઈલેક્શનના મુકાબલામાં આ ડેમોક્રેટ ઉમેદવારે કહ્યું હતું કે આ પદ પર કદાચ હું પહેલી મહિલા હોઈ શકું છું, પરંતુ અંતિમ નહીં હોઉં. હા, વાત છે કમલા હેરિસની. અમેરિકાનાં પૂર્વ વાઈસ પ્રેસિડન્ટની. અમેરિકાનાં પહેલા મહિલા રાષ્ટ્રપતિ બનવાની જેમનામાં અપાર સંભાવના જોવાતી હતી તે કમલા હેરિસની તાજેતરની સત્તાના રાજકારણથી નિવૃત્તિની જાહેરાત આંચકો આપનારી છે, તો તેનાં કારણો ચિંતા ઉપજાવનારાં છે.

સાઠ વરસનાં ભારતીય માતા અને જમૈકીય પિતાની દીકરી કમલા (જન્મ 20-10-1964) કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મ્યાં હતાં. હાવર્ડ અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આફ્રિકી અમેરિકી કર્મશીલો અને બૌદ્ધિકોની વચ્ચે તેમનો ઉછેર થયો હતો. માતા-પિતાના છૂટા પડ્યાં પછી એકલ માતાના સંતાન તરીકે પણ તેમનામાં આકાશ જ સીમા છે નો મા-બાપે રોપેલો વિશ્વાસ જીવંત હતો. એટલે કાયદાના સ્નાતક બનીને કમલા હેરિસે વકીલાતનો આરંભ કર્યો ત્યારે પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે પણ જુદો માર્ગ અપનાવ્યો. જેણે તેમને વિવાદ અને લોકપ્રિયતા બંને અપાવ્યાં હતાં. 2004માં એક ક્રિમિનલ ગેંગના સભ્યે પોલીસને ગોળી મારી મારી નાંખ્યો. આ ઘટનાથી આક્રોશિત લોકોએ હત્યારાને મોતની સજાની માંગ કરી હતી, પરંતુ ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ કમલાએ અદાલતમાં મોતની સજાની પ્રે જ કરી નહીં. તેથી તેમનો વ્યાપક વિરોધ થયો, પરંતુ તેઓ પોતાની વાતને વળગી રહ્યાં. તેઓ સજા કરતાં ગુના રોકવામાં માનતાં હતાં. ભારે સજાથી ગુના રોકી શકાશે નહીં એટલે ન્યાયવ્યવસ્થામાં સજાને બદલે ગુના ઘટે તેવા ન્યાયિક સુધારાના તે તરફદાર હતાં.

2015માં કેલિફોર્નિયા સ્ટેટના ગવર્નર અને અમેરિકી સેનેટનું સભ્યપદ બે પૈકી એકની પસંદગી કરવાનું આવ્યું ત્યારે કમલાની સહજ પસંદ સેનેટર થવાનું હતું. એમ કરીને રાષ્ટ્રીય રાજનીતિ તેમની પ્રાથમિકતા હોવાનું દર્શાવ્યું હતું. સેનેટર બનીને તેમણે રાષ્ટ્રીય મંચની તક ઝડપી, જે તેમને અમેરિકાના પ્રેસિડન્ટના ઈલેક્શનના ઉમેદવાર સુધી લઈ ગઈ હતી. ધારાશાસ્ત્રી તરીકેની કારકિર્દી દરમિયાન તેઓ શરૂઆતમાં હત્યા, યૌન ઉત્પીડન, લૂંટ અને ચોરીના કેસો લડ્યાં હતાં. નાના અને અહિંસક ગુનાઓની મોટી સજાના તેઓ કાયમ વિરોધી રહ્યાં.

