બેજનરેશન વચ્ચેનો ગેપ એ સદીઓ પુરાણી સમસ્યા છે, પરંતુ લાગણી, ડર, આમન્યા કે સામાજિક કારણોસર પહેલાં લડતાં-ઝઘડતાં પણ મોટાભાગના પરિવારોમાં ઘીના ઠામમાં ઘી પડ્યું રહેતું. વાસણ ખખડતાં અને ફરી એની જગ્યાએ ગોઠવાઇ જતાં, પરંતુ આ જનરેશન ગેપ હવે ઇમોશનલ ગેપ અને રિસ્પેક્ટની ગેપ પણ ઊભી કરી રહી છે અને એમાં મોટાભાગે નવી પેઢી જૂની પેઢીને હર્ટ કરે છે.
નવી પેઢીનો એક ખૂબ ઘસાયેલો ડાયલોગ છે કે તમને કંઇ ખબર નથી પડતી. સગાંવહાલાં અને પરિવારજનોને ખરાબ વ્યક્તિના રૂપમાં જોવી ખૂબ સહેલી છે. મારાં પેરેન્ટ્સ જિદ્દી છે, ક્રોધી છે, ભણેલાં નથી. મોડર્ન જમાના સાથે તાલ મિલાવતાં એમને નથી આવડતું. તેઓ ખૂબ દેશી અને જુનવાણી છે વગેરે વગેરે. મિત્રો કે ઓફિસના લોકો સાથે મેળવવામાં એમને શરમ આવે છે.
આવા લોકોને પૂછવું કે જે પેરેન્ટ્સને તમે ખરાબ કે ખોટા કે આવડત વગરનાં ચીતરો છો, એમનો ફાળો તમારા જીવનમાંથી કાઢી નાંખવામાં આવે તો તમારી પાસે શું રહે? આ ઓછું ભણેલાં પેરેન્ટ્સ પોતાનાં સંતાનોને પોતાનાથી ઊંચી સ્થિતિ પર પહોંચાડવા માટે રાત-દિવસ એક કરે છે. સંતાનોને શહેરનું ભણતર અને સગવડો આપનારાં એ લોકો બુદ્ધિશાળી કે તમે? અહીં એ વાત યાદ રાખવી જરૂરી છે કે આપણે ત્યાં આજેય 80 ટકાથી વધુ સંતાનો પેરેન્ટ્સના બળે અને પૈસે જ ભણે છે. સ્કોલરશિપ મેળવીને કે જાતે કમાઇને ભણનારો વર્ગ ખૂબ જ ઓછો છે. પોતાના ભણવાનો ખર્ચ કાઢનારાં સંતાનો કેટલાં? આપણે ત્યાં તો સંતાનોનાં લગ્ન પણ પેરેન્ટ્સની કમાણીમાંથી થાય છે. પોતાના ઘર માટે પેરેન્ટ્સનાં પૈસા લેતાં તેઓ શરમાતાં નથી અને પેરેન્ટ્સની મિલકત પર એમના જીવતેજીવ કબજો મેળવવા તલપાપડ હોય છે. તેઓને પેરેન્ટ્સના જીવનને અને સ્વભાવને વખોડવાનો અધિકાર કેટલો?
બીજું, નવી પેઢી કરે એ બધું બરાબર અને જૂની પેઢી કરે એ ખરાબ એ વાત ખોટી છે અને ત્રીજી વસ્તુ, જે પેરેન્ટ્સે તમને ભણાવ્યાં-ગણાવ્યાં એમને તમે સમય સાથે ચાલવાનું શીખવવા કે દુનિયાથી અપડેટ રાખવા માટે કેટલો સમય આપો છો? તમે જે સાયન્સ ટેક્નોલોજી કે નવા એટિકેટથી પરિચિત થાઓ છો, એમાનું કેટલું એમને શીખવો છો? તમને દુનિયાદારી શીખવવા માટે એ લોકોએ જેટલી મહેનત કરી એનાથી 10 ટકા મહેનત તમે એમને આધુનિક લાઇફસ્ટાઇલથી અપડેટ રાખવા કરો છો? મોબાઇલની કોઇ એપ્લિકેશનમાં સમજણ ન પડે તો તમે એટલી ધીરજથી એમને શીખવી શકો છો કે જેટલી ધીરજથી તમને તેઓએ કક્કો-બારાખડી કે એ.બી.સી.ડી શીખવ્યાં હતાં? પેરેન્ટ્સ બાળકનાં મૂળ છે. એ જેવાં પણ હોય એની સાથે જોડાવાથી, એનું જતન કરવાથી જ બાળકો ખરા અર્થમાં નીખરી શકે છે. એ મૂળને હચમચાવવાથી તમારું અસ્તિત્વ દૃશ્ય નહીં તો અદૃશ્ય રીતે હચમચી ઊઠશે. જે ઉંમરે ફ્લેક્સિબલ બની શકાય, સંઘર્ષ કરી શકાય અથવા તો જતું કરીને શાંતિ રાખી શકાય, એ ઉંમરે બાળકો ખુદને બદલવા, પોતાની ઇચ્છાઓને છોડવા તૈયાર નથી. તો પછી જિંદગીનાં પચાસ-સાઠ વર્ષ એક જ માન્યતા સાથે જીવેલા લોકો ખુદને સંતાનો ઇચ્છે એટલી ઝડપથી કઇ રીતે બદલી શકે? ઘણી વખત મૌન રહેવાથી, આર્ગ્યુમેન્ટ ટાળવાથી કે આક્ષેપબાજી છોડવાથી સ્થિતિ થાળે પડી શકે, પણ તમારામાં કંઇ અક્કલ નથી કે તમને અમારી ખુશીની કંઇ પડી નથી, તમે આખી જિંદગી અમારા માટે શું કર્યું? એવા સવાલો કરીને એમની જિંદગીનું સરવૈયું માંગવાનો સંતાનોને કોઇ હક નથી. બાળકને જન્મ આપવો એ માત્ર કોઇ બાયોલોજિકલ પ્રક્રિયા નથી. એની સાથે અસંખ્ય સંવેદનાઓ અને સપનાંઓ જોડાયેલાં છે. એને કચડવાનું પાપ કરવા જેવું નથી.
બીજું, તમે જોયું હશે કે એકદમ હેલ્ધી પેરેન્ટ્સ અચાનક કોઇ ને કોઇ બીમારીથી પીડાવા માંડે છે એની પાછળ શારીરિક કરતાં માનસિક કારણો વધારે જવાબદાર હોય છે. તેઓ જ્યારે હર્ટ થાય છે ત્યારે એમને અચાનક કોઇ ને કોઇ દુખાવો થાય છે. થોડું નિરીક્ષણ કરશો તો આ વાત તમને સમજાશે. લાઇફમાં કૃતજ્ઞતા એ બહુ મોટો ગુણ છે અને સૌથી વધારે કૃતજ્ઞતા પેરેન્ટ્સ માટે હોઈ શકે. પેરેન્ટ્સને યુવાનીના જોરમાં હડધૂત કરનારાં સંતાનોએ આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો