ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારે આવેલું કેરળ રાજ્ય પ્રકૃતિની અદ્ભુત ભેટ છે. અરબી સમુદ્રના કિનારે વસેલું આ રાજ્ય તેની હરિયાળી, શાંત જળાશયો, આયુર્વેદિક પરંપરા અને ઉચ્ચ સાક્ષરતા દર માટે વિશ્વભરમાં જાણીતું છે. નેશનલ જિયોગ્રાફિક દ્વારા કેરળને `વિશ્વનાં 50 જોવાલાયક સ્થળો'માં સ્થાન આપવામાં આવ્યું છે, જે તેની સુંદરતાની સાક્ષી પૂરે છે.


કેરળ તેની ભૌગોલિક વિવિધતા અને સંસ્કૃતિને કારણે પણ વધુ પ્રખ્યાત છે. કેરળની ભૂગોળ ખૂબ જ વૈવિધ્યસભર છે. એક તરફ પશ્ચિમ ઘાટના ઊંચા પહાડો છે, તો બીજી તરફ વિશાળ દરિયાકિનારો છે. કેરળની સંસ્કૃતિ તેના ઉત્સવો અને કલા દ્વારા જીવંત બને છે. `ઓણમ' અહીંનો મુખ્ય તહેવાર છે, જેમાં નૌકા સ્પર્ધા જોવી એ એક લહાવો છે. કથકલી નૃત્ય અને કલારીપયટ્ટુ જે પ્રાચીન માર્શલ આર્ટ છે, તે પણ કેરળની આગવી ઓળખ છે.

અહીં ઘણાં એવાં જોવાલાયક મુખ્ય સ્થળો છે, જેને જોતાં જ તમે અહો આશ્ચર્યમ અનુભવશો. કેરળમાં પ્રત્યેક પ્રવાસી માટે કંઈક ખાસ છે.

મુન્નાર : અહીંના ચાના બગીચાઓ અને ધુમ્મસથી ઘેરાયેલા પહાડો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.

એલેપ્પી (અલાપ્પુઝા) : તેને `પૂર્વનું વેનિસ' કહેવામાં આવે છે. અહીંના બેકવોટર્સમાં હાઉસબોટમાં રહેવું અને કેરળની ગ્રામીણ સુંદરતા જોવી એ એક અનોખો અનુભવ છે.

વાયનાડ: જો તમે જંગલો અને કુદરતી ધોધના શોખીન હોવ, તો વાયનાડ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં એદક્કલ ગુફાઓ અને બાણાસુર સાગર ડેમ જોવાલાયક છે.

કોચી (કોચીન): આ શહેર ઇતિહાસ અને આધુનિકતાનું મિશ્રણ છે. અહીંના ચાઈનીઝ ફિશિંગ નેટ્સ અને જૂના કિલ્લાઓ પ્રખ્યાત છે.

થેક્કડી (પેરિયાર): વન્યજીવન પ્રેમીઓ માટે પેરિયાર નેશનલ પાર્ક આદર્શ છે, જ્યાં હાથીઓ અને વાઘ જોવા મળી શકે છે.

કેરળ આયુર્વેદિક સારવાર અને મસાજ માટે વિશ્વનું કેન્દ્ર છે. અહીંની આબોહવા, આયુર્વેદિક તેલ અને જડીબુટ્ટીઓ માટે અત્યંત અનુકૂળ છે. ભોજનની વાત કરીએ તો, નાળિયેર અને મસાલાનો ભરપૂર ઉપયોગ અહીંની વિશેષતા છે. કેળાના પાન પર પીરસાતું `સાધ્યા' ભોજન અને અહીંના સી-ફૂડનો સ્વાદ અહીં આવનારા પ્રવાસીઓ ક્યારેય ભૂલી શકતા નથી.

કેરળની મુલાકાત લેવા માટે સપ્ટેમ્બરથી માર્ચ સુધીનો સમય સૌથી ઉત્તમ છે. જો તમારે આયુર્વેદિક સારવાર લેવી હોય અથવા ધોધનો આનંદ લેવો હોય, તો ચોમાસામાં (જૂનથી ઓગસ્ટ) જવું વધુ સારું છે, પરંતુ ત્યારે વરસાદ ખૂબ જ હોય છે. કેરળ એક એવું સ્થળ છે જે તમને પ્રકૃતિ સાથે એકાકાર થવાની તક આપે છે. પછી ભલે તે દરિયો હોય, પહાડ હોય કે જંગલ. કેરળની સુંદરતા તમારા હૃદયમાં હંમેશ માટે વસી જશે.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: