જ્ઞાન, શક્તિ અને ધન કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય તો તે છે ગોપનીયતા. ગોપનીયતા એટલે ફક્ત કોઈ વાત છુપાવવી એવું નથી, પરંતુ એ એક સંયમ છે.

એક લીડર માટે આ સંયમ અતિ આવશ્યક છે, કારણ કે લીડરશિપ એટલે ફક્ત બીજા પર શાસન કરવું નહીં, પણ પોતાને અને પોતાના કાર્યને યોગ્ય રીતે સંચાલિત કરવું. મહાભારતના `શાંતિપર્વ'માં પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને જે જ્ઞાન આપ્યું, તેમાં ગોપનીયતાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આ સલાહ લીડરશિપમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે, તે સમજવું અત્યંત જરૂરી છે.

ભીષ્મ પિતામહ કહે છે કે, લીડરે ક્યારેય પોતાના મનની વાત કે પોતાના મનમાં ચાલતી યોજનાઓ કોઈને પણ કહેવી ન જોઈએ. ચંદ્રનો ક્ષય અને દરિયાની ભરતી-ઓટ જેવી દેખીતી બાબતો પર ધ્યાન રાખવું જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી છે પોતાના મનની અંદર ચાલતી ગતિવિધિઓને ગુપ્ત રાખવી. જ્યારે કોઈ લીડર પોતાના વિચારો કે યોજનાઓ ખુલ્લી પાડી દે છે, ત્યારે તેના વિરોધીઓને તેના પર હુમલો કરવાની તક મળી જાય છે. પિતામહ ભીષ્મ આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજાવે છે. તેઓ કહે છે કે જેમ વૃક્ષ પર ચઢતો માણસ જો પોતાની પીઠ ખુલ્લી રાખે તો કોઈ પણ તેને પાછળથી પ્રહાર કરી શકે છે, તેમ જે લીડર પોતાના મનની વાત છુપાવતો નથી, તે પણ સહેલાઈથી પ્રહારનો શિકાર બની શકે છે.

લીડરે ગુપ્તતા જાળવવા માટે પોતાની આસપાસના લોકો પર સતત નજર રાખવી જોઈએ. જેમ કોઈ રાજ્યના રાજાને તેના રાજકોષ, શત્રુઓની ગતિવિધિ અને પ્રજાના મન પર નજર રાખવી પડે છે, તેમ એક લીડરે પણ પોતાની ટીમ, પોતાના પ્રતિસ્પર્ધીઓ અને પોતાના કામના વાતાવરણ પર ધ્યાન આપવું જોઈએ. ગોપનીયતાનો અર્થ એ નથી કે કોઈનાથી દૂર રહેવું, પરંતુ એ છે કે કઈ વાત કોની સાથે અને ક્યારે કરવી તે જાણવું. ભીષ્મ કહે છે કે, જે લીડર આ ભેદરેખા સમજી શકે છે, તે ક્યારેય ગાફેલ રહેતો નથી અને તેની યોજનાઓ સફળતાપૂર્વક પાર પડે છે.

લીડરને પોતાની ખાનગી બાબતો ગુપ્ત રાખતા આવડવું જોઈએ. ઘણી વાર લીડર એવી વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ લે છે, જેઓ ખરેખર તેના હિતેચ્છુ હોતા નથી. પિતામહ ભીષ્મ કહે છે કે, રાજાએ ક્યારેય કોઈને પણ પોતાનાં રહસ્યો જણાવીને પોતાની જાતને નબળી પાડવી ન જોઈએ. જે રીતે વરસાદનું પાણી કોઈ કડક જમીન પર પડે તો તેનો કોઈ ઉપયોગ થતો નથી, પણ જો તે જ પાણી જમીનમાં ઊતરી જાય તો તે ફળદ્રુપતા લાવે છે. તે જ રીતે રહસ્યને પણ યોગ્ય જગ્યાએ છુપાવવું જોઈએ, જેથી તેનો ઉપયોગ યોગ્ય સમયે કરી શકાય. લીડર માટે આ વાત ખાસ કરીને લાગુ પડે છે. જ્યારે લીડરને પોતાની કોઈ યોજના પાર પાડવાની હોય, ત્યારે તેને પોતાની ટીમ પર પણ સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, પરંતુ એ વિશ્વાસની પણ એક સીમા હોવી જોઈએ. બધી જ વાત ખુલ્લી કરી દેવી એ બેદરકારીનું લક્ષણ છે.

પિતામહ ભીષ્મ એ પણ સલાહ આપે છે કે લીડરે ક્યારેય પોતાનાં કાર્યોની સફળતાનો ઢોલ પીટવો ન જોઈએ. સફળતા પ્રાપ્ત થયા પછી પણ શાંત રહેવું એ લીડરશિપની સાચી નિશાની છે. ભીષ્મ કહે છે કે, જે વ્યક્તિ પોતાને મહાન માનીને તેનાં વખાણ કરે છે, તે અહંકારમાં રાચે છે અને જે અહંકારમાં રાચે, તેનું પતન નિશ્ચિત છે. ગાફેલ માણસ જ્યારે પટકાય છે, ત્યારે જ તેને ખબર પડે છે કે તેણે કેટલી બધી બાબતો નજરઅંદાજ કરી દીધી હતી. ગોપનીયતા એ આત્મસંયમ અને વિનમ્રતાનું એક સ્વરૂપ છે. જો લીડર પોતાને શાંત અને વિનમ્ર રાખે, તો તે પોતાના વિરોધીઓને પોતાના વિશે કોઈ જાણકારી આપતો નથી અને તેનાથી તેની શક્તિ જળવાઈ રહે છે.

આધુનિક સમયમાં, જ્યાં સોશિયલ મીડિયા અને માહિતીનો પ્રવાહ સતત ચાલુ રહે છે, ત્યાં ગોપનીયતાનું પાલન કરવું વધુ પડકારજનક બન્યું છે. ભીષ્મની આ સલાહ અહીં વધુ પ્રસ્તુત લાગે છે. લીડરે પોતાની અંગત જીવનની વાતો, પોતાના પરિવારની સમસ્યાઓ અને પોતાના કામની ખાનગી બાબતોને જાહેરમાં મૂકવી ન જોઈએ, કારણ કે આ બધી બાબતોનો ઉપયોગ શત્રુઓ દ્વારા કરવામાં આવી શકે છે. ગોપનીયતા એ એક ઢાલ છે, જે લીડરને અને તેના કાર્યને સુરક્ષા આપે છે.

પિતામહ ભીષ્મની આ સલાહ ફક્ત લીડરશિપમાં જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. જેમ શરીરના બદલાવો પર ધ્યાન રાખવું જરૂરી છે, તેમ પોતાના મનના વિચારો અને ભાવનાઓ પર પણ ધ્યાન રાખવું જરૂરી છે.

પોતાની જાતને ઑબ્ઝર્વ કરતા રહેવું અને પોતાની મર્યાદાઓ સમજવી એ પણ ગોપનીયતાનો એક ભાગ છે. જે લીડર આત્મનિરીક્ષણ કરતો નથી, તે પોતાની ભૂલોને ક્યારેય જોઈ શકતો નથી અને અંતે તે પોતાના પતનને આમંત્રણ આપે છે. ગોપનીયતા એ માત્ર શક્તિ કે કૌશલ્યનો વિષય નથી, પરંતુ તે એક નિસ્બત છે, જે લીડરને તેના કામ અને તેની જવાબદારીઓ પ્રત્યે વધુ સજાગ બનાવે છે.

ભીષ્મની સલાહનો સારાંશ એ છે કે, ગોપનીયતા એ એક લીડર માટે ફક્ત એક ગુણ નથી, પરંતુ તે તેનું હથિયાર છે. જે લીડર આ હથિયારનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે, તે ક્યારેય સંકટમાં આવતો નથી, કારણ કે તે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતો નથી, પણ તે પહેલાં જ બધી તૈયારીઓ કરી રાખે છે. ગોપનીયતાનું મહત્ત્વ સમજીને લીડર પોતાના વિચારો, યોજનાઓ અને પોતાની નબળાઈઓને ગુપ્ત રાખીને પોતાની શક્તિ જાળવી શકે છે અને સફળતાના શિખરે પહોંચી શકે છે.