પોલીસ' આ નામ પડતાંની સાથે જ સામાન્ય જનો યાનિ કી આમ જનતાની સમક્ષ ખાખી વર્દીમાં સજ્જ, કડક ચહેરાવાળા, મજબૂત બાંધાવાળા, રોબદાર મહાનુભાવની છબી દેખાવા માંડે છે. પોલીસ પ્રત્યે લોકોમાં અહોભાવની સાથે સાથે થોડી બીક, ભય અને ડર પણ છે જ.

જોકે, હમણાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ગમે તેવા લલ્લુ પોતાના ઉલ્લુ સીધા કરવા કાયદા કાનૂનનો છડે ચોક ભંગ કરવા માંડ્યા છે. લોકો પર પોતાની `ધોંસ જમાવવા' કે પછી `છાકો પાડી દેવા' સરેઆમ ટપોરીગીરી કરવા માંડ્યા છે. આનું પરિણામ એ આવ્યું છે કે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણના બનાવો વધવા માંડ્યા છે. પબ્લિક પોલીસ સાથે ગાળાગાળી કરી મારમમારી પર ઊતરવા માંડી છે.

આમ જોવા જઈએ તો પોલીસની સાથે ડોક્ટરની લાઈફ `સેમ ટુ સેમ' હોય છે. બંનેએ આખો દિવસ લોકોની ફરિયાદો સાંભળવાની હોય છે, તકલીફો દૂર કરવાની હોય છે. ઈમરજન્સી આવે એટલે ગમે તે સમયે દોડવાનું, સતત અટેન્શનમાં રહેવાનું હોય છે. એક પણ ભૂલ થાય એ એમને પોસાતું નથી. જોકે, ડોક્ટરે તો બીજાની શારીરિક કે માનસિક તકલીફો જ દૂર કરવાની હોય છે, જ્યારે પોલીસે તો બધાની બધી જ બબાલોમાં વચ્ચે પડવાનું હોય છે. ઘરમાં પતિ-પત્ની વચ્ચે કકળાટ હોય, ફેમિલીમાં ખટરાગ હોય, `પતિ પત્ની ઔર વો' જેવો કંકાસ હોય, પડોશીઓમાં બબાલ હોય, રસ્તા ઉપરનો બખેડો હોય, સ્કૂલ, કોલેજમાં સ્ટુડન્ટ-ટીચરના વિવાદ હોય, ઓફિસમાં બોસ-કારકુન-સેક્રેટરીનો ટ્રાયેંગલ હોય, ધાર્મિક વિવાદ હોય, હુલ્લડ-તોફાનો હોય, મોરચા-સરઘસ રેલી હોય, રાજકારણની રમતો હોય કે પછી કોઈ પણ કારણ હોય, બધી જ જગ્યાએ કંઈક `હળગે' ત્યારે એને ઠારવા પોલીસે ગડગડતી દોટ મૂકવી જ પડે છે. સતત ટેન્શનમાં, તાણમાં કામ કરતી પોલીસ પણ `માણસ' છે એ આપણે ભૂલી જઈએ છીએ અને એમની સામે શિંગડાં ભરાવવા માંડીએ છીએ, છાશિયા કરવા માંડીએ છીએ, હાથ-પગ, હથિયાર ઉગામવા માંડીએ છીએ.

ઘણા લોકો તો પોલીસની સામે પોતાના જાતજાતના કલર દેખાડે છે. "તું હજી મને ઓળખતો નથી. હું કોણ છું ખબર છે? એક ફોન કરીશ તો તારી વર્દી, ટોપી, બેલ્ટ-બક્કલ, બધું ઊતરી જશે." આવી આવી ધમકીઓ `હૂલ' આપતા હોય છે, પણ પછી પોલીસ જ્યારે પોતાનું અસલી સ્વરૂપ દેખાડે ત્યારે આવા શૂરવીરોનાં `ધોતિયાં ઢીલાં' થઈ જતાં હોય છે, મોતિયા મરી જતા હોય છે.

પોલીસોએ એક તો કાયમ બહાર જ, ઓપનમાં લોકોની નજર સામે જ ડ્યૂટી કરવાની હોય છે. ટાઢ, તડકો, વરસાદ હોય તો પણ ફરજ બજાવાની હોય છે. તે છતાં લોકોનાં `સ્વસ્તિ વચનો' સાંભળવાં પડતાં હોય છે. આ બધા ઉપરાંત પોલીસ પર `ઉપરથી' જાતજાતનાં દબાણો આવતાં હોય છે. એમના કામમાં અનેક જગ્યાએથી અડચણ, દખલ કરવામાં આવતી હોય છે. મીડિયા એમના ઉપર સતત, કન્ટિન્યૂઅસ વોચ રાખતું રહેતું હોય છે અને એમનું કોન્સ્ટન્ટ ક્રિટિસિઝમ કરતું રહેતું હોય છે. પોલીસે કાયમ આવી પ્રેશર કૂકર જેવી પરિસ્થિતિમાં સતત ખડે પગે કામ કરવાનું હોય છે.

સામાન્ય જનતા વાર તહેવારમાં મોજમજા કરતી હોય ત્યારે પણ પોલીસે પોતાના પરિવારની પરવા કર્યા વગર પોતાની સોશિયલ લાઈફ કોરાણે મૂકી ડ્યૂટી કરવાની હોય છે. સતત ખડે પગે લોકસેવાનું કામ કરનાર પોલીસની સામે લોકો બાંયો ચડાવ્યા કરે, શિંગડાં ભરાવ્યા કરે, તો હવે તમે જ કહો પોલીસ ક્યાં સુધી માથે બરફ રાખે, હેં?

એમાંય પોલીસને મળતી સગવડો-સવલતો જુઓ ત્યારે તો હબક જ ખાઈ જવાય. આજકાલ ગુનો કરનારા બધા મોડર્ન થઈ ગયા છે, જ્યારે પોલીસ હજી જૂની રાહે જ આગળ વધે છે. આજકાલ ગુનેગારો પાસે અદ્યતન તદ્દન સોફેસ્ટિકેટ ઓટોમેટિક હથિયારો, સુપર બાઈક, ફાસ્ટ કાર, લેટેસ્ટ સેટેલાઈટ ફોન એવું બધું જ હોય છે. એની સામે પોલીસ પાસે દંડા, જૂની બંદૂક, સાદી મોટરસાઇકલ, જૂની ખખડેલી જીપ અને જૂના મોબાઈલ હોય છે. =

આવામાં પોલીસ ગુનેગારને પકડે તો કેવી રીતે પકડે? તે છતાંય પોલીસ ગુનેગારને પકડી કાયદાને હવાલે કરે છે, પણ ત્યારે લોકો એમને બિરદાવવાને બદલે "ઠીક મારા ભાઈ, આ તો એમનું કામ છે" એવું કહી વાત પૂરી કરી દે છે.

આ બધા ઉપરાંત પોલીસને રહેવા મળતા ક્વાર્ટર્સ, એમને મળતી સગવડો, એમને આપવામાં આવતા પગારો જુઓ તો ખબર પડે કે પોલીસની નોકરી કરવી ખરેખર ખૂબ જ અઘરું કામ છે. તે છતાં એ કેટલાંય બહાદુર યુવક-યુવતીઓ આ નોકરી કરે છે અને ખૂબ સારી રીતે જવાબદારીપૂર્વક પોતાની ફરજ અદા કરે છે. ખરેખર હેટ્સ ઓફ ટુ અવર પોલીસ ડિપાર્ટમેન્ટ.