આજકાલ લોકો જેના `બેકાબૂ બંધાણી' થઈ ગયા છે એ મોબાઈલ ફોનના કારણે લોકોની લાઇફમાં અજબ ગજબના ફેરફાર આવી ગયા છે.

એમાં સીધોસાદો ઓડિયો કોલ કરી વાત કરવાની સાથે સાથે હવે એમાં સારી ક્લિયર પિક્ચર ક્વોલિટી સાથે વીડિયો કોલિંગ પણ થઈ શકે છે. વીડિયો કોલિંગમાં સામસામે બંનેને એકબીજાનાં `થોબડાં' દેખાતાં હોવાથી ભવિષ્યમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થવાની છે, લોચા પડવાના છે, બબાલો થવાની છે. વીડિયો કોલિંગના કારણે આપણા માટે ખોટું બોલવું અઘરું થઈ જવાનું છે. અત્યાર સુધી કોઈનો પણ ફોન આવે ત્યારે આપણે બિન્ધાસ્ત-બેધડક ખોટું બોલી દેતા હતા. જાતજાતનાં ચિત્રવિચિત્ર બહાનાં કાઢી સિફતથી છટકી જતા હતા, પણ હવે આ વીડિયો કોલિંગના કારણે `બેફામ બહાનેબાજો' બરાબ2ના સલવાઈ જવાના છે. સામેવાળી `પાલટી' શું કરી રહી છે, એ ક્યાં છે, કોની સાથે છે, કઈ હાલતમાં છે એ બધું વીડિયો કોલિંગમાં દેખાતું હોવાથી પકડાઈ જવાના ચાન્સીસ વધી જવાના છે, પણ એનાથી બચવાના અંતરંગી ઉપાયો અમે શોધી કાઢ્યા છે. તો વિશ્વના તમામ ખોટાબોલા ખડૂસોના લાભાર્થે `વીડિયો કોલિંગ દ્વારા ઊભા થનારા પ્રશ્નો અને તેનું નિરાકરણ' અત્રે પ્રસ્તુત છે.

કોઈનો પણ ફોન આવે ત્યારે આપણું એક બહાનું ખૂબ કોમન છે `બસ, જો રસ્તામાં જ છું.' આપણે કોઈને ત્યાં સાડા દસે પહોંચવાનું હોય અને પોણા અગિયારે એનો ફોન આવે ત્યારે આપણે સોફામાં લાંબા પગ કરી ટીવી જોતા હોઈએ ત્યારે આપણે ફટ દઈને બોલી દઈએ છીએ, `રસ્તામાં જ છું', પણ વીડિયો કોલિંગમાં આ બોલવું શક્ય નહીં બને. આવા સંજોગોમાં ભીડભાડ, ટ્રાફિકના ફોટા કે વીડિયોવાળો પડદો ઘરમાં વસાવવો પડશે. સાથે ટ્રાફિકના અવાજની સીડીને પ્લેયરમાં લગાડી રાખવી પડશે. જ્યારે પણ `રસ્તામાં છું' એ બહાનું કાઢવું હોય ત્યારે પણ પડદા આગળ ઊભા રહી ઘોંઘાટનો વીડિયો અને ઓડિયો સીડી પ્લે કરી એ બહાનું કાઢી શકશો. બીજું જાણીતું બહાનું છે, `મારા ઘરે મહેમાન આવ્યા છે.' વીડિયો કોલિંગમાં આ બહાનાને મજબૂતાઈ પૂરી પાડવા ઘરમાં સ્ત્રી, પુરુષ અને બાળકોનાં પૂતળાં ખરીદી રાખવાં પડશે. દુકાનોની બહાર જે `મેનિક્વીન' એટલે કે પૂતળાં ઊભેલાં, બેઠેલાં હોય છે તેને લાવી ઘરમાં ગોઠવી દેવાં પડશે અને તમે જ્યારે `ઘરમાં મહેમાન છે' એવું વીડિયો કોલમાં બોલો ત્યારે બેકગ્રાઉન્ડમાં એમને દેખાડવા પડશે. એમની વેશભૂષા, હેરસ્ટાઇલ વગેરે પોતાના ઘરની રહેણીકરણી મુજબનાં રાખવાં. નહીંતર દેશીના ઘરમાં સૂટેડબૂટેડ કે `હિપ હોપ હિપ્પી' જોઈ સામેવાળો છળી મરશે અને ભાંડો ફૂટી જશે.

ફોન આવે ત્યારે ઘણા લોકો, `હું અત્યારે બહારગામ છું' આવું બોલી દેતા હોય છે. તો એવા સંજોગો તમે જે જગ્યાનું બહારગામવાળું બોલવાના હોવ, ત્યાંના પોસ્ટર લાવી એની આગળ ઊભા રહી વીડિયો કોલમાં વાત કરવી, પણ જે તે જગ્યાનું જ પોસ્ટર હોય તેની ખાસ કાળજી લેવી. તમે `વેરાવળ છું' એવું કહો અને પાછળ વોશિંગ્ટન, વ્હાઇટ હાઉસનો ફોટો હોય તો એવી ભૂલ અમેરિકાના પ્રેસિડેન્ટ પણ ન ચલાવે.

ઘણીવાર આપણે `ચોક્કસ પ્રકારનું પીણું' પીવા માટે બેઠા હોઈએ ત્યારે કોઈનો ફોન આવે તો `મારા એક ઓળખીતાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હું હોસ્પિટલમાં બેઠો છું' એવું બોલી દઈએ છીએ. તો એવા સમયે આજુબાજુના લોકોને ગંભીર મોઢાં રાખી બેસવાનું કહેવાનું. આમેય પીણું પીધા પછી એમનાં મોઢાં ગંભીર જ થઈ ગયાં હશે. પીવાનું પીણું પહેલેથી જ દવાની બોટલોમાં ભરી મૂકવું, જેથી દવાખાના જેવું વાતાવરણ લાગે.

ઘણી વાર તમે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે લપાઈ છુપાઈને ક્યાંક બેઠા હોવ, મીઠી `ગુફ્તગો' કરતાં `છાનગપતિયાં' કરતાં હોવ અને અચાનક `ઘરેથી' ફોન આવી જાય ત્યારે તમે `લાળા ચાવવા' માંડતા હોવ છો, જેને કારણે ઝડપાઈ જવાના ચાન્સીસ વધી જતા હોય છે. આવા સંજોગોમાં સાથે સફેદ સાડી અને મોતિયા પછી પહેરવાના મોટા `ડાબલા જેવાં' કાળાં ગોગલ્સ સાથે રાખવાનાં. જેવો `ઘરેથી' ફોન આવે કે તરત એ `ખુફિયા' વ્યક્તિને માથે સફેદ સાડી ઓઢાડી, મોતિયાનાં ગોગલ્સ પહેરાવી વીડિયો કોલમાં કહેવાનું, `અત્યારે હું વૃદ્ધાશ્રમમાં એક ડોશીને ફ્રૂટ ખવડાવવા આવ્યો છું.' તમારા આવા પુણ્યશાળી વાક્યની ધારી અસ2 પડશે અને તમારો સંસાર (કદાચ) બની જશે. આવું બધું ન જ કરવું હોય તો એક અને માત્ર એક શ્રેષ્ઠ ઉપાય છે કે ફોન ઉપાડવાનો જ નહીં અને પછી બેધડક કહી દેવાનું ફોન સાયલન્ટ પર હતો, રિંગ સંભળાઈ જ નહોતી. ચાલો હવે હું અટકું છું, કેમ કે મને એક `ખાસ' વીડિયો કોલ આવ્યો છે. હું આમાંનો એક ઉપાય અજમાવી જોઉં છું.