કામની બાબતમાં અમુક માણસો એવું કહેતા હોય છે કે, `કલ કરે સો આજ કર, આજ કરે સો અબ.' પરંતુ આપણા સમાજના ઘણા ખરા લોકો કોઈ પણ કામને થોડા સમય પછી કરવાની વૃત્તિવાળા હોય છે. `ફુરસદ મળે ત્યારે કામ પતાવીશું' એ એમનો જીવનમંત્ર હોય છે. `આજ કરે સો કલ ક2, કલ કરે સો પરસો. ઇતની જલ્દી ક્યા હૈ ભૈયા, જીના હૈ જબ બરસોં.'
કોઈ પણ કામને પાછું ઠેલવામાં, ટલ્લે ચડાવવામાં આપણને અનોખા પ્રકારનો આનંદ આવતો હોય છે. આમેય `બેઝિકલી' આપણને બધાયને `કામ ન કરવામાં' ખૂબ મજા આવતી હોય છે. માથે આવી પડેલા કામમાંથી સિફતપૂર્વક છટકી જવામાં આપણને જોરદાર જલસો પડી જતો હોય છે. કામ પાછું ઠેલ્યા કરવું, ટલ્લે ચડાવ્યા કરવું, ટાળ્યા કરવું એવી બધી વૃત્તિઓને અંગ્રેજી ભાષામાં `PROCRASTINATION' (પ્રોક્રેસ્ટિનેશન) કહેવામાં આવે છે. જેને સાદી ભાષામાં આપણે `કામને લટકાવ્યા કરવું' કહીએ છીએ.
આપણે બધાને જ્યારે કોઈ કામ ન કરવું હોય ત્યારે મોટાભાગે આપણે એ કામને `કાલ' ઉપર ટાળી દેતા હોઈએ છીએ. એવાં અનેક કામો હોય છે જે આપણે `બસ, કાલથી જ' શરૂ કરવાના હોઈએ છીએ, પણ શરૂ કરતા જ નથી. બસ, લટકાવ્યા કરીએ છીએ.
આપણા સ્કૂલ-કોલેજના દિવસોને યાદ કરો. પરીક્ષાઓ નજીક આવે ત્યારે આપણે થોડા ઘણા ટેન્શનમાં આવવા માંડતા હતા. ત્યારે આપણે મનથી નક્કી કરતા કે, `બસ, હવે કાલથી વાંચવાનું શરૂ કરી જ દેવું છે.' પણ આપણી એ `કાલ' ક્યારેય પડતી જ નહોતી. પછી તો ધીમે ધીમે `કાલ કાલ' કરતાં એક્ઝામનો દિવસ આવી જતો અને પછી તો છેલ્લે-છેલ્લે રાતોની રાતોના ઉજાગરા કરી વાંચવાની કોશિશ કરતા, પણ ત્યારે એટલું બધું બાકી હોય કે જાતે ને જાતે જ નક્કી કરી લેતા કે, `આ તો ન પુછાય' એટલે એ છોડી દેતા. આવું બધું ગુપચાવી-ઓમિટ કરી પરીક્ષાના હોલમાં જઈએ ત્યાં સુધી `છેલ્લી નજર' મારી લેવાની કોશિશ કરતા. (પરીક્ષા સમયે આપણે જોયું જ છે કે પરીક્ષા આપવા જનારને કોઈ મૂકવા આવતું હોય ત્યારે એ `પરીક્ષાર્થી' સ્કૂટર પર પાછળ બેસીને વાંચતા હોય છે.) આમ બધું `કાલ' પર ટાળવામાં ને ટાળવામાં છેક છેલ્લે સુધી ટેન્શન આપણે વહોરી લેતા હોઈએ છીએ.
એવી જ રીતે કસરત કરવાનું, ચાલવા જવાનું, શરી2 ઉતારવાના પ્રયત્નો કરવાનું, યોગ-પ્રાણાયામ કરવાનું, આચરકૂચર ખાવાનું બંધ કરવાનું, ખોરાક ઉપર કાબૂ મૂકવાનું આ બધાં જ કામ આપણે `કાલ' ઉપર ટાળ્યા કરતા હોઈએ છીએ. ચાલવા-દોડવા માટે મસ્ત મજાના મોંઘાદાટ જોગિંગ શૂઝ લઈ આવીએ છીએ, ટ્રેક સૂટ લઈ આવીએ છીએ, પણ ચાલવા-દોડવા જતા નથી. કસરત કરવા હેલ્થ ક્લબમાં ફી ભરી આવીએ છીએ. યોગ ક્લાસીસમાં નામ લખાવી આવીએ છીએ, પણ જતા નથી. સારો સમતોલ ખોરાક ખાવા ડાયટિશિયનોને મળી આવીએ છીએ. જાતજાતના ચાર્ટ બનાવીએ છીએ, પણ ખાવાની આદતો બદલતા જ નથી. ડાયટિંગ જેવું કંઈ કરતા જ નથી અને કદાચ જો આમાંનું કંઈક `ધારો કે' ચાલુ પણ કરીએ તો `આરંભે શૂરા'ની જેમ બે-ચાર દહાડા જ અમલમાં મૂકી પછી `કાલ' ઉપર એને ટાળી દઈએ છીએ અને લાવેલી બધી વસ્તુઓ બૂટ, ટ્રેક સૂટ ધૂળ ખાવા માંડે છે. બધા જ પ્લાન ઓલવાઈ જાય છે.
ઓફિસોમાં પણ કામને ટાળવાની, ટલ્લે ચડાવવાની વૃત્તિ-પ્રવૃત્તિ તો ખૂબ જ પૂર બહારમાં ખીલેલી જોવા મળતી હોય છે. એને લીધે જ તો બધી ઓફિસોમાં પેન્ડિંગ કામ ફાઇલોના ઢગલેઢગલા જોવા મળતા હોય છે. જ્યાં સુધી માથા પર બરાબર તવાઈ ન આવે, ઉપર અધિકારીઓ આપણને ધમકાવે-તતડાવે, એક્શન લેવાની `ભપકી' ન આપે ત્યાં સુધી આપણે એ કામ કરતા નથી અને એમાંયે `બહુ જ બબાલ' થવાની હોય માત્ર એ જ કામ પૂરું કરીએ છીએ, બાકીનાં કામ તો `ત્યાં ને ત્યાં જ' પડ્યાં રહે છે.
કામ ન કરવા માટે, કામને ટાળવા માટે આપણી પાસે લાખો-કરોડો બહાનાં પણ હાજર સ્ટોકમાં મોજૂદ હોય છે. જેમાં તબિયત ખરાબ હોવી, ઘરમાં કોઈ અંગતની માંદગી હોવી, નજીકના સગાનું ગુજરી જવું, (મેં મારાં અનેક સગાંઓને અઢળકવાર મારી નાખ્યાં છે. મારા એક ફૂવા તો સાત વાર ગુજરી ગયા છે.) આવાં તો સામેવાળા ગાંડા થઈ જાય એવાં કંઈકેટલાંયે `ઇનોવેટિવ' બહાનાં આપણે કાઢીએ છીએ. હા, કેટલીકવાર એ સાચાં પણ હોય છે, પણ `પ્રોક્રેસ્ટિનેશન'વાળા મોટાભાગે ખોટાં હોય છે.
કામ ટાળવા કરતાં કામ કરવું એ રાહત આપનારું જ છે, પણ કામને ટલ્લે ચડાવવા જેવી એમાં `થ્રિલ' ક્યાં છે હેં?