કર્ણાટકના શિમોગા જિલ્લામાં પશ્ચિમ ઘાટની મધ્યમાં આવેલું આગુમ્બે એક નાનકડું અને મનોહર ગામ છે.
તેને `દક્ષિણના ચેરાપુંજી' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ભારતના અલગ અલગ વિસ્તારો કરતાં અહીં સૌથી વધુ વરસાદ પડે છે. આ સ્થળ તેની ગાઢ હરિયાળી, વરસાદી જંગલો, અદ્ભુત ધોધ અને સમૃદ્ધ જૈવવિવિધતા માટે પ્રખ્યાત છે. તે પ્રકૃતિપ્રેમીઓ, ટ્રેકર્સ અને શાંતિની શોધમાં રહેતા લોકો માટે સ્વર્ગ સમાન છે.
આમ તો આગુમ્બેની સીધી અને સરળ ઓળખ એટલે એનું કુદરતી સૌંદર્ય, પણ આ ગામ પ્રવાસીઓમાં ફેમસ માલગુડી ડેઝ સીરિયલને કારણે થયું હતું. આ એ જ સ્થળ છે જ્યાં આ પ્રખ્યાત ટીવી સીરિયલનું શૂટિંગ થયું હતું. એ સમયે આ શો ખૂબ જ ફેમસ થયો હતો. એનું મ્યુઝિક તો આજેય મગજમાં સંભળાવા લાગે. ખૈર, માલગુડી ડેઝમાં બતાવવામાં આવતું એ ગામ આપણને એટલું ગમતું કે ત્યાં જવાનું મન થઇ જાય. બસ એ વખતથી પર્યટકોમાં આગુમ્બે ફેમસ થઇ ગયું. અહીં `આગુમ્બે રેઈનફોરેસ્ટ રિસર્ચ સ્ટેશન' (ARRS) પણ આવેલું છે, જે કિંગ કોબ્રા સહિતના સરિસૃપો અને વરસાદી જંગલોના સંરક્ષણ માટે કામ કરે છે.
આગુમ્બેમાં જોવાલાયક સ્થળો
સનસેટ વ્યૂ પોઈન્ટ : પશ્ચિમ ઘાટના સૌથી ઊંચા શિખરોમાંના એક પર સ્થિત આ સ્થળ અરબી સમુદ્ર પરના સૂર્યાસ્તનાં અદ્ભુત દૃશ્યો પ્રદાન કરે છે. ચોખ્ખા આકાશમાં અહીંથી સૂર્યાસ્ત જોવો એક અવિસ્મરણીય અનુભવ છે.
બરકા ફૉલ્સ : સીતા નદી પર રચાયેલો આ ધોધ ભારતના સૌથી ઊંચા ધોધમાંનો એક છે. અહીં પહોંચવા માટે ગાઢ જંગલમાંથી ટ્રેકિંગ કરવું પડે છે, જે સાહસિકો માટે એક ઉત્તમ અનુભવ છે.
જોગી ગુંડી ફૉલ્સ : આ ધોધનું નામ એક સંતના નામ પરથી પડ્યું છે, જેઓ અહીં ધ્યાન કરતા હતા. તે જંગલની અંદર આવેલો છે અને અહીં તમે ધોધના કુદરતી પુલમાં તરી શકો છો.
ઓનકે અબ્બી ધોધ : આ ધોધ સુધી પહોંચવા માટે પણ ટ્રેકિંગ કરવું પડે છે. `ઓનકે'નો અર્થ કન્નડમાં `લાકડી' થાય છે, કારણ કે ધોધ એક સીધી રેખામાં નીચે પડે છે.
ગોપાલકૃષ્ણ મંદિર : 14મી સદીનું આ મંદિર હોયસલા સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે અને તેની કોતરણી ખૂબ જ સુંદર છે.
માલગુડી ડેઝનું ઘર
જો તમે `માલગુડી ડેઝ'ના ચાહક છો, તો તમારે આ ઘરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ એક 150 વર્ષ જૂનું પરંપરાગત ઘર છે જ્યાં તમે રોકાઈ શકો છો અને સ્થાનિક ભોજનનો આનંદ માણી શકો છો.
જો તમારે વરસાદ અને ધુમ્મસનો અનુભવ કરવો હોય, તો તમે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસામાં જઈ શકો છો.
આગુમ્બેની નજીકનાં સ્થળો
શૃંગેરી : આગુમ્બેથી લગભગ 28 કિમી દૂર આવેલું આ એક પ્રખ્યાત યાત્રાધામ છે, જ્યાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શારદા પીઠમ આવેલું છે.
કુન્દાદ્રી હિલ્સ : જૈન ધર્મના અનુયાયીઓ માટે આ એક પવિત્ર સ્થળ છે. પહાડીની ટોચ પરથી આસપાસના વિસ્તારોનું મનોહર દૃશ્ય જોવા મળે છે.
ઉડુપી : આગુમ્બેથી લગભગ 55 કિમી દૂર આવેલું આ શહેર તેના શ્રીકૃષ્ણ મંદિર અને સ્વાદિષ્ટ ભોજન માટે પ્રખ્યાત છે.