જો તમે ભારતમાં બિઝનેસ કરી રહ્યા હોવ, તમારો બિઝનેસ સારો ચાલતો હોય અને તમે અમેરિકામાં પણ બિઝનેસ કરવા ઈચ્છતા હો તો તમે આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવ અને ખાસ જાણકારીવાળી વ્યક્તિ માટે જે વિઝા ઘડવામાં આવ્યા છે એ `એલ-1' વિઝા મેળવીને અમેરિકામાં બિઝનેસ કરવા જઈ શકો છો.
`એલ-1' વિઝા મેળવવા માટે જે પ્રક્રિયા કરવાની હોય છે એ ખૂબ જ જટિલ છે. એમાં સૌથી મુશ્કેલ તો `એલ-1' વિઝાની અરજી કરતાં તમારે જે `બિઝનેસ પ્લાન' રજૂ કરવાનો હોય છે તે છે. આ બિઝનેસ પ્લાનમાં શું શું હોવું જોઈએ? એની ઘણાને જાણકારી જ નથી હોતી. તેઓ એમના બિઝનેસ માટે ખાસ જરૂરી એવી જે ચીજો જોઈતી હોય એ જણાવતા નથી અને એમનું `એલ-1' વિઝાની પિટિશન રિજેક્ટ થાય છે.
`એલ-1' વિઝાની પિટિશનમાં સૌથી પહેલાં તો તમારે એક્ઝિક્યુટિવ સમરી લખવી જોઈએ. આ એક્ઝિક્યુટિવ સમરીમાં તમારે તમે શું બિઝનેસ કરવાના છો? તમારો બિઝનેસ કરવાનો ઉદ્દેશ શું છે? તમારો બિઝનેસ એવો છે જેને લીધે તમે અમેરિકામાં બિઝનેસ કરવાનો વિચાર કરો છો? ઈચ્છા ધરાવો છો? એ પ્રોફિટેબલ છે? તમારું ફાઈનાન્શિયલ પ્રોજેક્શન આ એક્ઝિક્યુટિવ સમરીમાં જણાવવાનું હોય છે. તમારી જે કંપની હોય એનું વિગતવાર વર્ણન કરવું જોઈએ. તમે કંપની ક્યારે સ્થાપી? ક્યાં સ્થાપી? કેવી રીતે સ્થાપી? કેટલું ઈન્વેસ્ટમેન્ટ કરેલું હતું? કેવી રીતે એનો વિકાસ થયો? આ બધી તમારે તમારી ભારતીય કંપનીની હિસ્ટ્રી આપવાની હોય છે.
પછી યુએસમાં તમે જ્યાં બિઝનેસ કરવા માંગતા હોવ એ જગ્યાનું લોકેશન અને એ જગ્યામાં શા માટે બિઝનેસ કરવા ઈચ્છો છો? એ જણાવવું જોઈએ. તમે જે બિઝનેસ કરવાના હો એ બિઝનેસનું માર્કેટ એનાલિસિસ કરાવવું જોઈએ. ઈન્ડસ્ટ્રીનું ઓવર વ્યૂ વિહંગાવલોકન કરવું જોઈએ. એનો ટ્રેન્ડ શું છે? એ કેટલો વિકાસ પામી શકે એમ છે? તમારા બિઝનેસમાં કેટલું પોટેન્શિયલ છે? કોમ્પિટિટરો કોણ કોણ છે? તમારો માર્કેટનો ટાર્ગેટ શું છે? આ બધું તમારે માર્કેટ એનાલિસિસમાં જણાવવું પડે છે.
પછી ઓર્ગેનાઈઝેશન મેનેજમેન્ટ વિશે તમારે જણાવવું પડે છે. તમારી મેનેજમેન્ટ ટીમ કઈ છે? કેવી છે? એમાં કોણ કોણ કામ કરશે? એ લોકોને શું અનુભવ છે? શું ડિગ્રી છે? આ સઘળું જણાવવાનું રહે છે. દરેક કાર્યકારનો શું ભાગ હોય બિઝનેસમાં, એ શું કરશે? એ જણાવવાનું રહે છે અને એક ઓર્ગેનાઈઝેશનલ ચાર્ટ બનાવી આપવાનો રહે છે. પછી સર્વિસ અને પ્રોડક્ટ એ વિશે તમારે જણાવવાનું રહે છે કે તમે કેવી રીતે સર્વિસ આપશો? તમારા કસ્ટમરોને, તમારી પ્રોડક્ટ શું છે? આના વિશે તમારે જાણકારી આપવાની હોય છે. પછી તમે તમારા બિઝનેસનું માર્કેટિંગ કેવી રીતે કરશો? સેલ કેવી રીતે કરશો? એની સ્ટ્રેટેજી તમારે જણાવવાની રહે છે. કેટલું એમાં ફંડ ઈન્વેસ્ટ કરશો? એ ક્યાંથી લાવશો? એ જણાવવાનું રહે છે.
ફાઈનાન્શિયલ પ્રોજેક્શન અને બિઝનેસની એક સમરી આપવી પડે છે. તમારો પોતાને જે ભારતનો બિઝનેસ હોય એના વિશે પણ પૂરતી જાણકારી આપવાની રહે છે. તમારી કંપનીનું ડિસ્ક્રિપ્શન આપવાનું રહે છે.
આમ, આ `એલ-1' વિઝાની પિટિશન દાખલ કરતાં એની જોડે જે બિઝનેસ પ્લાન તમારે રજૂ કરવાનો રહે છે એમાં આ સઘળી વિગતો આપવી જોઈએ. સલાહ ભરેલું એ છે કે આ બિઝનેસ પ્લાન બનાવવા માટે જે એક્સપર્ટ કંપનીઓ છે જેને તમારે તમારી કંપનીની અમેરિકામાં તમે જે કંપની ખોલવા ઈચ્છો છો, જ્યાં બિઝનેસ કરવા ઈચ્છો છો, જ્યાં `એલ-1' વિઝા ઉપર તમારા મેનેજરો, એક્ઝિક્યુટિવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિઓને કામ કરવા મોકલવા ઈચ્છો છો એની સઘળી જાણકારી આપીને એમની આગળ બિઝનેસ પ્લાન તૈયાર કરાવવો જોઈએ.
`એલ-1' વિઝા ભારતીય કંપની એ સોલ પ્રોપાઈટરી હોય, પાર્ટનરશિપ હોય, પ્રાઈવેટ કે પબ્લિક લિમિટેડ કંપની હોય, ટ્રસ્ટ હોય, કો-ઓપરેટિવ સોસાયટી હોય, ચેરિટેબલ ઈન્સ્ટિટ્યૂશન હોય, પણ ભારતમાં બિઝનેસ કરતી હોય અને એ બિઝનેસ સારો હોય તો તેઓ અમેરિકામાં કંપની ખોલીને `એલ-1' વિઝા મેળવી શકે છે. `એલ-1' વિઝા ભારતીય કંપનીમાં જે વ્યક્તિએ છેલ્લાં ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું એક વર્ષ ફુલ ટાઈમ મેનેજર તરીકે કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કે પછી એક્ઝિક્યૂટિવ તરીકે કામ કરતી હોય એને મળી શકે છે.
મેનેજરો અને એક્ઝિક્યુટિવને `એલ-1' વિઝા સાત વર્ષની મુદ્દતના આપવામાં આવે છે. શરૂઆતમાં એક વર્ષ અને પછી બબ્બે વર્ષના ત્રણ એક્સટેન્શન આપવામાં આવે છે. ખાસ જાણકારીવાળી વ્યક્તિઓને પાંચ વર્ષના `એલ-1' વિઝા આપવામાં આવે છે. `એલ-1' વિઝાધારકો એમની સાથે એમની પત્ની યા પતિ અને 21 વર્ષની નીચેની વયનાં અવિવાહિત સંતાનોને પણ એમના ડિપેન્ડન્ડ તરીકે અમેરિકામાં બોલાવી શકે છે. એમને `એલ-2' વિઝા આપવામાં આવે છે.
એવું જાણવામાં આવ્યું છે કે છેલ્લા થોડા વર્ષોમાં ભારતની અનેક કંપનીઓએ અને એમાં પણ ખાસ આકરી ને ડાયમંડ કંપની એટલે કે હીરાના બિઝનેસમાં કામ કારતી કંપનીઓએ `એલ-1' વિઝાનો પુષ્કળ લાભ લીધો છે અને અમેરિકામાં એમની કંપનીઓ ખોલીને વ્યાપાર શરૂ કર્યો છે.
જો તમારે અમેરિકામાં બિઝનેસ કરવો હોય તો `એલ-1' વિઝા એ ખૂબ જ ઉત્તમ માર્ગ છે. `એલ-1' વિઝા ઉપર તમે હોવ તો પછી તમારી જે અમેરિકન કંપની હોય એ તમારા લાભ માટે એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડની પિટિશન પણ દાખલ કરી શકે છે. આમ, `એલ-1' વિઝા વેપારીઓ માટે, જે લોકો અમેરિકામાં બિઝનેસ કરવા ઈચ્છતા હોય એમના માટે ખૂબ જ ઉપયોગી છે.