નવલકથાઓ, ફિલ્મો, ગીતો વગેરે અનેક ક્લાસિક કૃતિઓ વિશે લખ્યા બાદ એક વિચાર એવો આવ્યો કે આપણું શરીર પોતે પણ એક ક્લાસિક કૃતિ છે. એ એક ગજબની રચના છે. એના વિશે પણ ઘણી વાતો થઈ શકે. અલબત્ત, શરીર વિશેની જાણકારી એ માહિતીનો મામલો છે અને જમાનો હવે ઇન્ટરનેટનો, ખાસ તો એઆઈ-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે એટલે શરીર વિશે કોઈને કશુંક જાણવું હોય તો માહિતી નેટ પર તરત મળી શકે, પરંતુ શરીર વિશેની સ્તબ્ધ કરનારી ઘણી બધી વાતો એવી છે, જેને સારી રીતે શોધી-ગોઠવીને રજૂ કરવામાં આવે તો મોટાભાગના લોકોને રસ પડી શકે. તો ચાલો, શરીર વિશે થોડી વાતો કરીએ.   

શરૂઆત એક સવાલથી કરીએ.   

આપણી પાસે એવું શું હોય છે જે આપણે જન્મીએ ત્યારે સૌથી વધુ માત્રામાં હોય અને પછી એનું પ્રમાણ સતત ઘટતું જાય?   

ના, અહીં જીવન વિશેની ફિલોસોફિકલ વાત નથી થઈ રહી. બાળક જન્મે ત્યારે તેની સામે આખું જીવન પડ્યું હોય છે (ચાહે ટૂંકું કે લાંબું). જીવનની પહેલી પળે આપણી પાસે બચેલી જિંદગીનું પ્રમાણ સૌથી વધારે હોય છે. જન્મના દિવસથી જ જીવનમાં દિવસોની બાદબાકી શરૂ થઈ જાય. આ જુદી વાત થઈ. અહીં સવાલ એ છે કે આપણા શરીરની અંદરની એવી કોઈ `ચીજ' હોય છે ખરી, જેનું પ્રમાણ જન્મ વખતે મહત્તમ હોય અને પછી એની સંખ્યા ઘટતી જાય કે મહદંશે સ્થિર રહે?   

આવી એક નહીં, અનેક ચીજ હોય છે.

જેમ કે, અંડકોષો. અલબત્ત, અંડકોષો સ્ત્રીઓમાં જ હોય છે. પુરુષોમાં અંડકોષ નહીં, શુક્રકોષ હોય અને એ પણ છોકરો નાનો હોય ત્યારે એના શરીરમાં નથી હોતા. છોકરો પુખ્તાવસ્થામાં પ્રવેશે એ પછી જ એના શરીરમાં શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થાય, પણ સ્ત્રીઓની વાત ન્યારી છે. એના દેહમાં અંડકોષ બનવાની શરૂઆત બહુ વહેલી થઈ જાય છે. વહેલી એટલે બહુ જ વહેલી. જે લોકો જીવવિજ્ઞાન ભણ્યા છે અથવા જેમણે જાતે રસ લઈને અંડકોષોના ઉત્પાદન વિશે અગાઉથી જાણ્યું છે એમની વાત જુદી છે, બાકી તો મોટાભાગના લોકો એવું જ માનવા માટે પ્રેરાઈ શકે કે છોકરી રજસ્વલા થાય એ વખતે એના દેહમાં પહેલી વાર અંડકોષ બનતો હશે.   

ના, એવું નથી.   

દીકરી માતાના પેટમાંથી બહાર આવીને હજુ તો પહેલો શ્વાસ લે એ વખતે જ એ નવજાત શિશુની અંદર અંડકોષો હાજર હોય છે. એ હાજરાહજુર અંડકોષોમાંથી જ આગળ જતાં ભાવિ સંતાનો જન્મે છે. વિચાર કરો. જે છોકરી હજુ તો જન્મી જ છે, એની અંદર એ છોકરી થકી ભવિષ્યમાં જન્મનારાં સંતાનોની કાચી સામગ્રી તૈયાર હોય છે. એનો એક અર્થ એવો કાઢી શકાય કે કુદરતને જેટલો રસ નવી દીકરી જન્મે એમાં હોય છે એટલો જ રસ એ દીકરી થકી ભવિષ્યમાં સારાં-મજબૂત બાળકો જન્મે એમાં પણ હોય છે. કુદરતને વિશિષ્ટ માનવી રચવા જેટલો જ રસ માનવીની પ્રજાતિ ટકાવવામાં હોય છે.   

