ઉનાળો એટલે વેકેશન, વેકેશન એટલે ફરવા જવું, ફરવા જવું એટલે ટ્રેનની મુસાફરી. આપણે ત્યાં ટ્રેનની મુસાફરી એ રોમાંચક ઘટનાઓની હારમાળા છે. જેની શરૂઆત ટ્રેનમાં રિઝર્વેશન કરાવવાથી થાય છે.

ટ્રેન ટિકિટનું રિઝર્વેશન કરાવવા સ્ટેશને જેવું પડે છે, ઑનલાઇન જાતે બુક કરવી પડે છે અથવા એજન્ટને `ટિકિટની સોપારી' આપવી પડે છે. કન્ફર્મ ટિકિટ મળી જાય ત્યારે એવું લાગે છે જાણે પરીક્ષામાં ડિસ્ટિંક્શન માર્ક આવ્યા હોય, પણ આરએસી કે વેઇટિંગ હોય તો લોકો શેરબજારની જેમ રોજ ચેક કરતા રહે છે, `આજે કેટલું ખસ્યું?' અને પ્રવાસનો દિવસ આવી જાય છે.

લોકો હૈસોહૈસો કરતા સ્ટેશને ધસી જાય છે. અમુક લોકો તો ઘર બદલી રહ્યા હોય એટલો બધો સામાન લઈને ધક્કામુક્કી કરતા ટ્રેનમાં ચડે. સૂટકેસ, થેલા, નાસ્તાના ડબ્બા, પાણીના કેરબા એવો બધો ઢગલો સામાન સીટની ઉપર, નીચે ચારે બાજુ ખડકી દે. પોતાની સીટ ન હોવા છતાં બીજાની સીટ પર સામાન ગોઠવી દે. જેની સીટ હોય એની સાથે રાડારાડી થાય.

ટ્રેન ચાલુ થાય એટલે બધા એડજેસ્ટ કરી, સીટો અદલાબદલી કરી ધીમે ધીમે ઠરીઠામ થઈ ગોઠવાય. હવે નાસ્તા-પાણીનો કાર્યક્રમ શરૂ થાય. ઘરમાંથી લાવેલાં થેપલાં, અથાણું, ચેવડો, ચવાણું પૂરી, બિસ્કિટ એ બધાના ડબ્બાઓ ખૂલે. સાથે ટ્રેનમાં ચા-કોફી, કોલ્ડ્રિંક, સેન્ડવિચ, વડાપાંઉ, સમોસાં વેચનારા નાકમાંથી તીણા અવાજે બૂમો પાડતા આવે. એમની પાસેથી બધું જ લેવાય. પછી ખાણી-પીણીની જયાફત શરૂ થાય. ટ્રેનનો ડબ્બો પિકનિક સ્પોટ બની જાય. આજુબાજુમાં બેઠેલા અજાણ્યા લોકો એકબીજાને નાસ્તા ઓફર કરવા માંડે અને થોડા જ સમયમાં અજાણ્યા માણસો સાથે નાસ્તા-સંબંધ બંધાઈ જાય.

નાનાં બાળકો ટ્રેનને પોતાનું પ્લેગ્રાઉન્ડ સમજી એક સીટથી બીજી સીટ સુધી દોડાદોડ કરે, ઉપરની બર્થ પરથી ઊંધા લટકે અને કોકની બોટલ ઢોળી દે. કોઈ ટેણિયુ પડે અને રોકકળ થાય.

આ બધા વચ્ચે એક ખૂણે અંતાક્ષરીની રમત શરૂ થાય. બીજા બધા પણ એમાં જોડાઈ જાય. આખો કોચ ગાયકમંડળી બની જાય. કોઈ સૂરથી બહાર ગાય, કોઈ શબ્દ ભૂલી જાય. કોઈ કાકા તો એકદમ જૂના જૂના ગીતો ગાઈ અંતાક્ષરીની `વાટ' લગાડી દે.

ક્યાંક પત્તાંની રમત શરૂ થાય. કોઈ ચીટિંગ કરે, હસાહસી થાય. આ બધાની વચ્ચે કોઈ બે જણની આંખો મળે. નામ પુછાય, ગામ પુછાય, ફોનનંબરની આપ-લે થાય. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે, ટ્રેન સફરનો ટેમ્પરરી પ્રેમ ફૂટી નીકળે.

મોબાઇલનો યુગ છે એટલે કેટલાક લોકો આખો સમય વીડિયો જોતા બેસે. એકબીજાને મીમ બતાવે અને ખડખડાટ હસે. કોઈ તો એટલા ઊંચા અવાજે વીડિયો ચલાવે કે આખો કોચ સીરિયલ જોઈ લે! અને પછી કોઈ લાંબા થઈને સૂઈ જાય. પોતાની સીટ તો ઠીક, બાજુની પણ રોકી લે. આ વાતે ક્યાંક બબાલ પણ થાય.

ત્યારે જ ટીસી આવે એટલે અને ભેદી અવાજે બધાને કહે `ટિકિટ બતાવો.' લોકો આઘાપાછા થવા માંડે. ચાર ટિકિટમાં છ લોકો હોય ત્યાં ટીસી સાથે માથાકૂટ થાય. `સાહેબ, બાળક છે, થોડું કરી આપોને પ્લીઝ.' અને કોઈ ગેબી રીતે બધાની વ્યવસ્થા થઈ જાય.

રાત્રે સૂવાનો કાર્યક્રમ સૌથી વધુ મજેદાર હોય છે. ચાર ટિકિટ હોય, આઠ જણા હોય, ત્યાં એક સીટ પર બે જણા લંબાવે. એકના પગ હોય ત્યાં બીજાનું માથું આવે એમ ઊંધા ચત્તા સૂઈ જાય. કોઈ નીચે છાપું પાથરીને સૂઈ જાય. ઘોડિયાની જેમ હાલકડોલક થતી ટ્રેનમાં બધા ઝૂલતાં ઝૂલતાં ઘોંટાઈ જાય છે.

સવારે સ્ટેશન આવવાના અડધો કલાક પહેલાં જ લોકો ઘોંઘાટ કરતાં જાગી જાય. સામાન દરવાજા પાસે ગોઠવી દે. છેલ્લું સ્ટેશન હોવાથી ટ્રેન ઊભી રહેવાની જ છે એ જાણવા છતાં બધાને ઊતરવાની જબરી ઉતાવળ હોય છે. ટ્રેન રોકાય એવા લોકો ધક્કામુક્કી કરતાં ઊતરી પડે છે.

અને પછી? સફરમાં ટેમ્પરરી મિત્રો બનેલા `ફરી મળીશું' એવું કહી પોતપોતાના રસ્તે નીકળી જાય છે. કોઈ ફરી મળતું નથી, પણ યાદોમાં એ પ્રવાસ હંમેશાં જીવંત રહે છે. ભારતમાં ટ્રેનપ્રવાસ એ માત્ર એક મુસાફરી નથી, પણ ચાલતો ફરતો કોમેડી ડ્રામા છે, જેમાં મુસાફરો હીરો-હિરોઈન છે અને દરેક કોચ એક મજાનું સ્ટેજ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો