કુમટા કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલું એક પ્રાચીન નગર છે. આમ તો આ જગ્યા બીચ પ્લેસ છે, પણ આ પ્રદેશનો ઇતિહાસ અનેક સદીઓ જૂનો છે.

અહીંનાં પ્રાચીન મંદિરો, જેમ કે જડકલ સિદ્ધેશ્વર મંદિર અને કિલ્લાઓ ઈતિહાસની સાક્ષી પૂરે છે. આ વિસ્તારમાં ઐતિહાસિક રીતે ઘણા શાસકોનું શાસન રહ્યું છે, જેમાં કદંબ, વિજયનગર સામ્રાજ્ય અને પછીથી બ્રિટિશ શાસનનો સમાવેશ થાય છે. કુમટા તેની કુદરતી સુંદરતા, દરિયાકિનારા અને પશ્ચિમ ઘાટનાં લીલાંછમ જંગલો માટે પણ જાણીતું છે.

કુમટામાં ફરવાલાયક સ્થળો

કુંદલે બીચ

 કુમટા શહેરથી થોડે દૂર આવેલો આ એક શાંત અને સુંદર બીચ છે. અહીં સફેદ રેતી અને સ્વચ્છ પાણી પ્રવાસીઓને આકર્ષે છે.

અલવેકોડી બીચ

આ બીચ એના સ્વચ્છ પાણી અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે.

નિર્વાણા બીચ

આ બીચ કુમટા ગામથી 7થી 8 કિલોમીટર જ દૂર છે. વળી, આ બીચ શાંત છે. અહીં હવા બહુ વધારે નથી હોતી એટલે બાળકોને ફરવા અને બીચ ઉપર રમવા દેવા માટે આ જગ્યા બેસ્ટ છે. આ સિવાય અઘાનાશિની રિવર પણ છે જ્યાં જવાની પણ ખૂબ જ મજા આવશે.

ગોકર્ણ

 કુમટાની નજીક આવેલું ગોકર્ણ એક ધાર્મિક અને પર્યટન સ્થળ છે. અહીંના ઓમ બીચ, કુડલે બીચ અને મહાબળેશ્વર મંદિર ખૂબ

પ્રખ્યાત છે.

 યાન

 કુમટાથી લગભગ 50 કિલોમીટર દૂર યાન નામનું એક અનોખું સ્થળ છે. અહીં કાળા પથ્થરોથી બનેલા શંકુ આકારના પહાડો અને ગુફાઓ છે.

 મીરજાન ફોર્ટ

 આ ઐતિહાસિક કિલ્લો કુમટાથી લગભગ 11 કિલોમીટર દૂર છે. કિલ્લાનું નિર્માણ 16મી સદીમાં રાણી ચેન્નભૈરદેવી દ્વારા કરવામાં આવ્યું હતું અને તે એક ઉત્તમ સ્થાપત્યનું ઉદાહરણ છે.

 કદરા ડેમ

 કુમટાથી થોડે દૂર આવેલો આ ડેમ કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ માટે જાણીતો છે.

નજીકનાં સ્થળો અને તેમની ખાદ્ય વિશેષતાઓ

કુમટા અને તેની આસપાસના વિસ્તારોમાં કોંકણી અને કર્ણાટકી ભોજનનો પ્રભાવ જોવા મળે છે. દરિયાકિનારા નજીક હોવાથી અહીં તાજા સીફૂડની વાનગીઓનો આનંદ માણી શકાય છે. એ સિવાય નીર ઢોંસા પણ વખણાય છે. આ એક પાતળો, નરમ અને ચોખાના લોટમાંથી બનેલો ઢોંસો છે, જે અહીંની લોકપ્રિય વાનગી છે.

 ઉડુપી ભોજન

 નજીકના ઉડુપી શહેરમાં ઉડુપી ભોજન પ્રખ્યાત છે, જેમાં ઢોંસા, ઇડલી, વડાં અને વિવિધ પ્રકારના સાંભાર અને ચટણીનો સમાવેશ થાય છે.

 કોડબળે

 દક્ષિણ ભારતમાં પ્રચલિત એક પ્રકારનો ખારો નાસ્તો.

કુમટાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

કુમટાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે. આ સમયગાળા દરમિયાન હવામાન સુખદ અને ઠંડું હોય છે, જે પ્રવાસન અને ફરવા માટે યોગ્ય છે. ચોમાસા દરમિયાન (જૂનથી સપ્ટેમ્બર) અહીં ભારે વરસાદ પડે છે, જેના કારણે પ્રવાસ મુશ્કેલ બની શકે છે. જોકે, આ સમયે લીલીછમ વનરાજીનું સૌંદર્ય ચરમસીમાએ હોય છે.