એ દિવસે તારીખ હતી 21 ડિસેમ્બર, 1924. સ્થળ હતું પોલેન્ડનું એક નાનકડું શહેર મુન્સ્ટરબર્ગ. એ સમયે મુન્સ્ટરબર્ગની શેરીઓમાં શિયાળાની ઋતુ અને ભારે બરફ પડવાના લીધે કોઈ ચહલપહલ નહોતી.

શેરીઓ તદ્દન શાંત અને નિર્જન હતી. શહેરના લોકો પોતપોતાના ઘરમાં અરામ કરી રહ્યા હતા. રાતનો અંધકાર શહેર પર છવાયેલો હતો અને અચાનક જ એક ભયભીત અને લોહીથી લથપથ માણસ શહેરની ગલીઓમાં દોડતો જોવા મળ્યો. તેનું નામ હતું `વિન્સેન્ઝ ઓલિવિયર'. એક બેઘર વ્યક્તિ કે જેના માથા પર કોઈએ કુહાડીથી હુમલો કર્યો હતો. તેનું શરીર લોહીથી ખરડાયેલું હતું અને તે મદદ માટે ચીસો પાડી રહ્યો હતો. સ્થાનિક પોલીસના એક સિપાહીએ તેને રોક્યો અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો. હોસ્પિટલમાં ઓલિવિયરે એક નામ લીધું જેણે પોલીસને ચોંકાવી દીધી. એ નામ હતું `કાર્લ ડેન્કે'. આ નામથી શરૂ થઈ હત્યા અને નિર્દયતાની એક એવી કહાણી કે જે આજે પણ લોકોનાં રૂંવાડાં ઊભાં કરે છે.

કાર્લ ડેન્કે 54 વર્ષનો એક માણસ, પોલેન્ડના મુન્સ્ટરબર્ગમાં એક સામાન્ય નાગરિક તરીકે જાણીતો હતો. તે એક નાનકડા ઘરમાં રહેતો હતો અને શહેરમાં તેની ઓળખ એક શાંત, ધર્મનિષ્ઠ અને મદદગાર વ્યક્તિ તરીકે હતી. ડેન્કે ચર્ચમાં ઓર્ગન વગાડતો હતો અને ગરીબોને મદદ કરવા માટે જાણીતો હતો. લોકો તેને `ફાધર ડેન્કે' કહીને બોલાવતા, કારણ કે તે ઘણીવાર બેઘર અને ગરીબ લોકોને ખોરાક અને આશ્રય આપતો, પરંતુ આ દયાળુ ચહેરા પાછળ એક એવો અંધકાર દબાયેલો હતો, જેનો કોઈને અંદાજો નહોતો.

ઓલિવિયરના આરોપ બાદ પોલીસ ડેન્કેના ઘરે પહોંચી. પોલીસને જોતાં જ ડેન્કે એક રૂમમાં દોડી ગયો અને રૂમને અંદરથી તાળું મારી દીધું. પોલીસે દરવાજો ખખડાવ્યો, પરંતુ ડેન્કેએ દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો. આખરે જ્યારે પોલીસે દરવાજો તોડ્યો, ત્યારે તે સ્થળનું દૃશ્ય એટલું ભયાનક હતું કે પોલીસ અધિકારીઓના પગ નીચેની જમીન ખસી ગઈ. કાર્લ ડેન્કે તેના રૂમની મખમલી ફર્શ પર મૃત હાલતમાં પડેલો હતો. તેણે પોતાને ફાંસી લગાવી લીધી હતી, પરંતુ આ મૃત્યુ માત્ર રહસ્યની શરૂઆત હતી.

મુન્સ્ટરબર્ગ શહેરની પોલીસે કાર્લ ડેન્કેના ઘરની તપાસ શરૂ કરી અને જે મળ્યું તે માનવ મનને હચમચાવી દે તેવું હતું. કાર્લ ડેન્કેએ આત્મહત્યા કરી લીધી એ વાત હજુ પોલીસના ગળે નહોતી ઊતરી રહી. એવામાં પોલીસને બીજો એક મોટો ઝાટકો લાગ્યો. કાર્લ ડેન્કેના ઘરના રસોડામાં મોટા મોટા ડબ્બાઓમાં માનવ માંસના ટુકડા અથાણાની જેમ ભરેલા હતા. આ ડબ્બાઓમાં મીઠું અને મસાલાઓની સાથે માનવ શરીરનાં અંગો સાચવવામાં આવ્યાં હતાં. રૂમમાં ચામડાના બેલ્ટ, જૂતાંના ફીત અને અન્ય ચીજવસ્તુઓ મળી આવી કે જે માનવ ચામડામાંથી બનાવવામાં આવી હતી. પોલીસને ઘરમાંથી એક વિશિષ્ટ ડાયરી પણ મળી આવી, જેમાં ડેન્કેએ તેના શિકારનાં નામ, તેમનું વજન અને હત્યાની તારીખો નોંધી હતી. આ ડાયરી પોલીસ માટે સૌથી મહત્ત્વનો પુરાવો બની ગઈ, જેમાં 30થી વધુ લોકોની હત્યાની વિગતો નોંધાયેલી હતી.

આ ડાયરી જે હવે પોલેન્ડના રાષ્ટ્રીય આર્કાઇવ્ઝમાં સાચવવામાં આવી છે. તે ડેન્કેના અપરાધોની ભયાનક વાસ્તવિકતાને ઉજાગર કરે છે. આ ડાયરીમાં કાર્લ ડેન્કે દ્વારા કરવામાં આવેલી નોંધો અનુસાર પોલીસે એ તારણ કાઢ્યું કે, કાર્લ ડેન્કેએ વર્ષ 1914થી 1924 સુધી બેઘર લોકો, ભિખારીઓ અને મુસાફરોને પોતાના ઘરે આશ્રય આપવાના બહાને બોલાવ્યા અને પછી તેમની હત્યા કરી. તેમના શરીરના ટુકડા કરીને તેમના માંસનું અથાણું બનાવતો અને સ્થાનિક બજારમાં `સૂવરના માંસ' તરીકે વેચતો. આ વાતથી શહેરના લોકો ચોંકી ગયા, કારણ કે ઘણા લોકોએ આ `માંસ' ખરીદ્યું હતું, જે વાસ્તવમાં માનવ માંસ હતું, નહીં કે ડુક્કરનું.

કાર્લ ડેન્કેનો જન્મ 12 ઓગસ્ટ, 1860ના રોજ પોલેન્ડના ઝ્નેઇમ (હવે ઝગોર્ઝેલેક) નજીકના ગામમાં થયો હતો, જે તે સમયે જર્મનીના પ્રશિયા વિસ્તારનો ભાગ હતો. તે એક ખેડૂત પરિવારમાંથી આવતો હતો અને નાનપણથી જ શાંત અને અંતર્મુખી સ્વભાવનો હતો. તેના પરિવારે તેને ખેતીનું કામ સોંપ્યું, પરંતુ ડેન્કેને ખેતીમાં રસ ન હતો. 1903માં તેણે મુન્સ્ટરબર્ગમાં સ્થળાંતર કર્યું અને એક નાનકડું ઘર ખરીદ્યું. અહીંથી તેણે પોતાનું નવું જીવન શરૂ કર્યું, જે બાહ્ય રીતે સામાન્ય લાગતું હતું, પરંતુ અંદરથી ભયાનક હતું.

ડેન્કેનું જીવન બહુ સાદું હતું. તે એકલો રહેતો હતો અને તેના કોઈ નજીકના મિત્રો કે પરિવાર સાથે સંબંધ નહોતો. તે ચર્ચમાં ઓર્ગન વગાડવા ઉપરાંત નાના-મોટા વેપારમાં પણ સામેલ હતો. તે ઘણીવાર બજારમાં `ઘરે બનાવેલું અથાણું' અને `માંસ' વેચતો, જેની માંગ ખૂબ હતી. લોકો તેના ઘરે બનાવેલા અથાણાંના દીવાના હતા અને ડેન્કેના કામ અને તેના દયાળુ સ્વભાવની ખૂબ જ પ્રશંસા કરતા, પરંતુ કોઈને ખબર નહોતી કે આ ડેન્કે જે અથાણાં અને માંસ શહેરના બજારમાં વેચતો હતો તે શેમાંથી બનેલાં હતાં.

કાર્લ ડેન્કેની હત્યાની પદ્ધતિ ખૂબ જ યોજનાબદ્ધ હતી. તે બેઘર લોકો, ભિખારીઓ અને મુસાફરોને પોતાના ઘરે ખોરાક અને આશ્રયની લાલચ આપીને બોલાવતો. આ લોકો કે જેમની સામાન્ય રીતે કોઈ શોધખોળ કરનાર નહોતું, તેના માટે સરળ શિકાર હતા. ઘરે આવ્યા બાદ ડેન્કે તેમની કુહાડી કે ચપ્પુથી હત્યા કરતો. તે પછી શરીરના ટુકડા કરીને માંસનું અથાણું બનાવવા માટે મીઠું અને મસાલાઓમાં નાખતો. તેની ડાયરીમાં નોંધાયેલું હતું કે તેણે દરેક શિકારનું વજન માપ્યું હતું, જેથી તે જાણી શકે કે કેટલું માંસ મળશે.

ડેન્કેની આ ગુનાહિત પ્રવૃત્તિ વર્ષ 1914થી 1924 સુધી ચાલી. આ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ બાદ પોલેન્ડમાં આર્થિક કટોકટી આવી પડી હતી અને ખોરાકની અછતને કારણે લોકો સસ્તું માંસ ખરીદવા આતુર હતા. ડેન્કેએ આ પરિસ્થિતિનો લાભ લીધો અને તેનાં `ઉત્પાદનો'ને બજારમાં વેચ્યાં. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે કાર્લ ડેન્કેની આ પ્રવૃત્તિનું કારણ માત્ર આર્થિક નહીં, પરંતુ તેની માનસિક અસ્થિરતા પણ હતી. જોકે, આ અંગે કોઈ સત્તાવાર દસ્તાવેજમાં નોંધ નથી.

ડેન્કેના ઘરની તપાસ દરમિયાન પોલીસને મળેલા પુરાવાઓએ શહેરને હચમચાવી દીધું. ઘરમાંથી મળેલાં માનવ હાડકાં, ચામડીની ચીજવસ્તુઓ અને અથાણું બનાવેલું માંસ એ દર્શાવતું હતું કે ડેન્કેના અપરાધોનું કદ ખૂબ મોટું હતું. પોલીસે તેની ડાયરીના આધારે 31 લોકોની હત્યાની પુષ્ટિ કરી. જોકે, એવું માનવામાં આવે છે કે વાસ્તવિક સંખ્યા આથી વધુ હોઈ શકે છે.

Zgorzelec Regional Court Records (1924) અનુસાર ડેન્કેના ઘરમાંથી 20 કિલોગ્રામથી વધુ માનવ માંસ અને 200થી વધુ હાડકાં મળી આવ્યાં હતાં.

ડેન્કેના મૃત્યુ બાદ તેના અપરાધોની વિગતો જાહેર થતાં મુન્સ્ટરબર્ગ શહેરના લોકોમાં ભય અને આઘાત ફેલાયો. જે લોકોએ તેનું `માંસ' ખરીદ્યું હતું તેઓ ગભરાઈ ગયા. ઘણા લોકોને શંકા થઈ કે તેઓએ અજાણતાં માનવ માંસ ખાધું હશે.

આ ઘટનાએ સ્થાનિક બજારોમાં માંસના વેચાણ પર પણ અસર કરી અને લોકો સસ્તા માંસ પરથી વિશ્વાસ ગુમાવવા લાગ્યા.

ડેન્કેની આત્મહત્યાને કારણે તેની સામે કોઈ કોર્ટ કેસ ચાલી શક્યો નહીં. પોલીસે તેના ઘરમાંથી મળેલા પુરાવાઓના આધારે તેના અપરાધોની નોંધ કરી, પરંતુ કોઈને સજા થઈ શકી નહીં. ડેન્કેની ડાયરી અને ઘરમાંથી મળેલા પુરાવાઓ હવે ઐતિહાસિક દસ્તાવેજો તરીકે સાચવવામાં આવ્યા છે. આ દસ્તાવેજો પોલેન્ડના રાષ્ટ્રીય આર્કાઇવ્ઝમાં ઉપલબ્ધ છે.

ડેન્કેના અપરાધોની વાર્તા આજે પણ ક્રાઇમ ઇતિહાસનો એક ભયાનક અધ્યાય છે. તેની ઓળખ એક શાંત, ધાર્મિક માણસથી લઈને એક નરભક્ષી ખૂની સુધીની સફર દર્શાવે છે કે માનવ મનની ઊંડાઈઓ કેટલી ભયાનક હોઈ શકે છે! તેના અપરાધોએ ન માત્ર મુન્સ્ટરબર્ગના લોકોને, પરંતુ આખા વિશ્વને ચોંકાવી દીધું.

કાર્લ ડેન્કેની વાર્તા એ એક એવી ઘટના છે, જે માનવતાના સૌથી અંધકારમય પાસાંઓને ઉજાગર કરે છે. એક એવો માણસ, જે બાહ્ય રીતે સામાન્ય અને દયાળુ લાગતો હતો, તેની અંદર એક રાક્ષસ છુપાયેલો હતો. તેના અપરાધો, જેમાં ઓછામાં ઓછા 31 લોકોની હત્યા અને તેમના માંસનું અથાણું બનાવીને વેચવાનો સમાવેશ થાય છે, આજે પણ લોકોને ચોંકાવે છે. ડેન્કેની ડાયરી અને પોલીસના રેકોર્ડ્સ આ ભયાનક સત્યની સાક્ષી આપે છે. આ વાર્તા એ યાદ અપાવે છે કે કેટલીકવાર સૌથી ખતરનાક લોકો તે હોય છે, જે બાહ્ય રીતે સૌથી સામાન્ય દેખાતા હોય છે.