રાજનેત્રી કમલા હેરિસે હથિયારો પર પ્રતિબંધ, આરોગ્ય સેવાઓમાં સુધારો, યૌન ઉત્પીડન રોકવું, પ્રગતિશીલ કર સુધાર, ડ્રીમર્સને નાગરિકતા જેવાં કાર્યો માટે પ્રયાસો કર્યા હતા. જો બાઈડેનના ડેપ્યૂટી તરીકે તેમણે મોંઘવારી ઘટાડવા સંબંધી કાયદો ઘડવામાં અગ્ર ભૂમિકા ભજવી હતી. ડોક્ટરોએ લખેલી દવાઓના ભાવોમાં ઘટાડો અને ઈન્સ્યુલિનની નિર્ધારિત રકમ તેમણે નક્કી કરાવી હતી. પૂર્વે 2007-08માં મોટી અમેરિકન બેંકોને નાણાકીય સંકટમાં ફસાયેલા લોકોને અપાતી રાહતમાં વધારાની તેમણે ફરજ પાડી હતી. સજા કે દંડ વ્યવસ્થામાં ફેરફાર અર્થાત્ અપરાધિક ન્યાયપ્રણાલીમાં સુધારો એડવોકેટ કમલાનું ધ્રુવ કાર્ય હતું. તેના પરથી તેઓ કયા અમેરિકી નાગરિકોના પક્ષે હશે તે જણાય છે.

2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચારમાં કમલા હેરિસનાં ભાષણો અને વાયદાથી તેમની રાજનીતિ પરખાય છે. ગર્ભપાતના અધિકારનો સ્વીકાર અને એક સમાન પ્રજનન અધિકારો, મકાન અને ખાદ્યપદાર્થોના ભાવોમાં ઘટાડો, ઉદ્યોગો, મોટી કંપનીઓ અને વાર્ષિક ચાર લાખ ડોલરની આવક ધરાવતા લોકો પરના ટેક્સમાં વૃદ્ધિ અને બાકીના કરદાતાઓ પરનો કર બોજ ઘટાડવો, ગાઝામાં યુદ્ધની સમાપ્તિ પણ યુદ્ધગ્રસ્ત યુક્રેનને મદદ જારી રાખવી જેવાં વચનો તેમણે આપ્યાં હતાં કે આ મુદ્દે તેમના વિચારો સ્પષ્ટ કર્યા હતા. જોકે, આયાત જકાત (ટેરિફ) અંગેના તેમના વિચારો વર્તમાન અમેરિકી પ્રમુખ જેવા જ હતા. હરીફ ઉમેદવાર ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવવાનું વચન આપતા હતા ત્યારે કમલાબહેન એકવીસમી સદી અમેરિકાની હશે,

ચીનની નહીં તેમ કહી જરા જુદી રીતે અમેરિકાની મહાનતાનું ગાણું ગાતાં હતાં. પ્રેસિડેન્ટ ઈલેક્શનમાં હાર પછી તેમણે જંગ જારી રહેવાનું એલાન કર્યું હતું.

કમલા હેરિસનાં માવતર જ્યારે છૂટાં પડ્યાં ત્યારે તેમની વચ્ચે ભૌતિક ચીજવસ્તુઓના બટવારા માટે કોઈ ઝઘડો થયો નહોતો, પરંતુ મઝિયારાં પુસ્તકોની વહેંચણી માટે તે જરૂર ઝઘડતાં હતાં. આવાં મા-બાપનું સંતાન વાચક અને લેખક ન હોય તો જ નવાઈ! ટ્રમ્પ શાસનના પહેલા કાર્યકાળના મધ્ય ભાગમાં લખાયેલું અને 2019માં પ્રગટ થયેલું કમલા હેરિસનું પ્રથમ પુસ્તક ધ ટ્રુથ વી હોલ્ડ: એન અમેરિકન જર્ની હતું. કમલા હેરિસના સરકારી વકીલ અને સેનેટર તરીકેના અનુભવોનું તેમાં બયાન છે અને તેમનું રાજકીય ઘોષણાપત્ર પણ છે. અમેરિકામાં પ્રવર્તતા રંગભેદના ભયાનક સ્વરૂપ, ન્યાયવ્યવસ્થા અને આરોગ્ય સેવાને સમજવા-જાણવા આ પુસ્તક ઉપયોગી છે. નાગરિક અધિકાર આંદોલનના દોરમાં જન્મેલાં અને બ્લેક લાઈવ્સ મેટર આંદોલનના ઉદયકાળમાં રાજનીતિમાં રહેલાં કમલા હેરિસની બીજી કિતાબ 107 ડેઝ આ મહિને પ્રગટ થવાની છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીના 107 તણાવપૂર્ણ દિવસોની અંદરની વાતો આ પુસ્તકમાં લેખિકાએ વર્ણવી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીના પરાજય પછી પણ કમલા સક્રિય હતાં અને ડેમોક્રેટને નેતૃત્વ આપી રહ્યાં હતાં. 2026ની કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીના તેઓ ઉમેદવાર બનવાનાં હતાં. આ માટેની તૈયારીઓ પણ ચાલતી હતી. એ સંજોગોમાં તેમણે ધ લેટ નાઈટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટમાં રાજનીતિથી અલવિદાની ઘોષણા કરીને સૌને ચોંકાવી દીધા છે. કમલા હેરિસે તેનાં કારણો જણાવતાં કહ્યું છે કે મારા મનમાં છેલ્લા છ-આઠ માસથી લોકોની સેવા કઈ રીતે કરવી તેની વિચારણા ચાલતી હતી. અંતે મને લાગ્યું છે કે હવેથી હું કેલિફોર્નિયાના ગવર્નરના પદથી લઈને કોઈ પણ પદ માટે ચૂંટણી નહીં લડું. કારણ? તેમને લાગ્યું છે કે અમેરિકાની રાજકીય વ્યવસ્થા પડી ભાંગી છે અને તેઓ લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે પૂરતાં મજબૂત નથી. દેશમાં જે સિસ્ટમ છે તેમાં પરિવર્તન લાવવાની તાકાત તેમનામાં બચી નથી. તેમણે આ મુદ્દે ખૂલીને એમ પણ કહ્યું છે કે ટ્રમ્પ શાસનમાં મેડિકેટમાં કાપ, અદાલતી ચુકાદાઓને નજરઅંદાજ કરવા, સંસ્થાઓને નબળી પાડવી કે તેનો રાજકીય ઉપયોગ કરવો અને અમીરો પરના કરવેરામાં મોટાપાયે ઘટાડો જેવાં પગલાં અમેરિકાને કેમ કનડતાં નથી? જે લોકો પોતાને અમેરિકી લોકતંત્ર અને સિસ્ટમના રક્ષક માને છે તેમણે આત્મસમર્પણ કરી દીધું છે અને મેં અમેરિકામાં આ પહેલાં આવી સ્થિતિ કદી જોઈ નથી. અમેરિકી લોકતંત્રનું તળિયું દર્શાવતા ટ્રમ્પશાસન સામેનું આ તહોમતનામું નથી તો શું છે બીજું?

કમલા હેરિસની અમેરિકન મીડિયાએ એક સમયે લેડી ઓબામાની છબી ઊભી કરી હતી. તેઓ બરાક ઓબામાનો વારસો આગળ વધારશે એવી વાતોના પ્રત્યુત્તરમાં કમલાબહેને કહ્યું હતું કે મારો ખુદનો વારસો છે. મારે બીજા કોઈના વારસાને આગળ નથી વધારવાનો. તો પછી મજબૂત નેતાની છાપ ધરાવતાં કમલા હેરિસનો સત્તાકારણ ત્યાગનો નિર્ણય કેમ? હાલ તો આપણે એ વાતે આશ્વસ્ત છીએ કે કમલા હેરિસે રાજનીતિ છોડી છે, જાહેર જીવન નહીં. સત્તાકારણ છોડ્યું છે, લોકકારણ નહીં. તેઓ હવે દેશભરમાં ફરશે. લોકોને મળશે. લોકો પાસે મત નહીં માંગે, પણ તેમની વાત સાંભળશે.

રાજનીતિ ત્યાગનું કમલા હેરિસનું પગલું આક્રમક ટ્રમ્પ સામે આત્મસમર્પણ છે કે પછી બે ડગલાં પાછળ હટી સમય આવ્યે છલાંગ લગાવવાની રણનીતિ છે તે હાલ કલ્પવું મુશ્કેલ છે. હિલેરી ક્લિન્ટન, કમલા હેરિસ અને મિશેલ ઓબામા અમેરિકાના પહેલાં મહિલા પ્રેસિડેન્ટ બનવાની પ્રતિભા, ક્ષમતા, સામર્થ્ય અને સંભાવના ધરાવતાં રાજનેત્રીઓ છે. હિલેરી અને હેરિસના પારોઠના પગલાં પછી મિશેલ માટે તક છે?