ગૂગલના સહસ્થાપક લેરી પેજે નવેમ્બર, 2025માં અમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિનું સ્થાન મેળવ્યું છે.
Forbes Real-Time Billionaires List અનુસાર લેરી પેજની કુલ સંપત્તિ હવે 249 બિલિયન ડોલર (આશરે 21 લાખ કરોડ) છે, જ્યારે બેઝોસની 240 બિલિયન ડોલર છે. આ ઝડપી ઉછાળાનું મુખ્ય કારણ ગૂગલની માતૃ કંપની આલ્ફાબેટના નવા AI મોડલ જેમિની 3નું સફળ લોન્ચ તથા ત્રીજા ત્રિમાસિકમાં શાનદાર આર્થિક પરિણામો છે. આનાથી આલ્ફાબેટના શેરમાં 6%થી વધુ વધારો થતાં એક જ દિવસમાં પેજની સંપત્તિમાં 6 બિલિયન ડોલરનો વધારો થયો. વર્તમાન ટોપ-5 અમીરોમાં 1. ઇલોન મસ્ક - 466 બિલિયન ડોલર 2. લેરી એલિસન - 276 બિલિયન ડોલર 3. લેરી પેજ - 249 બિલિયન ડોલર 4. જેફ બેઝોસ - 240 બિલિયન ડોલર 5. સર્ગેય બ્રિન - 233 બિલિયન ડોલર સંપત્તિ ધરાવે છે. AI ક્રાંતિએ ગૂગલના બંને સ્થાપકોને એકસાથે ટોચના પાંચ અમીરોની સૂચિમાં પહોંચાડી દીધા છે.
સમુદ્ર સ્તર વધતાં વિશ્વના 50 ટકા બીચ લુપ્ત થઇ જવાની સેવાઈ રહેલી ભીતિ
જળવાયુ પરિવર્તનને કારણે વૈશ્વિક સમુદ્ર સ્તરમાં વધારો થઈ રહ્યો છે, જે વિશ્વના 50% બીચને 2100 સુધીમાં લુપ્ત કરી દેશે. નેચર ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત તાજા અભ્યાસ મુજબ 35 વર્ષના સેટેલાઇટ ડેટા અને 82 વર્ષની સમુદ્ર સ્તર વધારાનાં આયોજનો પર આધારિત આ આંકડા ચિંતાજનક છે. હાલમાં વિશ્વના 30% કાંઠાઓ પર રેતીના બીચ આવેલા છે, જે સ્થાનિક અર્થતંત્ર, સંસ્કૃતિ અને ઇકો સિસ્ટમના રક્ષણ તરીકે કાર્ય કરે છે. સમુદ્ર સ્તર વધારો, તોફાનોની તીવ્રતા અને કાંઠા વિકાસને કારણે બીચનું કપાત પ્રમાણ વધ્યું છે. અભ્યાસમાં જણાવાયું છે કે મધ્યમ વોર્મિંગ હેઠળ પણ 28,000 ચોરસ કિલોમીટર જમીન સમુદ્રમાં મળી જશે. ઓસ્ટ્રેલિયામાં 9,227 માઇલ (11,426 કિમી) બીચ, જે 50% છે, જોખમમાં છે. કોંગો, ગામ્બિયા, પાકિસ્તાન અને સુરિનામ જેવા દેશોમાં 60%થી વધુ નુકસાન થઈ શકે. અાર્જેન્ટિના, કેનેડા, ચીન અને અમેરિકા પણ અસરગ્રસ્ત થશે. માનવીય પ્રવૃત્તિઓ જેમ કે, બાંધકામ, ડેમ અને બીચ ન્યૂટ્રિશન પણ કપાત વધારે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાથી આને રોકી શકાય, પરંતુ હાલના વલણે તટરેખા અનિવાર્યપણે બદલાશે. આ નુકસાનથી પર્યટન, માછીમારી અને કાંઠા સમુદાયોને આઘાત પહોંચશે. તાત્કાલિક પગલાં જેમ કે કાંઠા પુનઃસ્થાપન અને નીતિગત ફેરફારો જરૂરી છે.
ઉઝબેકિસ્તાનનો 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ચેસ વર્લ્ડકપનો સૌથી યુવા ચેમ્પિયન બની ગયો
ગોવામાં યોજાયેલા FIDE ચેસ વર્લ્ડકપ 2025ના ફાઇનલમાં ઉઝબેકિસ્તાનનો 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર જાવોખિર સિન્દારોવે ચીનના વેઈ યીને રોમાંચક રેપિડ ટાઇબ્રેકમાં 1.5-0.5થી હરાવી ધૂમ મચાવી દીધી! આ જીત સાથે તે વર્લ્ડકપનો સૌથી યુવા ચેમ્પિયન બની ગયો, એ પણ નીચા સીડ પરથી અણધારી રીતે ટોચે પહોંચીને! ફાઇનલની બીજી રેપિડ ગેમમાં ટાઇમ ટ્રબલમાં પણ જાવોખિરે અદ્ભુત શાંતિ રાખી અને નિર્ણાયક જીત ખેંચી લીધી. $ 1,20,000નો પુરસ્કાર અને વૈશ્વિક ખ્યાતિ તેની ઝોળીમાં આવી. વતન પરત ફરતાં તાશ્કન્દ એરપોર્ટ પર હજારો લોકોએ હીરોની માફક આવકાર્યો. ઉઝબેક સરકારે ત્રણ રૂમનો લક્ઝરી ફ્લેટ અને મોટી રકમનું સન્માન આપ્યું. 12 વર્ષની ઉંમરે GM બનેલો આ યુવાન હવે વર્લ્ડ ચેમ્પિયનશિપના કેન્ડિડેટ્સ તરફ આગળ વધી રહ્યો છે. તેનો સ્વપ્નમંત્ર: `વર્લ્ડકપ તો માત્ર શરૂઆત છે!' ચેસની દુનિયામાં નવો ઝળહળતો સિતારો ચમક્યો છે જેનું નામ દૂર દેશનો જાવોખિર સિન્દારોવ છે.
ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડમાં ભારતનો દબદબો જોવા મળ્યો, 169માંથી 154 મત મળ્યાં...
લંડનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સંસ્થા (IMO)ની 34મી એસેમ્બ્લીમાં ભારતને કાઉન્સિલમાં ફરીથી ચૂંટવામાં આવ્યું, જેમાં કેટેગરી Bમાં 169માંથી 154 મતો સાથે ભારતની આ સતત બીજી ટર્મ છે, જે વૈશ્વિક મેરીટાઇમ વેપારમાં વધતી જતી ભૂમિકાને દર્શાવે છે. IMO, જે યુનાઇટેડ નેશન્સની એજન્સી છે, વૈશ્વિક શિપિંગને નિયમિત કરે છે અને મેરીટાઇમ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, સુરક્ષા અને વેપાર સુવિધા માટે જવાબદાર છે. કાઉન્સિલ તેનું એક્ઝિક્યૂટિવ બોડી છે, જે 40 સભ્ય દેશો પર બને છે અને બે વર્ષે એકવાર ચૂંટાય છે. કેટેગરી Bમાં 10 દેશો છે, જેમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ્સ, સ્પેન, સ્વીડન અને UAE સાથે ભારતનું સ્થાન છે. પીએમ મોદીના `અમૃત કાળ મેરીટાઇમ વિઝન 2047' મુજબ આગામી 25 વર્ષમાં મેરીટાઇમ ક્ષેત્રમાં $ 1 ટ્રિલિયનના રોકાણની યોજના છે. તાજેતરમાં યોજાયેલા ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025માં 100થી વધુ દેશોની ભાગીદારીએ ભારતની ક્ષમતા દર્શાવી. કાઉન્સિલમાં ભારત માર્કેટ સુરક્ષા, ડિજિટલાઇઝેશન, પર્યાવરણ નિયમો અને વિકાસશીલ દેશો માટે ક્ષમતા નિર્માણ પર ભાર મૂકશે.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો