આધુનિકતા હવે માત્ર ફેશન, ટ્રેન્ડ્સ, વસ્તુઓ પૂરતી ન રહેતાં યુદ્ધનાં શસ્ત્રોમાં પણ ફેરવાઇ છે. ત્યારે આધુનિક શસ્ત્રોમાં હવે લેસર શસ્ત્રો ક્રાંતિ લાવ્યાં છે. હવે યુદ્ધની પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. હવે ટેન્ક, બંકર અને અન્ય શસ્ત્રો સાથે અત્યાધુનિક પાવરફુલ અને ટેક્નોલોજીથી ભરપૂર શસ્ત્રો વિકસી પણ રહ્યાં છે અને ઉપયોગમાં પણ લેવાઈ રહ્યાં છે. એવી જ એક નવી ક્રાંતિનું નામ છે લેસર ડિફેન્સ સિસ્ટમ. જે અન્ય દેશો તરફથી થયેલા હુમલાને રોકવા દારૂગોળો કે ગોળીને નહિ, પણ પ્રકાશનાં કિરણોનો ઉપયોગ કરે છે અને એ જ એની સૌથી મોટી ખાસિયત છે.
શું છે આ લેસર ડિફેન્સ સિસ્ટમ?
લેસર શબ્દનો અર્થ થાય છે `પ્રકાશનાં કિરણોને શક્તિશાળી બનાવીને છોડવાં'. આ ટેક્નોલોજીનો પાયો 1917માં આલ્બર્ટ આઈન્સ્ટાઈને નાખ્યો હતો. શરૂઆતનાં વર્ષોમાં લેસરનો ઉપયોગ માત્ર આંખના ઓપરેશન કે મેડિકલ ક્ષેત્રે થતો હતો, પરંતુ 1980ના દાયકા પછી અમેરિકા અને રશિયા જેવા દેશોએ વિચાર્યું કે જો આ કિરણોને ખૂબ જ શક્તિશાળી બનાવવામાં આવે, તો તેનાથી દુશ્મનની મિસાઈલોને પણ હવામાં ઓગાળી શકાય. ત્યારથી ડિફેન્સ લેવલે તેના પર સંશોધન શરૂ થયાં અને આજે તે એક હકીકત બની ગઈ છે.
કેમ અત્યારે ચર્ચામાં છે?
હાલમાં વિશ્વભરમાં આ સિસ્ટમની ચર્ચા થવા પાછળનાં અમુક કારણો છે. આજકાલ યુદ્ધમાં નાના અને સસ્તા ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. આ નાના ડ્રોનને તોડવા માટે લાખો રૂપિયાની મિસાઈલ વાપરવી મોંઘી પડે છે, જ્યારે લેસર ખૂબ જ સસ્તામાં આ કામ કરી આપે છે. વાત કરીએ રશિયા યુક્રેનના યુદ્ધની, તો એમાં પણ લેસર સિસ્ટમનો ઉપયોગ બંને દેશો દ્વારા વારાફરતી થયો હતો. જોકે, રશિયા આ વાતને નકારી ચૂક્યું છે. આ ઉપરાંત ઈઝરાયેલે તાજેતરમાં તેની લેસર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે, જે દુશ્મનના રોકેટને પળવારમાં નષ્ટ કરી દે છે. ભારતની સંસ્થા DRDO પણ `દુર્ગા-2' નામની લેસર સિસ્ટમ પર કામ કર્યું, જેના લીધે ભારતની સરહદોને હવે વધુ સુરક્ષિત બની ગઈ છે.
આમ જોવા જઈએ તો લેસર સિસ્ટમ એ ભવિષ્યનું એવું યુદ્ધ શસ્ત્ર છે, જે વત્તાઓછા અંશે દરેક દેશ પાસે હશે. જેનું મોટું કારણ તેની પાછળ થતો ખર્ચ છે. ઓછી બનાવટના ખર્ચમાં વધુ શક્તિશાળી ડિફેન્સ સિસ્ટમ મળતી હોય તો સ્વાભાવિક છે દરેક દેશ તેને સ્વીકારશે જ.
ઘણા એવા ડિફેન્સ નિષ્ણાતોના મતે ભવિષ્યમાં લેસર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલનું સ્થાન લઈ લે તો નવાઈ નહીં. જોકે, બીજું સબળ કારણ એ છે કે, લેસર ડિફેન્સ સિસ્ટમ જે એકદમ સચોટ પરિણામ આપે છે. જે તે લક્ષ્યને જ નિશાન બનાવે છે, જેથી જે તે વિસ્તારની આજુબાજુના વિસ્તારને નુકસાન પણ ઓછું પહોંચે છે. તેનું એક નબળું પાસું પણ છે, જ્યારે ધુમ્મસ કે વરસાદ પડતો હોય ત્યારે આ સિસ્ટમમાં થોડી ખામી આવતી હોય છે. જોકે, વૈજ્ઞાનિકો તેના પર કામ કરી રહ્યા છે. ટૂંકમાં, આ ડિફેન્સ સિસ્ટમ દેશની સરહદો માટે અભેદ્ય બની રહેશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
આયુષી રાવ