નવરાત્રિ પૂરી થયા પછીના પંદર દિવસ આપણે ત્યાં ઘેર ઘેર એક ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે. નોરતાંની રાતોમાં ઉજાગરા કરી, ગરબે રમી થાક્યાં હોવા છતાં આપણે બધાં જ આ ખાસ `એક્ટિવિટી' ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને જોશભેર કરતા હોઈએ છીએ.
આ ખાસ એક્ટિવિટી એટલે ઘરની સાફસફાઈનું કામ. જેને મહિલાવર્ગ ખૂબ જ લાડમાં `દિવાળીનું કામ કાઢ્યું છે' એવું કહે છે. આના માટે વડીલો એવું કહેતા હોય છે કે `આના કારણે વરસમાં એક વાર ઘરની સાફસફાઈ થઈ જાય છે.' એ જે હોય તે, પણ દિવાળી પહેલાં ઘરમાં સફાઈ કરવાનું આપણે ત્યાં અજબગજબનું `માહાત્મ્ય' હોય છે.
આજે આપણા બધાયનાં ઘરોમાં કચરા, પોતાં, વાસણ, કપડાં કરવાં માટે કામવાળો કે કામવાળી હોય જ છે. એ નોકર, નોકરાણી કે ઘરઘાટીને તમે દિવાળીનું કામ કરવા કહો ત્યારે એ લોકો હિન્દી ફિલ્મોના સુપરસ્ટારની જેમ `અંટસંટ' રૂપિયા માગતા હોય છે. એટલે જ દિવાળી પહેલાં બધી ગૃહિણીઓ બોલતી હોય છે કે `આજકાલના કામવાળા બહુ જબરા થઈ ગયા છે. દિવાળીનું કામ કરવાના મનફાવે એટલા રૂપિયા માગતા હોય છે એટલે અમે તો જાતે જ દિવાળીનું કામ કરવાનું નક્કી કર્યું છે.' જે જે ગૃહિણીઓ આ ડાયલોગ બોલતી હોય છે એ `બધીઓનાં' ઘર સફાઈના નામે `રમણભમણ' થઈ જતાં હોય છે.
બહેનો જૂની સાડી કે ડ્રેસ ચડાવી, માથે કપડું બાંધી, મોઢે દુપટ્ટો બાંધી દે છે અને પછી બુકાનીધારી `ડાકુરાણી ગંગા' બની ઘરની સફાઈના જંગે ચડે છે. ઘરનો બધો સામાન વેરવિખેર કરી નાખે છે. ડ્રોઇંગ રૂમના સોફા, ટીવીને ધકેલીને ગેલેરીમાં મૂકી આવે છે. કબાટો ખાલી કરી એનો સામાન ડ્રોઇંગ રૂમમાં ખડકી દે છે. રસોડું, અભેરાઈ, ડ્રોઅર બધું બહાર કમ્પાઉન્ડમાં મૂકી આવે છે. વળી, આ કામ એ એકલી જ નથી કરતી, ઘરના બધા જ સભ્યોને એમાં `હારોહાર'
જોતરી દે છે.
વરને ટેબલ ગોઠવી માળિયે ચડાવી દે છે. છોકરાઓને ભીનાં કપડાં પકડાવી બધું લૂછવાના કામે લગાડી દે છે. ઊંચી હાઇટવાળો દીકરો કે દીકરી હોય તો એને લાંબું બાંબું સાવરણી-ઝાડુ પકડાવી છત પરના કરોળિયાના બાવા-જાળાં કે લટકતા પંખા, ટ્યૂબલાઇટો સાફ કરવાના ધંધે લગાડી દે છે. આવું `સફાઈ અભિયાન' ત્રણેક દિવસ ચાલે છે. એ દરમિયાન ઘરના લોકોને ધૂળના લીધે શરદી-ઉધરસ થઈ જાય છે. કોકને વજન ખસેડવા-ઊંચકવાના લીધે કમરમાં `ટચકિયું' થઈ જાય છે, પણ આ બધા `જખ્મી યોદ્ધાઓ' પીછેહઠ નથી કરતા. દવાઓ ખાઈને, એકબીજાને હિંમત આપી `ધ્યેયપ્રાપ્તિ સુધી' મંડેલા રહે છે. છેવટે ચોથા દિવસે ઘર પાછું વ્યવસ્થિત થાય છે. બધું યથાસ્થાને ચોખ્ખું થઈને ગોઠવાય છે. એ દરમિયાન બેડરૂમનાં ગાદલાં, ઓશિકાંની તો જબરી વલે થઈ હોય છે. ઉપદ્રવ કરનારા `દંગાઈઓ' પર જે રીતે પોલીસ લાકડીઓ લઈ તૂટી પડે એમ ઘરના લોકો ઘરની બહાર સુવાડેલાં બિચારાં, બાપડાં ગાદલાં, ગોદડાં, ઓશિકાં પર બેફામ `લાઠીચાર્જ' કરી એમની `ધૂળ' કાઢી નાખે છે. પછી તડકે તપાવી એમને પલંગ, ખાટલા, ડબલબેડ પર ગોઠવી દે છે. ટૂંકમાં, `કુલ હાઉસ' પાછું `હાઉસફુલ' થઈ જાય છે. આખી પ્રોસેસ કર્યા પછી ઘરની ગૃહિણી જાતે ઘર ચોખ્ખું કર્યાનો `ધૂળભર્યો' સંતોષનો ઓડકાર લે છે અને ઘરના લોકોને પણ `સખે' બેસવા મળે છે.
જોકે, છેલ્લા કેટલાંક વર્ષોમાં આવી દિવાળી સ્પેશિયલ ઘરસફાઈની પ્રવૃત્તિ ધીમે ધીમે લુપ્ત થવા માંડી છે. ઘરના નોકર, કામવાળાઓના બદલે આ હોમ ક્લિનિંગના કામ માટેની એપ્લિક્શન મોબાઈલમાં ડાઉનલોડ કરવામાં આવે છે. એ એપ્લિકેશન દ્વારા સફાઈ સ્પેશિયાલિસ્ટ, એક્સપર્ટ લોકોને ઘરે બોલાવવામાં આવે છે. એ લોકો પહેલાં `હોમવિઝિટ' કરી ઘરનો `સરવે' કરે છે અને બજેટ આપે છે. તમને પોસાય અને અનુકૂળ આવે તો એપાઈન્ટમેન્ટ બુક કરી તમારી `ડેટ ફિક્સ' કરે છે. નક્કી કરેલા દિવસે કંપનીના શૂરવીરો ખાસ ડ્રેસ પહેરી જાતજાતનાં ગેજેટ્સ લઈ આપણા ઘરે ચડી આવે છે. ઘરના લોકો બાઘા બબૂચક બની બધું જોઈ રહે છે અને પેલા લોકો બધું સટાસટ ક્લીન કરી, ઑનલાઇન પેમેન્ટ લઈ `વટી' જાય છે.
પણ યાર, સાચું કહું તો આમ `થર્ડ પાર્ટી' દ્વારા ઘરસફાઈ કરાવવામાં મજા નથી આવતી હોં. આપણને તો પરંપરાગત રીતે, જાતે પોતે જ ઘરની સાફસૂફી કરવામાં સાચો આનંદ આવે છે. તો ચાલો જૂનાં કપડાં પહેરી લો, માથે ફટકો બાંધી લો, મોઢે બુકાની બાંધી લો અને ઘરની ધૂળ કાઢી નાખવા ધંધે લાગી જાઓ અને દિવાળી પહેલાં ઘરને ચકાચક કરી નાંખો.