`નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેરી આવાજ હી પહચાન હૈ, ગર યાદ રહે.' ગીત કોને યાદ નહીં હોય? 48 વર્ષ પહેલાં 1977માં રિલીઝ થયેલી ફિલ્મ `કિનારા'નું આ ગીત એવું રતન છે જે સમયની સાથે વધુ તેજસ્વી બન્યું છે. આ કેવળ ગીત નથી, પરંતુ એક ભાવનાત્મક પ્રવાસ છે, જેને આર.ડી. બર્મનની ધૂન, ગુલઝારના શબ્દો અને લતા મંગેશકર-ભૂપિંદર સિંહના મીઠા પણ દર્દભર્યા અવાજોએ અમર બનાવી દીધું છે.
ગીત જ શું કામ? `કિનારા' પણ કેવળ ફિલ્મ નહોતી, તે પડદા પર લખાયેલી એક લાંબી કવિતા હતી. 70ના દાયકાની સિનેમાઈ દુનિયા `એંગ્રી યંગ મેન' અને મારધાડવાળી મસાલા ફિલ્મોને કારણે જાણીતી હતી. તે શોરગુલ વચ્ચે ગુલઝારે `કિનારા'માં શાંતિ અને સ્થિરતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં પ્રેમકહાનીઓની શરૂઆત `પહેલી નજરના પ્રેમ'થી થાય છે, પરંતુ `કિનારા'માં ગુલઝારે એક દુર્ઘટના અને અપરાધબોધનો પરિચય કરાવીને દર્શકોને પ્રેમ, સંઘર્ષ અને આત્મખોજ તરફ જતા રસ્તાની દિશા બતાવી હતી.
ફિલ્મ આરતી સંન્યાલ (હેમા માલિની) નામની પ્રતિભાશાળી શાસ્ત્રીય નૃત્યાંગનાની આસપાસ ફરે છે. તેનું જીવન કળા, સંગીત અને પ્રેમી ચંદન આર્ય(ધર્મેન્દ્ર)થી ભરેલું છે. એક દિવસ એક કાર અકસ્માતમાં ચંદનનું મોત થઇ જાય છે અને આરતી દૃષ્ટિ ગુમાવી દે છે. કળા, સંગીત અને પ્રેમ બધું જ એકસાથે ખતમ થઇ જાય છે.
આરતી બધું છોડીને માંડુમાં સ્થાયી થઇ જાય છે. એક દિવસ ઇન્દર (જીતેન્દ્ર) નામનો ચાહક આરતીનું નૃત્ય જોવા આવે છે, પણ આરતી કહે છે કે તેણે છ મહિના પહેલાં એ બંધ કરી દીધું છે. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા થાય છે. આરતી તેના પ્રેમ વિશે વાત કરે છે અને કહે છે કે તેને ચંદને લખેલું ઐતિહાસિક પુસ્તક એક દિવસ પ્રગટ કરવું છે.
આવા વાર્તાલાપમાં જ ઇન્દરને ખબર પડે છે આરતી જે અકસ્માતની વાત કરે છે તે તેની જ કારથી થયો હતો. ધીમે ધીમે ઇન્દરને અપરાધબોધ ઘેરી વળે છે કે તેના કારણે આરતીનું જીવન અંધકારમાં ડૂબી ગયું છે. એ અપરાધનો ભાવ તેને કોરી ખાય છે અને પોતાની ભૂલ જાહેર કર્યા વગર ઇન્દર આરતીની નજીક આવવા લાગે છે. તેને સહારો આપવા અને તેને સહજ કરવાની કોશિશ કરે છે.
આરતી તેની તૂટી ચૂકેલી દુનિયાને કોઈક રીતે સમેટી રાખવા મથતી હોય છે. તેની ભીતર પ્રેમની યાદો અને વર્તમાનનું દુઃખ સતત અથડાતું રહે છે. ધીમે ધીમે ઇન્દર અને આરતી વચ્ચે એક નાજુક સંબંધ વિકસવા લાગે છે, પરંતુ આ સંબંધ સચ્ચાઈના ભાર નીચે ધબકતો રહે છે.
સચ્ચાઈ ક્યાં સુધી છૂપી રહી શકે? જ્યારે આરતીને ખબર પડે છે કે ઇન્દર જ તે અકસ્માતનું કારણ હતો, જેના કારણે તેની જિંદગી તબાહ થઇ ગઈ હતી, ત્યારે તેની અંદર દુઃખ, ગુસ્સો, પ્રેમ અને અસમંજસની આંધી એકસાથે ઊઠે છે. પછી કહાની એક સંવેદનશીલ મોડ પર પહોંચી જાય છે. શું એક વ્યક્તિ ભૂલ કર્યા પછી પણ પ્રેમ મેળવી શકે? શું તે પીડા અને પ્રેમ એકસાથે ચાલી શકે? શું પ્રશ્ચાત્તાપ પ્રેમનો આધાર બની શકે? અંતે આરતી તેના દુઃખદ અતીતમાંથી બહાર નીકળીને વર્તમાન સાથે સમાધાન કરે છે.
ગુલઝારની શૈલી મુજબ ફિલ્મ આ ભાવનાત્મક તણાવમાં ધીરે ધીરે આગળ વધતી રહે છે, જ્યાં સંવાદથી વધારે મૌન વાત કરે છે અને પાત્રો પોતાના દુઃખના કિનાર પર ઊભા રહી જીવનનો અર્થ શોધે છે. અહીં કિનારો તેની સૌથી ઊંડી માનવીય સચ્ચાઈ વ્યક્ત કરે છે. કેટલાક પ્રેમ પૂર્ણ થતા નથી, કેટલાક અપરાધ માફ થતા નથી અને કેટલાંક સત્ય કોઈ સંબંધને શરૂ થતાં પહેલાં જ સમાપ્ત કરી દે છે.
ગુલઝાર ફિલ્મમાં રસપ્રદ મૂંઝવણ રચે છે. એક તરફ તેઓ ઇન્દર માટે સહાનુભૂતિ જન્માવે છે અને બીજી બાજુ એવું પણ સાબિત કરે છે કે ઇન્દરની તુલનામાં આરતી ન્યાય અને કરુણાની વધુ હકદાર છે. ઇન્દરના નાના નાના પ્રયાસોને ફિલ્મ એક પ્રકારે `બલિદાન' તરીકે રજૂ કરે છે, જાણે કોઈ મોટી કિંમત ચૂકવીને આરતીના જીવનમાં પાછો ફરી રહ્યો હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે, તે જ દુર્ઘટનાનું કારણ છે અને તેની જ લાપરવાહીએ એક કલાકારનો પ્રેમ અને પ્રકાશ છીનવાઈ ગયો છે.
ફિલ્મની નાયિકા કથ્થક નૃત્યંગના છે, એટલે ફિલ્મમાં નૃત્યનો ઉપયોગ માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ તેના તૂટેલા આત્મવિશ્વાસને ફરીથી જોડવા માટે કરવામાં આવ્યો છે. ગુલઝાર ધીરજપૂર્વક એ દર્શાવે છે કે સંબંધ ફક્ત મિલનથી નથી બનતા, ક્યારેક બે તૂટેલા લોકો એકબીજાની પાસે રહીને પણ દૂરીમાં બંધાયેલા હોય છે.
ગુલઝારે હેમાજીની નૃત્ય કળાનો ઉપયોગ કરીને એક એવી છોકરીની વાર્તા બતાવી હતી, જેની પાસે બધું હતું, એ બધું લૂંટાઈ ગયું અને પછી તેને ફરીથી નાચવાનું, હસવાનું અને જીવવાનું શીખવું પડ્યું. ધર્મેન્દ્ર સાથે ગુલઝારની આ એકમાત્ર ફિલ્મ છે. તેમનો અભિનય સૌમ્ય અને ઠહેરાવવાળો હતો. જે લોકો એવું માનતા હોય કે તે `કમીને મૈં તેરા ખૂન પી જાઉંગા'વાળા અંદાજથી આગળ જઈ શકતા નહોતા, તેમણે `કિનારા' જરૂર જોવી જોઈએ નથી, તેમને આવી ફિલ્મો જરૂર દેખવી જોઈએ.
તે દૌરમાં જીતેન્દ્ર સફેદ પેન્ટ-શર્ટ અને ઉછળકૂદવાળા ડાન્સમાં જમ્પિંગ જેક તરીકે પ્રસિદ્ધ હતા, પરંતુ ગુલઝારે (પરિચય અને ખુશ્બૂ પછી) `કિનારા'માં તેમને પૂરી રીતે બદલીને પેશ કર્યા હતા. ફિલ્મમાં જીતેન્દ્રની ખામોશી, આંખોમાં દેખાતો અપરાધબોધ અને એક દૃષ્ટિહીન નૃત્યાંગના તરીકે હેમા માલિનીનો સંઘર્ષ બેમિસાલ હતો. સમીક્ષકોનું માનવું છે કે ગુલઝારે આ બે કોમર્શિયલ સ્ટાર્સ પાસેથી જે સંયમિત અભિનય કરાવ્યો હતો તે તેમના નિર્દેશનની ક્ષમતાનો પુરાવો છે.
આર. ડી. બર્મન અને ગુલઝારની જોડીએ આ ફિલ્મમાં સંગીતનો એક કિરદાર તરીકે ઉપયોગ કર્યો હતો.
`નામ ગુમ જાયેગા' ગીત આજે પણ લતા મંગેશકર અને ભૂપિંદર સિંહના અવાજમાં એક ફિલોસોફીની જેમ ગુંજતું રહે છે. તે કહે છે શરીર નશ્વર છે, કલા અને અવાજ અમર છે.
`કિનારા' બૉક્સઑફિસ પર બ્લૉકબસ્ટર નહોતી, પરંતુ આ કલા કેન્દ્રિત સિનેમાનું તે એક ઉત્તમ ઉદાહરણ હતી. `કિનારા' પરંપરાગત પ્રેમકથા નથી, પરંતુ મનુષ્યના મન, તેની શરમ, તેનો સ્નેહ અને તેની ખામોશીની એક ઊંડી, ધીમી અને અત્યંત માનવીય તલાશ છે. આ ફિલ્મ શીખવે છે કે ક્યારેક કિનારે બેસીને તરંગોને જોવામાં જ જીવનનો સાર છુપાયેલો હોય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો