મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં મુલશી ખીણની હરિયાળી ટેકરીઓ અને વરસ્ગાંવ ડેમના કિનારે વસેલું લવાસા ભારતનું પ્રથમ આયોજિત હિલસ્ટેશન છે. ઇટાલીના સુંદર શહેર `પોર્ટોફિનો'થી પ્રેરિત આ શહેર તેના રંગબેરંગી મકાનો, પથ્થરથી જડેલા રસ્તાઓ અને લેકફ્રન્ટ પ્રોમેનેડ માટે જાણીતું છે. જો તમે વિદેશી વાતાવરણનો અનુભવ ભારતમાં જ કરવા માંગતા હોવ, તો લવાસા એક આદર્શ વિકલ્પ છે. ત્યાંનું સ્થાપત્ય વિશેષ આકર્ષણ ધરાવે છે.


લવાસા એ માત્ર એક ફરવાનું સ્થળ નથી, પરંતુ એક આધુનિક ટાઉનશિપ છે. પશ્ચિમ ઘાટની સાત ટેકરીઓ પર આશરે 25,000 એકર વિસ્તારમાં ફેલાયેલું આ શહેર કુદરતી સૌંદર્ય અને માનવસર્જિત સ્થાપત્યનો અદ્ભુત સંગમ છે. અહીંનાં મકાનોની ડિઝાઇન અને રંગો એવી રીતે પસંદ કરવામાં આવ્યા છે કે જે યુરોપિયન શૈલીની યાદ અપાવે છે. શહેરનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે પ્રવાસીઓ અહીં ચાલીને અથવા સાઇકલિંગ કરીને દરેક ખૂણાનો આનંદ માણી શકે.

લવાસામાં શાંતિ અને સાહસ બંનેનો અનુભવ મળે છે.

લેકફ્રન્ટ પ્રોમેનેડ : વરસ્ગાંવ સરોવરના કિનારે આવેલો આ લાંબો રસ્તો લવાસાનું હૃદય છે. અહીં ફરતી વખતે તમે સરોવરની ઠંડી હવા અને આસપાસના પહાડોનો નજારો માણી શકો છો. સાંજના સમયે અહીંની રોશની શહેરને રોમેન્ટિક બનાવી દે છે.

વોટર સ્પોર્ટ્સ : સરોવરમાં બોટિંગ, જેટ સ્કિઈંગ અને કાયાકિંગ જેવી પ્રવૃત્તિઓ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે. ખાસ કરીને યુવાનો અને પરિવારો માટે આ એક આકર્ષણનું કેન્દ્ર છે.

ટેમ્ઘર ડેમ : લવાસા જતી વખતે રસ્તામાં આવતો આ ડેમ પિકનિક માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીંથી આજુબાજુની ખીણોનો નજારો અત્યંત સુંદર દેખાય છે.  

એડવેન્ચર એક્ટિવિટીઝ : લવાસામાં ટ્રેકિંગ, હાઈકિંગ અને રેપલિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ માટે પણ અનેક તકો છે. પશ્ચિમ ઘાટનાં જંગલોમાં ટ્રેકિંગ કરવું એ પ્રકૃતિપ્રેમીઓ માટે એક લહાવો છે.

દાસવે વ્યૂ પોઇન્ટ : અહીંથી આખા લવાસા શહેર અને સરોવરનો વિહંગમ નજારો જોઈ શકાય છે.

લેકફ્રન્ટ પર અનેક પ્રકારની રેસ્ટોરાં અને કાફે આવેલાં છે, જ્યાં તમે ભારતીય, ઇટાલિયન અને અન્ય આંતરરાષ્ટ્રીય વાનગીઓનો આનંદ માણી શકો છો. અહીંનું વાતાવરણ રજાઓ ગાળવા માટે અને ઓફિસના તણાવથી દૂર રહેવા માટે ઉત્તમ છે. ઘણા લોકો અહીં `વર્ક ફ્રોમ હિલ' માટે પણ આવે છે.

લવાસાની મુલાકાત લેવા માટે ચોમાસુ (જૂનથી સપ્ટેમ્બર) અને શિયાળો (ઓક્ટોબરથી માર્ચ) શ્રેષ્ઠ સમય છે. ચોમાસામાં અહીંના પહાડો લીલાછમ થઈ જાય છે અને ઠેર-ઠેર નાના ધોધ જોવા મળે છે, જે વાતાવરણને સ્વર્ગ જેવું બનાવી દે છે. ઉનાળામાં અહીં થોડી ગરમી હોઈ શકે છે, પરંતુ સાંજનું વાતાવરણ હંમેશાં આહ્લાદક રહે છે.

લવાસા એ પ્રકૃતિ અને આધુનિક જીવનશૈલીનું સુંદર મિશ્રણ છે. જો તમે તમારા પરિવાર કે મિત્રો સાથે વીકએન્ડમાં કોઈ શાંત અને સુંદર જગ્યાએ જવા માંગતા હોવ, તો લવાસા તમારી યાદીમાં ચોક્કસ હોવું જોઈએ.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: