આમ તો એ રજાનો દિવસ હતો એટલે મેં આગલી રાતે એવું નક્કી કર્યું હતું `દસ વાગ્યા પહેલાં તો ઊઠવું જ નથી અને પછી આખો દિવસ ખાઈપીને મગરની જેમ પડ્યા રહેવું છે', પણ આપણે નક્કી કરીએ એવું ક્યારેય કશું થાય છે?

એ રજાના દિવસે મેં 10 વાગ્યે ઊઠવાનું નક્કી કર્યું હતું, પણ સવારે પાંચ વાગ્યે પાડોશીને બહારગામ જવાનું હતું એટલે એ લોકો ઊઠીને ચાર વાગ્યામાં ધમાચકડી કરવા માંડ્યા. એમના અવાજથી બચવા હું કાન પર ઓશીકું દબાવીને પડ્યો રહ્યો, ત્યાં જ એમની કારનું હોર્ન `ચોંટી' ગયું. મોટા અવાજે કન્ટિન્યૂઅસ હોર્ન વાગવા માંડ્યું. એને બંધ કરવા રાડારાડી થવા માંડી. બીજા પાડોશીઓ પણ જાગીને બૂમાબૂમ કરવા માંડ્યા. ચારે બાજુ `હો હો ને ગોકીરો' મચી ગયો. આ બધી ધમાલમાં મારી પણ ઊંઘ ઊડી ગઈ. પેલા હોર્નનો અવાજ માંડ માંડ બંધ થયો અને પાડોશી પ્રવાસે ઊપડી ગયા.

સંપૂર્ણ જાગી ગયેલો હું કમ્પાઉન્ડમાં આંટા મારતો હતો ત્યાં જ વાંદરાંઓનું ટોળું ત્રાટક્યું. એ ટોળાએ મારું સ્કૂટર પછાડ્યું. એમને ભગાડવા હું ડંડો લઈ આમતેમ દોડાદોડી કરવા માંડ્યો. વાંદરાઓએ મારી `પિદૂડી' કાઢી નાખી. અડધો કલાક પછી એ ટોળું ત્યાંથી કૂદતું કૂદતું જતું રહ્યું, પણ હું પરસેવે રેબઝેબ થઈ ગયો હતો એટલે મેં નહાવા જવાનું નક્કી કર્યું.

બાથરૂમમાં નહાવા ગયો, પણ નહાતાં નહાતાં મારા કાનમાં પાણી ઘૂસી ગયું, જેના કારણે મારી ખોપરીમાં `જલતરંગ' જેવા અવાજ આવવા માંડ્યા હું નહાઈ, ફટાફટ કપડાં પહેરી બહાર આવ્યો. જે કાનમાં પાણી ગયું હતું એમાં `ઇયરબડ' ફેરવવા માંડ્યો. થોડીવાર પછી કાનમાં ઘૂસેલું પાણી તો નીકળી ગયું, પણ એ ઈયરબડનું રૂ પ્લાસ્ટિકની દાંડીથી છૂટું પડી મારા કાનના `અંદરુની' ભાગમાં ઊંડે ફસાઈ ગયું. મેં રાડારાડ કરી રૂ કાઢવાની કોશિશ કરી. કુટુંબીજનોએ મારા કાન ખેંચી પ્રયત્નો કર્યા, પણ રૂ નીકળ્યું નહીં. મેં ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું, પણ આજે રજાના દિવસે કોઈ ડોક્ટર મળે એમ નહોતા. છેવટે મેં ખૂબ દૂર રહેતા મારા રિલેટિવ ડો. દવેને ફોન જોડી મારી `રૂ'ની કહાણી કહી, મારા આશ્ચર્ય વચ્ચે ડોક્ટર દવેએ `આવી જાઓ દવાખાને' એવું કહ્યું.

હું સ્કૂટર લઈ `રમરમાટ' ડો. દવેના ક્લિનિક પર ધસી ગયો. ડો. દવેએ ખાણિયાઓ પહેરે એવી આગળ લાઈટવાળી ટોપી પહેરી મારા કાનમાં જોયું. અંતે તો ડો. દવેને મારા કાનમાં રૂનાં દર્શન થયાં, પણ રૂ છેક `ગર્તા'માં સરી ગયું હતું એટલે ચીપિયા કે બીજાં સાધનોથી બહાર ન નીકળ્યું. એટલે ડો. દવેએ મારા કાનમાં સિરિન્જ વડે પાણીની જોરજોરથી પિચકારીઓ મારી અને `બલમ પિચકારી, જો તૂને મુઝે મારી' તો એના પૂરમાં પેલું રૂ મારા કાનમાંથી બહાર તણાઈ આવ્યું.

મને `હાશ' થઈ. મેં ડો. દવેને પૈસા આપવા ખિસ્સામાં હાથ નાખ્યો તો ખબર પડી કે હું પાકીટ ઘરે ભૂલી ગયો હતો. ડો. દવેએ હસીને કહ્યું, `અલ્યા ભઈ તમારા પૈસા તો લેવાતા હશે?' એટલે પછી થેંક્યૂ કહીને મેં ડોક્ટર દવેની વિદાય લીધી,

પણ રસ્તામાં ટ્રાફિક પોલીસે મને ઝડપ્યો, મારી પાસે પાકીટ નહોતું એટલે લાઇસન્સ નહોતું અને પોલીસ સાથે `તોડ' કરવાના પૈસા પણ નહોતા. છેવટે મેં પોલીસને મારો `રૂકાંડ' કહ્યો. સાંભળી પોલીસ ખૂબ હસ્યો અને પછી માંડ માંડ મને જવા દીધો.

વળી પાછું રસ્તામાં `વિઘન' આવ્યું. મારા સ્કૂટરમાં પંક્ચર પડ્યું. સ્પેર વ્હીલ હતું નહીં એટલે ગધેડાનો કાન પકડી કુંભાર જતો હોય એમ હું સ્કૂટર ઢસડીને લઈ ગયો. રજા હતી એટલે બધા પંક્ચરવાળા બંધ હતા. માંડ એક દુકાન ખુલ્લી હતી ત્યાં ચાર-પાંચ જણ ટાયર પંક્ચર કરાવવા બેઠા હતા. હુંય બેઠો, કલાકે મારો વારો આવ્યો. પંક્ચર કરાવી ઘરે પહોંચ્યો. બરાબર કકડીને ભૂખ લાગી હતી. જમવા બેઠો હતો ત્યાં મોબાઇલ રણક્યો. મારાં કાકીનો ફોન હતો કે, `તારા કાકા બાથરૂમમાં પડી ગયા છે, થાપામાં ફ્રેક્ચર થયું છે. જલદી આવ.' એટલે હું `લુમ્સ-લુમ્સ' ખાઈ હોસ્પિટલ

દોડી ગયો.

ડોક્ટર, ઓપરેશન, કમ્પાઉન્ડર, વોર્ડ, દવાઓ આ બધી માયાજાળમાં આમથી તેમ ભાગવા માંડ્યો. છેવટે ડોક્ટરે કહ્યું, `હવે બધું ઓકે છે.' એટલે કાકીની રજા લઈ હું ઘરે પહોંચ્યો. થાકીને ઠુસ્સ થઈ ગયો હતો અને રાત પડવા આવી હતી, જમવા બેઠો ત્યાં જ લાઇટો ગઈ. મીણબત્તીના અજવાળામાં જમ્યો અને પછી સોફામાં જ સૂઈ ગયો. આમ, આખો દિવસ આરામ કરવાના મારા પ્લાનની `ધજ્જિયાં' ઊડી ગઈ. બોલો, તમારે પણ આવો કપરો દિવસ આવ્યો છે લાઈફમાં?