આજથી ચાર-પાંચ હજાર વર્ષ પહેલાં દુનિયાના દરેક ખૂણામાં લગભગ એક જ સમયગાળામાં પિરામિડ બનાવવામાં આવ્યા હતા.
એમાં કુકુલકાન પિરામિડનો પણ સમાવેશ થાય છે. કુકુલકાન પિરામિડ માયા સંસ્કૃતિની અદ્ભુત અજાયબી છે. માયા સંસ્કૃતિની જ નહીં, પરંતુ વિશ્વનાં ઐતિહાસિક સ્થળોમાં કુકુલકાન પિરામિડનો સમાવેશ થાય છે. આ પિરામિડને એલ કાસ્ટિલો તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મેક્સિકોના ચિચેન ઇટ્ઝા નામના પ્રાચીન નગરમાં આવેલ છે. આ પિરામિડ માત્ર એક ભવ્ય ઈમારત જ નહીં, પરંતુ માયા લોકોની ખગોળશાસ્ત્ર, ગણિત અને સ્થાપત્ય કુશળતાનું જીવંત પ્રતીક છે.
કુકલકાન પિરામિડનો ઈતિહાસ
કુકુલકાન પિરામિડનું નિર્માણ માયા સંસ્કૃતિ જ્યારે ટોચ પર હતી એ સમયમાં થયું હતું. એટલે કે નવમીથી બારમી સદી દરમિયાન તેની રચના કરવામાં આવી હોવાનું મનાય છે. કુકુલકાન માયા લોકોના સર્પ દેવતા હતા, જેમને ખૂબ માન આપવામાં આવતું. આ પિરામિડ તેમની જ યાદમાં બનાવાયો હતો. ચિચેન ઇટ્ઝા તે સમયગાળામાં એક મહત્ત્વપૂર્ણ રાજકીય, ધાર્મિક અને વેપારી કેન્દ્ર હતું અને આ પિરામિડ તેનું હૃદય ગણાતું.
પિરામિડની સ્થાપના
કુકુલકાન પિરામિડની રચના અદ્ભુત છે. તે લગભગ 30 મીટર ઊંચો છે અને તેની ઉપર એક નાનું મંદિર આવેલું છે. તેની ચારેય બાજુ 91 સીડીઓ છે. જો ચારેય બાજુની સીડીઓની ગણતરી એકસાથે કરીએ તો કુલ 364 સીડીઓ બને છે. ઉપરનું મંદિર ઉમેરીએ તો આ આંકડો 365 થાય છે, જે વર્ષના દિવસોની સંખ્યા દર્શાવે છે.
આ રચના દર્શાવે છે કે માયા લોકોનું કેલેન્ડર જ્ઞાન અને ખગોળવિજ્ઞાન ખૂબ પ્રગતિશીલ હતું. દરેક સીડીઓ એક દિવસનું પ્રતીક છે અને પિરામિડનું આખું બંધારણ સમયગણતરીનું પ્રતીક હોવાનું મનાય છે. 2007માં તેને વિશ્વની અજાયબીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઇક્વિનોક્સ ઘટના માટે પ્રસિદ્ધ
કુકુલકાન પિરામિડ તેની ઇક્વિનોક્સ ઘટના માટે વિશ્વપ્રસિદ્ધ છે. ઇક્વિનોક્સ એટલે સૂર્ય અને પડછાયાની અજાયબી. દર વર્ષે માર્ચ અને સપ્ટેમ્બરના ઇક્વિનોક્સ દરમિયાન સાંજના સમયે પિરામિડની એક બાજુ સૂર્યકિરણોની છાયા સીડીઓ પર પડે છે. આ છાયા ધીમે ધીમે એવો આકાર આપે છે કે જાણે એક વિશાળ સર્પ (કુકુલકાન દેવતા) સીડીઓ પરથી નીચે ઊતરી રહ્યો હોય. આ દૃશ્ય જોવા હજારો પ્રવાસીઓ દર વર્ષે ચિચેન ઇટ્ઝા આવે છે. માયા લોકો માટે આ ઘટના ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી.
વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ
કુકુલકાન પિરામિડ માયા સંસ્કૃતિના વૈજ્ઞાનિક જ્ઞાનને પ્રતિબિંબિત કરે છે. પિરામિડની દિશાઓ સંપૂર્ણપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફ સંરેખિત છે, જે દર્શાવે છે કે માયા લોકોએ ખગોળશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તે ઉપરાંત આ પિરામિડ ધાર્મિક વિધિઓનું પણ કેન્દ્ર હતું. મંદિરમાં દેવતાઓને અર્પણ કરવામાં આવતું અને લોકો અહીં ભેગા થઈને ધાર્મિક ઉત્સવો ઊજવતા હતા. પિરામિડ માત્ર પથ્થરનો ઢગલો નથી, પરંતુ તે પ્રાચીન લોકોની આસ્થા અને વિજ્ઞાનના સંગમનું પ્રતીક છે.
પુરાતત્ત્વીય અભ્યાસ
આ પિરામિડ વિશે અનેક પુરાતત્ત્વવિદોએ અભ્યાસ કર્યો છે. સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે પિરામિડની અંદર બીજી નાની રચનાઓ છુપાયેલી છે. એટલે કે માયા લોકોએ નવી રચના જૂની પર બાંધી.
આમાંથી સમજાય છે કે માયા સંસ્કૃતિમાં પિરામિડનું સ્થાન કેટલું મહત્ત્વપૂર્ણ હતું!
આજે કુકુલકાન પિરામિડ સમગ્ર વિશ્વમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો લોકો ચિચેન ઇટ્ઝાની મુલાકાત લે છે. ખાસ કરીને ઇક્વિનોક્સના દિવસો દરમિયાન અહીં ભવ્ય મેળો ભરાય છે. લોકો આ અદ્ભુત છાયા-સર્પ દૃશ્ય જોવા ભેગા થાય છે. આ પિરામિડને જાળવી રાખવા માટે મેક્સિકોની સરકાર અને યુનેસ્કો બંને સતત પ્રયત્નશીલ છે. આજે અહીં ચડવાની મંજૂરી નથી, પરંતુ પ્રવાસીઓ બહારથી તેની અદ્ભુત રચનાનો આનંદ માણી શકે છે.
માયા સંસ્કૃતિની કુશળતા
કુકુલકાન પિરામિડ એટલે માયા સંસ્કૃતિની મહાનતા અને માનવ કુશળતાનું જીવંત પ્રતીક. તેની રચના દર્શાવે છે કે હજારો વર્ષ પહેલાં પણ માનવો ખગોળશાસ્ત્ર, ગણિત અને સ્થાપત્યમાં કેટલા આગળ હતા. સૂર્યની છાયા દ્વારા સર્જાતું સર્પનું અદ્ભુત દૃશ્ય એ સાબિત કરે છે કે આ સંસ્કૃતિ કુદરત અને વિજ્ઞાન સાથે કેટલી સુમેળમાં હતી! આજના સમયમાં કુકુલકાન પિરામિડ માત્ર મેક્સિકો માટે ગૌરવ નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે પ્રેરણાનો સ્રોત છે.