અલબત્ત, નવજાત દીકરીના શરીરમાં જે અંડકોષો હોય છે એ પુખ્ત નથી હોતા. એ પ્રાથમિક કક્ષાના હોય છે, પરંતુ મુદ્દો એ છે છોકરી જન્મે ત્યારે એની અંદર જેટલા અંડકોષો હોય છે એની સંખ્યા પછી વધતી નથી. એ સંખ્યા પછી ઘટતી જાય છે.   

હજુ વધારે નવાઈ લાગી શકે એવી વાત એ છે કે સ્ત્રીના સમગ્ર જીવન દરમિયાન (માના પેટમાં એનું ગર્ભાધાન થાય ત્યારથી માંડીને મૃત્યુ સુધીના સમયમાં) એની અંદરના અંડકોષની સંખ્યા એના જન્મ વખતે પણ સૌથી વધુ નથી હોતી. અંડકોષોની મહત્તમ સંખ્યા તો માના પેટમાં ભ્રૂણરૂપે રહેલી દીકરી હજુ તો જન્મી પણ ન હોય (કેટલાક ક્રૂર, ગણતરીબાજ, પુત્રલોભી લોકો દીકરીને જન્મવા પણ નથી દેતા, ગર્ભપાત કરાવી નાખે છે, પણ જો દીકરીની આવી રીતે વહેલી હત્યા ન કરવામાં આવે તો), પેટમાંનું એનું ભ્રૂણ જ્યારે વીસ જ અઠવાડિયાં-પાંચેક મહિનાનું હોય ત્યારે એની અંદર લગભગ 60 થી 70 લાખ જેટલા અંડકોષો હોય છે. આ ટોચ હોય છે. પછી શરૂ થાય સાફસૂફી, ઘટાડો. એ પણ મોટા પાયે. ગર્ભાવસ્થાના બાકીના ચાર મહિના દરમિયાન ભ્રૂણમાંના અંડકોષોની સંખ્યા 60-70 લાખથી ઘટીને જન્મ સમયે 10-20 લાખ પર પહોંચે. મામલો ક્વોલિટી કંટ્રોલનો હોય છે. આકરી પરીક્ષામાં પાસ થનારા અંડકોષ (એગ્ઝ-ઉસાઈટ્સ) જ બીજાશયમાં રહેવા દેવાના. બાકીના અંડકોષોનો બીજાશય પોતે જ નાશ કરી નાખે.   

અને છોકરી જન્મે ત્યાર પછી પણ અંડકોષોની બાદબાકીનું કામ ચાલતું રહે. છોકરી કિશોરાવસ્થામાં પહેલી વાર રજસ્વલા બને ત્યાં સુધીમાં એની અંદરના બીજાશયમાં અંડકોષોની સંખ્યા (જન્મ વખતે જે દસ-વીસ લાખ હતી તે) લગભગ ઘટીને ત્રણથી ચાર લાખ જેટલી થઈ જાય.   

કંઈક આવો જ મામલો મગજમાંના સૌથી મહત્ત્વના એવા ન્યૂરોન્સનો પણ ખરો. અંડકોષની માફક ન્યૂરોન પણ એક પ્રકારના કોષો જ છે, જે જન્મ વખતે જ પૂરતી સંખ્યામાં બની ચૂક્યા હોય છે. પછી એમાં વધારો નથી થતો. અંડકોષોની જેમ ન્યૂરોન્સ પણ એની સંખ્યાની ટોચને જન્મ પહેલાં જ આંબી લે છે. ભ્રૂણ પાંચેક મહિનાનું થાય ત્યારે એના મગજમાં અંદાજે દસ હજાર કરોડ ન્યૂરોન્સ હોય છે. 

પુખ્ત માનવીના મગજમાં આશરે સાડા આઠ હજાર કરોડ ન્યૂરોન્સ હોય, ભ્રૂણ કરતાં દોઢ હજાર કરોડ ઓછા.   

અંડકોષો તથા ન્યૂરોન્સની જેમ નેફ્રોન્સ (કિડનીના ફંક્શનલ સેલ્સ), કાનની અંદરના હેર સેલ્સ, આંખની રેટિનાના કોષો પણ નોન રિન્યુએબલ હોય છે એટલે કે તે પછી નવા નથી બનતા. જન્મ વખતે એ કોષોનો આપણી અંદર જેટલો જથ્થો હોય છે એનાથી પછી આખી જિંદગી આપણું ગાડું મોટાભાગે મસ્ત રીતે ચાલી જાય છે.   

છે ને ગજબની ચીજ, આપણું શરીર.   

એક સ્પષ્ટતા. આ તો વિજ્ઞાનનો મામલો છે. એમાં શોધખોળ સતત ચાલતી રહેતી હોવાથી અહીં જે લખ્યું છે એ અંતિમ તારણ છે કે કાયમી માહિતી છે એવું માનવું નહીં.  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો