થોડા જ દિવસોમાં `ઢીંક ટિક્કડ ઢીંક ટિક્કડ'ની મોસમ શરૂ થવા જઈ રહી છે અને રોજ રાત્રે બધા `ઢીંકા ચિકા ઢીંકા ચિકા' કરવાના છે. ન સમજાયું? અલ્યા ભૈ, થોડા દિવસ પછી નવરાત્રિ શરૂ થવાની છે.
લોકો રોજ રાત્રે રાસ રમવાના છે, ગરબે ઘૂમવાના છે, મસ્તીથી ઝૂમવાના છે. નવરાત્રિ ગુજરાતની આગવી ઓળખસમું પર્વ છે. ગુજરાતની અને ગુજરાતીઓની નવરાત્રિ જગ વિખ્યાત છે. એવું પણ કહી શકાય કે, `જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ઊજવાય નવરાત્રિ.' આમ તો આખા ભારતમાં બધી જગ્યાએ નવરાત્રિ ઊજવાય છે, પણ જેમ `મૂછે હો તો નથ્થુલાલ જૈસી' એમ `નવરાત્રિ હોય તો ગુજરાત જૈસી!' આપણી ગુજરાતીઓની નવરાત્રિ તો એકદમ જોરદાર, ધમાકેદાર, મસ્ત અને મજેદાર હોય છે. આ દુનિયાનો સૌથી લાંબામાં લાંબો `ડાન્સ ફેસ્ટિવલ' છે, પણ મોજ-મજા ને મસ્તીમાં તો આના જેવું બીજું એકેય પર્વ નથી. હોળી-ધુળેટી, ઉત્તરાયણ, દિવાળી એ બધામાં મજા પડે છે એ વાત સાચી, પણ નવરાત્રિ એટલે નવરાત્રિ.
ખરેખર યાર, આ નવરાત્રિનો ક્રેઝ તો જબરજસ્ત છે! મોટા ભાગના નવરાત્રિના આવારા-પાગલ-દીવાના તો આ નવરાત્રિ પતે કે તરત આવતી નવરાત્રિ ક્યારે છે એ કેલેન્ડરમાં જોઇ લેતા હોય છે. પછી જેમ ચાતક વરસાદની રાહ જુએ તેમ આ `નોરતાં આશિકો' નવરાત્રિની રાહ જોતા હોય છે. જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય છે તેમ તેમ એમના ઉમંગ-ઉત્સાહ-થનગનાટમાં દિન દુગુની રાત ચૌગુની વૃદ્ધિ થવા માંડે છે. લગ્ન પહેલાં જેમ કપડાં-ઘરેણાંની ખરીદી થતી હોય છે તેમ નવરાત્રિ પહેલાંથી કેડિયાં-ચોયણાં, ઘાઘરા-ચોલી, પાઘડી-ઓઢણીની ખરીદીઓ થતી હોય છે. અરે બોસ! નવરાત્રિ સ્પેશિયલ સેલ પણ ચાલુ થતા હોય છે. બધા આભલાં-ભરતકામ-ફૂમતાંવાળા `ઝક્કાસ' મોંઘાદાટ ડ્રેસ ખરીદી આવે છે, પણ એમની તૈયારીઓ આટલેથી અટકતી નથી. મૂળ કામ તો હવે શરૂ થાય છે.
નવરાત્રિ શરૂ થતાં પહેલાં આ નોરતાંધેલાં નર-નારીઓ નૃત્યકળામાં પાવરધા થવા કમર કસે છે. એટલે રાસ-ગરબાનાં નવાં નવાં `સ્ટેપ્સ' શીખવા મહેનત શરૂ કરે છે. એમની આ `ઘેલછા'ને `એનકેશ' કરવા માટે કેટલીક જગ્યાએ તો `નવરાત્રિ સ્પેશિયલ ડાન્સ ક્લાસીસ' શરૂ થઇ જાય છે. જેમાં તરવરિયાં યુવક-યુવતીઓ તો ઠીક, પણ મોટાં મોટાં `આન્ટાઓ-આન્ટીઓ' પણ સ્ટેપ શીખવા ધસી જાય છે. એમને શીખવાડનારા માસ્ટરજી તો સરોજ ખાન કે ફરાહ ખાનને પણ ટક્કર મારે એવા હોય છે. એ લોકો `મારી મહીસાગરને આરે ઢોલ વાગે સેએએ' એ ગરબા પર `મુન્ની બદનામ હુઇ' કે પછી `શીલા કી જવાની' જેવાં લચકીલા-ઝટકીલા સ્ટેપ કરાવે છે. એ ડાન્સ કોરિયોગ્રાફર્સને છોકરીઓની જેમ નાચતા જોવા એ પણ એક લહાવો છે.
એક બાજુ આ નાચનારાં કચ્ચી-કચ્ચીને તૈયારીમાં લાગેલા હોય છે ત્યારે બીજી બાજુ ગરબા ઓર્ગેનાઇઝર્સ પણ ધંધે લાગેલા હોય છે. જેમ મોકાની જગ્યાએ ધંધો જમાવવા પડાપડી થતી હોય છે તેમ જ્યાં પબ્લિક વધુ ખેંચી શકાય તેવી જગ્યાઓએ, પાર્ટીપ્લોટોમાં, મોટાં મેદાનોમાં ગરબા ગોઠવવા બબાલો થાય ત્યાં સુધી હરીફાઇઓ થતી હોય છે. એ પછી ઓર્કેસ્ટ્રાવાળાને, નાનાં-મોટાં માથાંવાળા ગાયકોને ખેંચી લાવવા રસ્સીખેંચ શરૂ થાય છે. આ દિવસોમાં થોડુંક પણ ગાવા-વગાડવાનું જાણનાર માણસ પોતાને સિંગર-મ્યુઝિશિયન જાહેર કરી દે છે અને એને બુક કરનાર `પાલટી' પણ મળી જાય છે. નાચનારાં, ગાનારાં, વગાડનારાં, આયોજન કરનારાં બધા `એકદમ રેડી' થઈ જાય છે અને આવે છે `આસો સુદ એકમ'.
નવરાત્રિ શરૂ થાય છે. ગરબે રમવા જવા માટે સાજ-શણગારે સજાઇ જાય છે. બાઇકો-સ્કૂટરો-ગાડીઓમાં મહામૂલું પેટ્રોલ ઠલવાઇ જાય છે અને ખૈલેયા ગરબે ઘૂમવા-ઝૂમવા નીકળી પડે છે. હવે પહેલાંની જેમ સોસાયટીમાં, શેરીમાં ગરબા નથી યોજાતા. હવે તો શહેરની બહાર, મોટા મોટા પાર્ટીપ્લોટોમાં હજારો લોકોની ભીડ થાય એવી જગ્યાએ ગરબા યોજાય છે. જ્યાં જવા માટે મોંઘા મોંઘા પાસ ખરીદવા પડે છે, પણ જેમ સ્વાસ્થ્ય માટે કહેવાય છે કે, `દેવું કરીને પણ ઘી પીઓ' એ રીતે નવરાત્રિ માટે કહેવાય છે, `દેવું કરીને પણ ગરબે રમો'.
ગરબાના મોંઘા પાસ ખરીદાય છે. નવ-નવ રાત સુધી બધા હૈસો, હૈસો કરી નાચી-કૂદી-મોજ-મજા કરે છે. ખાઇ-પીને જલસા કરે છે. મા-બાપને ટેન્શન થાય તોયે કિડ્ઝ એન્જોય કરે છે, પણ આ નવે દિવસ કોઇને યાદ આવે છે કે આ આદ્યશક્તિની ભક્તિનું પર્વ છે? હેં?
અંતે એક ચેતવણી - નવરાત્રિમાં માત્ર દેખાવ અને ડ્રેસિંગ જોઇને પ્રેમમાં પડવું એ અત્યંત જોખમી કામ છે, એમાં છેતરાવાના ચાન્સ નેવુ ટકા છે.