પુરાતત્ત્વવિદો દ્વારા આપણને આપણી અને દુનિયાભરની પ્રાચીન સંસ્કૃતી, તેમની જીવનશૈલી વિશે અમૂલ્ય ખજાનો જાણવા મળ્યો છે. એમાં એક નામ કેટલહોયુકનું પણ છે.
કેટલહોયુક નામ સાંભળવામાં જેટલું અટપટું લાગે છે એવી જ રીતે આ જગ્યા પણ થોડી અટપટી છે. કેટલહોયુકને ચેટલહોયુક પણ કહેવામાં આવે છે. આ સ્થળ તુર્કીના દક્ષિણ-મધ્ય ભાગમાં, કોન્યા મેદાન નજીક આવેલ છે. વિશ્વના સૌથી જૂનાં નગરોમાં કેટલહોયુકનો સમાવેશ થાય છે.
કેટલહોયુકને નવપષાણ યુગ અને તામ્ર યુગ બંને સમયગાળામાં માનવ વસાહત તરીકે ઓળખવામાં આવે છે. 2012માં યુનેસ્કો દ્વારા આ જગ્યાને વિશ્વ ધરોહર સ્થળ રીતે માન્યતા આપવામાં આવી છે.
શોધ અને મહત્ત્વ
કેટલહોયુકની શોધ 1950ના દાયકામાં જેમ્સ મેલાર્ટ નામના પુરાતત્ત્વવિદે કરી હતી. ત્યારબાદ અનેક ખોદકામો થયાં, જેમાંથી અહીંની અદ્ભુત જીવનશૈલી, કલા, કૃષિ અને ધાર્મિક માન્યતાઓ વિશે માહિતી મળી. આજે પણ કેટલહોયુક પર વિશ્વભરના વૈજ્ઞાનિકો અને પુરાતત્ત્વવિદો સંશોધન કરતા રહે છે.
કેટલહોયુકનો ઇતિહાસ
કેટલહોયુકનો ઇતિહાસ બહુ પ્રાચીન હોવાનું મનાય છે. ઇસવીસન પૂર્વ 7400થી ઇસવીસન 6200 સુધીનો માનવામાં આવે છે. અહીં આશરે 8000 લોકો રહેતા હતા એવા પુરાવા મળી આવ્યા છે. જેના ઉપરથી કેટલહોયુકને વિશ્વની પ્રથમ મોટી વસાહતોમાંની એક હોવાનું મનાય છે. અન્ય સંસ્કૃતિઓ કરતાં આ સંસ્કૃતિને સૌથી અલગ માનવામાં આવે છે, કારણ કે અહીં કોઇ રાજકીય પ્રણાલી, રાજા કે મોટાં મંદિરોના પુરાવા મળતા નથી. બીજી સૌથી સારી વાત એ છે કે કેટલહોયુકનો સમાજ સમાનતાવાદી હતો. એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઇ વિશેષ અસમાનતા જોવા મળતી નથી. એટલે કે અત્યારે જે સ્ત્રી અને પુરુષોમાં ભેદભાવ જોવા મળે છે એવા કોઇ ભેદભાવ કેટલહોયુકના સમયમાં નહોતા. સ્ત્રી અને પુરુષો વચ્ચે સમાન કામગીરી વહેંચવામાં આવી હતી.
વસાહતની રચના
કેટલુહોયુકના વસાહતની રચના બહુ અનોખી હતી. એમનાં ઘરો એકબીજાની નજીક નજીક હતાં. ઘર ચોરસ આકારમાં બાંધવામાં આવ્યાં હતાં અને રસ્તાઓનું કોઇ અસ્તિત્વ હોય એવું જોવા મળ્યું નથી. લોકો ઘરમાં છત પરના નાના દરવાજા દ્વારા પ્રવેશ કરતા. ઘરો માટીની ઈંટથી બનાવવામાં આવતાં અને અંદર રસોડા, સૂવાની જગ્યા તથા ચૂલાની વ્યવસ્થા હતી. દીવાલો પર સુંદર ચિત્રો, શિકારનાં દૃશ્યો અને પ્રતીકાત્મક ચિત્રકળા જોવા મળે છે, જે ત્યાંના લોકોની માન્યતાઓ દર્શાવે છે.
કલા અને ધાર્મિક માન્યતાઓ
કેટલહોયુકની સૌથી મહત્ત્વપૂર્ણ ખાસિયત તેનાં ભીંતિચિત્રો અને મૂર્તિઓ હતી. પુરાતત્ત્વવિદોને અહીંથી અનેક પ્રતીકાત્મક સ્ત્રી મૂર્તિઓ મળી છે, જેને માતા દેવી સાથે જોડવામાં આવી હોય એવા પુરાવા મળી આવ્યા છે. આ મૂર્તિઓ માનવજાતની પ્રજનન શક્તિ, સુખાકારી અને ખેતીની સમૃદ્ધિ સાથે સંકળાયેલી હતી. દીવાલો પરનાં ચિત્રોમાં શિકાર, પ્રાણીઓ અને ધાર્મિક વિધિઓ દર્શાવવામાં આવી છે. આ દર્શાવે છે કે ત્યાં વસવાટ કરતા લોકોમાં કુદરત પ્રત્યે ઊંડો આદર હતો. તેઓ વિવિધ પ્રકારની ધાર્મિક વિધિઓ કરવામાં માનતા હતા.
અર્થતંત્ર અને જીવનશૈલી
કેટલહોયુકના લોકો પોતાનું ગુજરાન ચલાવવા મુખ્યત્વે કૃષિ અને પશુપાલન કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા અને દાળ વગેરે જેવાં અનાજની ખેતી થતી હતી. સાથે સાથે બકરાં, ઘેટાં અને ગાયનું પાલન પણ થતું. શિકાર પણ તેમની જીવનશૈલીનો અગત્યનો ભાગ હોઇ શકે એવું પુરાતત્ત્વવિદોને ત્યાંથી મળી આવેલા પુરાવા ઉપરથી તારણ કાઢવામાં આવ્યું છે. અહીં લોકો માટીનાં વાસણો, પથ્થરનાં સાધનો અને શંખમાંથી આભૂષણો બનાવતાં હતાં. વેપાર માટે તેઓ દૂરના વિસ્તારો સાથે જોડાયેલા હતા, જે તેમના સામાજિક વિકાસનો પુરાવો આપે છે.
કેટલહોયુકનું સામાજિક જીવન
અહીં મળેલા પુરાવાઓ દર્શાવે છે કે મૃતદેહોને ઘરની અંદર, જમીન નીચે દફનાવવામાં આવતા હતા. કબરોમાં આભૂષણો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ સાથે રાખવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે, જે દર્શાવે છે કે લોકો પરલોકમાં વિશ્વાસ રાખતા હતા. સમાજમાં સહકાર અને સમાનતા જોવા મળતી હતી. કેટલહોયુક માત્ર તુર્કી માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે એક અમૂલ્ય વારસો છે. અહીંથી મળેલા પુરાવાઓ માનવ સંસ્કૃતિના પ્રારંભિક વિકાસ, સમાજજીવન, કલા અને ધર્મ વિશે અનોખી સમજ આપે છે. પ્રાચીન માનવજીવનની ઝાંખી મેળવવા ઈચ્છુક લોકો માટે આ સ્થાન એક જીવંત પાઠશાળા સમાન છે. પરિણામે તેને વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ પુરાતત્વીય સ્થળોમાં સ્થાન મળ્યું છે.
