ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લામાં મસૂરી અને ચંબાના માર્ગ પર સ્થિત કાનાતાલ એ હિમાલયના ખોળે વસેલું એક છુપાયેલું રત્ન છે. દરિયાઈ સપાટીથી આશરે 8500 ફૂટની ઊંચાઈ પર આવેલું આ નાનકડું ગામ પ્રકૃતિપ્રેમીઓ અને શાંતિની શોધમાં રહેતા પ્રવાસીઓ માટે આદર્શ સ્થળ છે. જો તમે ભીડભાડવાળા હિલસ્ટેશનથી કંટાળી ગયા હોવ અને કુદરતના સાંનિધ્યમાં થોડો સમય વિતાવવા માંગતા હોવ, તો કાનાતાલ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
`કાનાતાલ' નામ પાછળ એક રસપ્રદ વાત છે. સ્થાનિક ભાષામાં `કાના' એટલે સૂકું અને `તાલ' એટલે તળાવ. કહેવાય છે કે વર્ષો પહેલાં અહીં એક સુંદર તળાવ હતું, જે હવે સુકાઈ ગયું છે, તેથી આ સ્થળનું નામ કાનાતાલ પડ્યું. જોકે, આજે આ સ્થળ તેના સફરજનના બગીચાઓ, દેવદારનાં ગીચ જંગલો અને બરફથી લદાયેલા પહાડો માટે જાણીતું છે.
જોવાલાયક મુખ્ય સ્થળો
કાનાતાલ તેની શાંતિ માટે જાણીતું છે, છતાં અહીં કેટલાંક અદ્ભુત સ્થળો આવેલાં છે:
સુરકંડા દેવી મંદિર : કાનાતાલથી લગભગ 8 કિમી દૂર સ્થિત આ મંદિર હિન્દુ ધર્મના 51 શક્તિપીઠોમાંનું એક છે. પહાડની ટોચ પર આવેલું હોવાથી અહીંથી હિમાલયની પર્વતમાળાઓનો 360 ડિગ્રી નજારો જોવા મળે છે.
કૌડિયા ફોરેસ્ટ) : ટ્રેકિંગ અને નેચર વૉક માટે આ શ્રેષ્ઠ જગ્યા છે. આ ગીચ જંગલમાં ફરતી વખતે તમે હરણ, જંગલી ડુક્કર અને વિવિધ પ્રકારનાં પક્ષીઓ જોઈ શકો છો.
તેહરી ડેમ : કાનાતાલથી થોડે દૂર સ્થિત આ એશિયાનો સૌથી ઊંચો ડેમ છે. અહીં તમે વોટર સ્પોર્ટ્સ જેમ કે જેટ સ્કિઈંગ અને બોટિંગનો આનંદ માણી શકો છો.
ધનોલ્ટી : કાનાતાલની નજીક આવેલું આ સ્થળ તેના ઇકો-પાર્ક માટે જાણીતું છે.
કાનાતાલ એડવેન્ચર કેમ્પિંગ માટે પણ પ્રખ્યાત છે. અહીં ઘણા રિસોર્ટ્સ અને કેમ્પિંગ સાઇટ્સ છે, જ્યાં તમે રાત્રે આકાશમાં તારાઓ જોઈ શકો છો અને બોનફાયરનો આનંદ માણી શકો છો. શિયાળામાં અહીં ભારે હિમવર્ષા થાય છે, જેના કારણે આખું ગામ સફેદ બરફની ચાદર ઓઢી લે છે. ઉનાળામાં અહીંનું તાપમાન ખૂબ જ આહ્લાદક રહે છે. કાનાતાલની મુલાકાત લેવા માટે એપ્રિલથી જૂન અને ઓક્ટોબરથી માર્ચ મહિનાનો સમય સૌથી ઉત્તમ છે. જો તમારે બરફનો આનંદ લેવો હોય તો જાન્યુઆરી મહિનો શ્રેષ્ઠ છે. કાનાતાલ એ એક એવું સ્થળ છે જ્યાં સમય જાણે થંભી ગયો હોય તેવું લાગે છે. તેની નિર્મળ સુંદરતા અને તાજી હવા પ્રવાસીઓના આત્માને શાંતિ આપે છે. જો તમે તમારા વ્યસ્ત જીવનમાંથી બ્રેક લઈને કુદરત સાથે જોડાવા માંગતા હોવ, તો કાનાતાલની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો