ભારતનો ઉનાળો એટલે પરસેવાની પ્રીમિયર લીગ! આપણે ત્યાં ઉનાળો આવે એટલે એવું લાગે કે સૂર્યદેવ આખા દેશ સાથે પર્સનલ વેર કાઢવા આવ્યા છે.

એને કારણે સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી કચકચાવીને ગરમી પડે છે. `સુપ્રભાત' બોલતા પહેલાં જ `પરસેવા પ્રભાત' થઈ જાય છે. બહાર નીકળો એટલે એવું લાગે કે જાણે કોઈએ ગરમ તવા પર ધીમા તાપે શેકવા મૂકી દીધા છે. રસ્તા પર ફરતા બધા જ માણસો મોંઢે કપડું, માથે ટોપી, ગોગલ્સ એવું બધું ઠઠાડીને બુકાનીધારી ડાકુ બનીને ફરતા જોવા મળે છે. ઉનાળામાં ફેશન એક ભેદી ટ્વિસ્ટ લઈ લે છે. `ફૂટડા જવાનિયા' હાફ પેન્ટ, જર્સી અને સ્લીપર પહેરી રખડવા માંડે છે. યુવતીઓ ફુલ બોડી કવર થાય એવા ડ્રેસ પહેરીને ફરે છે. કાકાઓ બરમુડા અને બનિયાનમાં `કૂલ ડ્યૂડ' બની જાય છે, જ્યારે કાકીઓ પહોળા પહોળા પલાઝો, ટૂંકી ટૂંકી કુર્તીઓ પહેરી આંટા મારે છે. દાદાઓ કોટનના લેંઘા અને સદરા પહેરી હીંચકે ઝૂલે છે. સામે દાદીઓ સો ટકા સુતરાઉ સાડી બ્લાઉઝમાં `મહાલતી' જોવા મળે છે. ટૂંકમાં, બધા ઉનાળા સ્પેશિયલ વાઘા સજી ફરતા જોવા મળે છે. બપોર પડે એટલે ઘરમાં સૌથી ઠંડી જગ્યા શોધવાની ઓલિમ્પિક શરૂ થાય. ભીનાં પોતાં કરી ફાસ્ટ પંખા ચાલુ થઈ જતા હોય છે. કોઈ ફ્રીઝ ખોલીને અંદર બેસાય કે નહીં એવો વિચાર કરતા હોય છે.

કોઈ કૂલર સામે બેસીને ભેજવાળા ઠંડા પવન ખાતાં ખાતાં પોતાને હિમાલયના યોગી સમજવા માંડતા હોય છે. અમુક ખેલાડીઓ તો ઠંડક મેળવવા થોડી થોડી વારે ફ્રીઝનો દરવાજો ખોલ બંધ કરતા હોય છે. એમની આ હરકતથી ફ્રીઝ પણ વિચારતું હોય છે `અલ્યા એ, મને પણ થોડી પ્રાઈવસી તો આપ ડોબા.' ઠંડા પાણીની બોટલ માટે ઘરમાં યુદ્ધ ચાલતું હોય છે `આ મારી.' `ના, મેં પહેલાં જોઈ એટલે આ મારી.' ખાલી બોટલ ભરીને ન મૂકનારને રીઢો ગુનેગાર જાહેર કરવામાં આવે છે. ઉનાળો એ કેરી ખાવાની, કેરીનો રસ ઢીંચવાની સિઝન છે. `આ ફળ છે, એની કેલરી કાઉન્ટ ન થાય, એનાથી સુગર ન વધે' એવું બોલી ડાયટિંગ કરનારા કે ડાયાબિટીસવાળા પણ કેરીઓ ઝાપટવા માંડે છે.

  આ સાથે ઉનાળો એ આઈસક્રીમ, બરફગોળા, ઠંડા શરબતોની જયાફત ઉડાડવાની પણ સિઝન છે. ડેઈલી એક્ટિવિટીની વાત કરીએ તો અમુક `ઉસ્તાદો કે ઉસ્તાદ' દરરોજ નવા મોલમાં ફરવા પહોંચી જતાં હોય છે. અલ્યા ભૈ, ખરીદી કરવા નહીં. એ લોકો ત્યાં એટલે ધસી જતાં હોય છે, કેમ કે એ મોલ સેન્ટ્રલ એસી હોય છે અને એમને મફતમાં ઠંડી હવા ખાવા મળે છે.ઉનાળામાં પ્રાણીઓની પથારી ફરી જતી હોય છે. કૂતરાઓ વાહનો નીચે ઘૂસીને જીભ બહાર કાઢીને હાંફતાં બેસી રહે છે. ગાયો ઝાડના છાંયડામાં બેસી `છાયાસન' કરતી જોવા મળે છે. પક્ષીઓ પણ આખો બપોર ગેબી રીતે ગાયબ થઈ જતાં હોય છે. સાંજ પડેને ગરમી થોડી ઓછી થાય ત્યારે ઊડાઊડ કરી મૂકે છે. ખરી મજા તો સાંજે જ શરૂ થાય છે. સૂરજ ઢળે એટલે આખું શહેર જીવતું થઈ જાય. બાળકો રમવા નીકળી પડે છે. કાકાઓ સોસાયટીના કોમનપ્લોટમાં, ઘરમાં રાજકારણની ચર્ચા શરૂ કરે છે. કાકીઓ ઓટલે બેસી ગામ આખાની ચોવટ કરે છે. યંગ છોકરા-છોકરીઓ ગાર્ડનમાં ચક્કર મારવા માંડે છે.

સમરની નાઈટ એટલે ઉનાળાના દિવસનો `ગ્રાન્ડ ફિનાલે'. આપણે ત્યાં ઉનાળાની રાતોમાં અગાસીએ, ધાબે, છત પર સૂવાની પરંપરા છે. ઘરમાંથી ગાદલા, ચાદર, તકિયા લઈને આખી ફેમિલી છત પર જાણે કે `કેમ્પિંગ' કરે છે. કોઈ પથારીમાં પડ્યા તારાઓ જુએ, કોઈ મચ્છરો સાથે યુદ્ધ કરે. મચ્છરોને પણ ત્યારે `ઓપન બુફે', મહાભોજ જેવું લાગે. મધરાતે અચાનક પવન આવે તો કુદરતી ફ્રી એસી ચાલુ થયું હોય એવી ફીલિંગ આવે. બસ આ રીતે આપણે ત્યાંનો ઉનાળો બધી ઉંમરના લોકો, સ્ત્રી-પુરુષ અને પ્રાણીઓ માટે એકસમાન અનુભવ આપનારો બની રહે છે. પરસેવો વહી જાય, બિલ વધી જાય અને સાથે સાથે `હસી-મજાકમાં' આ ગરમીના દિવસો પણ સહન થઈ જાય. આમેય આપણે ત્યાં વરસમાં 15 દિવસ ઠંડી પડે છે અને 15 દિવસ વરસાદ પડે છે, બાકી 11 મહિના તો ઉનાળો જ હોય છે. ખરુંને?

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો