ભારત અને ચીન વચ્ચેની સરહદ આંકતી મેકમોહન રેખા તો ભણવામાં આવી જ ગયું હશે.

એ રીતે બે દેશો વચ્ચેની સરહદ આંકતી બીજી રેખાઓ અંગે પણ કદાચ જાણતા હશો, પરંતુ એક અનોખી રેખા એવી છે, જે ધરતી પર જોવા નથી મળતી, પણ ધરતીના સામ્રાજ્યની સરહદ દેખાડતી રેખા એટલે કાર્મન રેખા!

સામાન્ય રીતે બે દેશો વચ્ચેની સરહદ દેખાડતી ઘણી રેખાઓ અંગે ભણવામાં આવી ગયું હશે. બે દેશો વચ્ચેની રેખા એ જે તે દેશની આણનો અંત દેખાડે છે. એ રેખાની અંદર હકૂમતની આણ વર્તાતી હોય છે. એની બહાર બીજા દેશનું શાસન શરૂ થઈ જતું હોય છે. મતલબ કે બે દેશોનો આકાર આપતી કેટલીય રેખાઓ ધરતી પર આંકેલી ન હોવા છતાં ઓળખાતી હોય છે, પરંતુ ધરતીની બહાર પણ આપણે એવી સરહદ આંકવાનું ચૂક્યા નથી. એ રેખાનું નામ કાર્મન રેખા છે. પૃથ્વી ગોળ છે અને અવકાશમાં ઘૂમતી રહે છે. પૃથ્વીની ફરતે વાતાવરણ છે. એ વાતાવરણને કારણે જ આપણે જીવી શકીએ છીએ, ત્યારે એ વાતાવરણ હોય ત્યાં સુધી પૃથ્વીનું સામ્રાજ્ય છે, એમ માની શકાય. પૃથ્વીની એ સરહદ ગણાય, જ્યાંથી અવકાશનો પ્રારંભ થાય. એ સરહદનું કાલ્પનિક રૂપ એટલે કાર્મન રેખા.

કાર્મન રેખા પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈએથી શરૂ થાય છે. આ કાલ્પનિક રેખાને પૃથ્વીના વાયુમંડળ અને બાહ્ય અવકાશ વચ્ચેની સરહદ ગણવામાં આવે છે. કાર્મન રેખાનું નામ મૂળ હંગેરીના અમેરિકન ઈજનેર થિયોડોર વૉન કાર્મનના નામ પરથી રાખવામાં આવ્યું છે. 1950માં વિજ્ઞાનીઓએ ગણતરી કરીને એવું પુરવાર કર્યું હતું કે પૃથ્વીથી 100 કિલોમીટરની ઊંચાઈએ હવા એટલી પાતળી હોય છે કે ત્યાં વિમાન ઊડી શકે નહીં. કાર્મન રેખા પાર કરવી હોય તો વિમાન કામ ન આવે, એ માટે નીચેથી ધક્કો મારે એવા વાહનની જરૂર પડે અને એ ધક્કો વિમાનને મળતા ધક્કા કરતાં અનેક ગણો વધુ હોવો જરૂરી છે. મતલબ કે એ માટે રોકેટમાં જોવા મળતા પ્રોપ્લુઝન ટેક્નિકની જરૂર પડે છે. આ ઊંચાઈએ વિમાનને નીચેથી લિફ્ટ મળી રહે એવી હવા વહેતી હોતી નથી, તેથી વિમાન ઊડી શકે નહીં. એ કારણે અહીં ઊડવું હોય તો વધુ ગતિની જરૂર પડે છે. એ ગતિ વિમાન મેળવી શકતું નથી. એ ગતિ રોકેટનાં એન્જિનો જ મેળવી શકે છે અને તેથી જ રોકેટ કાર્મન રેખાને પાર કરીને અવકાશમાં પહોંચી શકે છે.

જોકે, કાર્મન રેખા કેટલી ઊંચાઈએ ગણવી એ અંગે પણ મતભેદ છે. અમેરિકાનું એરફોર્સ માને છે કે, પૃથ્વીથી 80 કિલોમીટરની ઊંચાઈએથી જ અવકાશ શરૂ થાય છે. મતલબ કે કાર્મન રેખા 80 કિલોમીટર ઊંચે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય માનાંકને આધારે કાર્મન રેખા 100 કિલોમીટર ઊંચે જ હોવાનું સ્વીકારાયું છે. જોકે, 2005માં અવકાશયાત્રીઓ અને સ્પેસ ટૂરિઝમના સહેલાણીઓ વચ્ચેનો ભેદ આંકવા માટે નાસાના ત્રણ અનુભવી એક્સ 15ના પાઇલટ બી મૈકે, વિલિયમ એચ ડાના અને જોસેફ આલ્બર્ટ બાકરે ઉડ્ડયન કરીને આ રેખા 80 કિલોમીટર હોવાનું આંક્યું હતું. અવકાશની સરહદ ત્યાંથી ચાલુ થાય એટલે આ રેખા ફક્ત એ વિજ્ઞાનને સમજવા માટે જ જરૂરી નથી, પણ સ્પેસ ટૂરિઝમ કે અવકાશયાત્રીઓ માટે પણ આ રેખા મહત્ત્વની છે.

આજકાલ સ્પેસ ટૂરિઝમનો એક નવો હરખ લોકોમાં વધી રહ્યો છે. અવકાશયાત્રા કરવા માટે અધધ રૂપિયા જોઈએ. વળી, કેટલીક તાલીમ પણ લેવી પડે, પરંતુ ઓછા ખર્ચે અવકાશના ઉંબરે સુધી ફેરવી લાવવાનો એક નવો વ્યવસાય શરૂ થયો છે. બ્લૂ ઓરિજિન જેવી કેટલીય કંપનીઓએ હવે સ્પેસ ટૂરિઝમ શરૂ કર્યું છે. એ ખરું કે હજુ સ્પેસ ટૂરિઝમ અતિ ખર્ચાળ હોવાના કારણે સામાન્ય લોકો તેની કલ્પના કરીને જ યાત્રાનો રોમાંચ મેળવી લે છે, પરંતુ ભવિષ્યમાં એ રોમાંચ વધુ સસ્તો થશે, ત્યારે અનેક લોકો આજકાલ વિદેશ ફરવા જાય છે, તેઓ અવકાશમાં ફરવા જવાનું શરૂ કરશે. આ અવકાશી સહેલાણીઓને કાર્મન રેખા સુધી લઈને જઈને પાછા લાવવામાં આવે છે. એ વિસ્તાર પણ જોખમી તો છે જ.

ખાસ કરીને અહીં રેડિએશન વધુ લાગે છે, તો તાપમાનમાં મોટા ફેરફારો થતા રહે છે.

એ ખરું કે કાર્મન રેખાને પાર કરો એટલે વાયુમંડળ ન જ હોય એમ માની લેવાની પણ જરૂર નથી. એ રેખાની પેલે પાર પણ વાયુમંડળ હોય છે, પરંતુ એ ખૂબ જ પાતળું હોય છે અને તેનાથી ઊંચે વાયુમંડળ વધુ ને વધુ પાતળું થઈને પછી અસ્તિત્વ ગુમાવી દે છે. ધરતી માટે કાર્મન રેખાની કલ્પના કરવામાં આવી છે, પરંતુ જો એ રખેને બીજા ગ્રહો પર હોય તો શુક્ર માટે એ 250 કિલોમીટર ઊંચે હોય, તો મંગળ માટે તે 80 કિલોમીટર ઊંચે હોય! ટૂંકમાં, કાર્મન રેખા એ પૃથ્વી ફરતેના વાયુમંડળની લક્ષ્મણ રેખા છે. તેની બહાર જવું એટલે મોતને નોતરવા જેવું જોખમી છે.