કુરુક્ષેત્રના રણમેદાનમાં શરશય્યા પર પોઢેલા પિતામહ ભીષ્મ માત્ર એક યોદ્ધા જ નહોતા, પરંતુ તેઓ એક પ્રખર રાજનીતિજ્ઞ અને મેનેજમેન્ટ ગુરુ પણ હતા. શાંતિપર્વમાં યુધિષ્ઠિરને આપેલો તેમનો ઉપદેશ એ આજના કોર્પોરેટ જગતના લીડર્સ અને મેનેજર્સ માટે એક જીવંત બ્લૂપ્રિન્ટ સમાન છે. પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને આપેલી લીડરશિપ અને મેનેજમેન્ટની અનેક સલાહો એ વાતની સાક્ષી પૂરે છે કે એક સફળ લીડર એ જ છે જે માત્ર પુસ્તકોમાંથી જ નહીં, પરંતુ પ્રકૃતિના અદના જીવો પાસેથી પણ શીખવાની ક્ષમતા રાખતો હોય. પિતામહના મતે, વન્યજીવન અને પક્ષીઓની લાક્ષણિકતાઓ એ મેનેજમેન્ટના એવા સિદ્ધાંતો છે જે હજારો વર્ષો પછી પણ એટલા જ પ્રસ્તુત છે. તો આજે નજર કરીએ એવી મેનેજમેન્ટ્સ ટિપ્સ પર, જેને ભીષ્મે પ્રાણીઓ પાસે શીખવા કહ્યું છે.
એક આદર્શ લીડર માટે પિતામહ ભીષ્મ સિંહનું ઉદાહરણ આપે છે. સિંહ પાસેથી `સિંહાવલોકન'ની કળા શીખવા જેવી છે. એક લીડર કે મેનેજર જ્યારે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરે, ત્યારે તેણે સિંહની જેમ આગળ વધતી વખતે પાછળ ફરીને પણ જોવું જોઈએ કે તેની ટીમે કેટલી પ્રગતિ કરી છે અને ક્યાં ક્ષતિ રહી ગઈ છે. સિંહ ક્યારેય નાના શિકાર પાછળ પોતાની શક્તિ વેડફતો નથી; એ જ રીતે એક કુશળ લીડરે `માઈક્રો-મેનેજમેન્ટ'માં અટવાવાને બદલે મોટાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સિંહની ગર્જના જેવો આત્મવિશ્વાસ અને પોતાની ટેરિટરી (કાર્યક્ષેત્ર) પરનું પ્રભુત્વ એ એક ટોપ-લેવલ મેનેજરના અનિવાર્ય ગુણો છે.
લીડરશિપમાં `તકસાધુતા' નહીં, પણ `તકની પરખ' હોવી જરૂરી છે, જે પિતામહ બગલા પાસેથી શીખવાનું કહે છે. બગલો એક પગે ઊભો રહીને શાંતિથી માછલીની રાહ જુએ છે. આ `એકાગ્રતા' અને `ધીરજ' એક મેનેજર માટે ખૂબ જરૂરી છે. બજારની વધઘટ કે પ્રોજેક્ટની કટોકટી વખતે લીડરે બગલાની જેમ સ્થિર રહીને યોગ્ય તકની રાહ જોવી જોઈએ અને જ્યારે તક મળે ત્યારે પૂરી તાકાતથી તેની પર તરાપ મારવી જોઈએ. બગલાની જેમ મેનેજરે પોતાના લક્ષ્ય પરથી ધ્યાન હટાવ્યા વગર પરિસ્થિતિનું અવલોકન કરવું જોઈએ.
મેનેજમેન્ટમાં `રિસોર્સ ઓપ્ટિમાઈઝેશન' અને `સતર્કતા' માટે પિતામહ કૂતરાના ગુણોનું વર્ણન કરે છે. કૂતરો અલ્પ નિદ્રાધીન હોય છે અને જરા પણ અવાજ થાય તો તર્કશક્તિથી જાગી જાય છે. એક મેનેજરે પણ પોતાના વિભાગમાં થતી નાની-નાની હિલચાલ પ્રત્યે આટલા જ સતર્ક રહેવું જોઈએ. કૂતરો પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે, તેમ લીડરે પોતાની સંસ્થા અને તેના વિઝન પ્રત્યે અત્યંત વફાદાર રહેવું જોઈએ. વળી, કૂતરો જરૂર પડ્યે આક્રમક બને છે અને બાકીના સમયે શાંત રહે છે. લીડરે પણ પોતાની ટીમને શિસ્તમાં રાખવા માટે ક્યારે `સોફ્ટ' રહેવું અને ક્યારે હાર્ડ' બનવું તેનો વિવેક કૂતરા પાસેથી શીખવો જોઈએ.
તો વ્યૂહાત્મક પીછેહઠ માટે ભીષ્મ કાચબાનો સંદર્ભ આપે છે. તેઓ કહે છે કે જ્યારે સંકટ આવે ત્યારે કાચબો પોતાનાં ચારેય અંગોને કવચની અંદર ખેંચી લે છે, એ જ રીતે કોર્પોરેટ વર્લ્ડમાં જ્યારે આર્થિક મંદી કે નકારાત્મક સમય ચાલતો હોય, ત્યારે લીડરે આક્રમક થવાને બદલે કાચબાની જેમ પોતાની શક્તિ અને સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ. એક મેનેજરે જાણવું જોઈએ કે ક્યારે મેદાન મારવું અને ક્યારે `લો-પ્રોફાઈલ' રહીને આંતરિક મજબૂતી પર કામ કરવું.
તમને નવાઈ લાગશે કે, શાંતિપર્વમાં કાગડા પાસેથી પાંચ ગુણો શીખવાની વાત કરવામાં આવી છે. એ પાંચ વાતો એટલે, છુપાઈને મૈથુન કરવું (પોતાની પર્સનલ લાઈફ અને સ્ટ્રેટેજી ગુપ્ત રાખવી), હિંમત રાખવી, સંગ્રહ કરવો, સતત સાવધ રહેવું અને કોઈ પર જલદી વિશ્વાસ ન કરવો. એક આધુનિક મેનેજર માટે કાગડાની `ટીમવર્ક'ની ભાવના અદ્ભુત છે. કાગડો ક્યારેય એકલો ખાતો નથી, તે કાં-કાં કરીને આખા સમુદાયને બોલાવે છે. લીડરે પણ પોતાની સફળતા કે લાભમાં આખી ટીમને સહભાગી બનાવવી જોઈએ. વળી, કાગડાની જેમ મેનેજરે `પરોક્ષ વિઝન' રાખવું જોઈએ, જેથી તે આવનારાં જોખમોને વહેલાં પારખી શકે.
લીડરશિપમાં અનુકૂલન ક્ષમતા એટલે કે એડેપ્ટિબિલિટી માટે ગાય અને તેના વાછરડાનું ઉદાહરણ અપાયું છે. ગાય ગમે તેટલા ટોળામાં હોય, વાછરડું તેની માતાને શોધી જ લે છે. તેમ ડેટા અને માહિતીના ઢગલા વચ્ચેથી એક મેનેજરે સાચી અને ઉપયોગી માહિતી તારવી લેતા શીખવું જોઈએ. વળી, ગાય જે રીતે કાંટાવાળા ઘાસમાંથી પણ દૂધ આપે છે, તેમ લીડરે પ્રતિકૂળ સંજોગોમાં પણ પરિણામ આપવાની ક્ષમતા કેળવવી જોઈએ.
સતત શીખતા રહેવા માટે પિતામહ કીડીનું ઉદાહરણ આપે છે.
કીડી પોતાના વજન કરતાં દસ ગણું વજન ઉપાડી શકે છે અને ક્યારેય થાકતી નથી. `પર્સિસ્ટન્સ' એટલે કે મક્કમતા એ મેનેજરનો સૌથી મોટો ગુણ છે. કીડીઓ જે રીતે હરોળબદ્ધ ચાલે છે, તે લીડરશિપમાં `સિસ્ટમ' અને `ડિસિપ્લિન'નું મહત્ત્વ સમજાવે છે. નાનામાં નાના કર્મચારી (કીડી) પાસે પણ જો ચોક્કસ પ્લાનિંગ હોય, તો તે મોટા પર્વત જેવો પ્રોજેક્ટ પણ પાર પાડી શકે છે.
આ ઉપરાંત પિતામહ ભીષ્મે ગરુડ પક્ષી દ્વારા વિઝનરી લીડરશિપની વાત કરી છે. ગરુડ આકાશમાં ખૂબ ઊંચે ઊડતું હોવા છતાં તેની નજર જમીન પરના શિકાર પર અચૂક હોય છે. એક ટોપ લેવલ લીડરે સંસ્થાના ભવિષ્યના વિઝન પર ધ્યાન આપવાની સાથે સાથે ગ્રાઉન્ડ રિયાલિટી પર પણ નજર રાખવી જોઈએ. ગરુડ તોફાની પવનનો ઉપયોગ ઊંચે ઊડવા માટે કરે છે, તેમ કુશળ મેનેજર વિરોધ કે પડકારોને પોતાની પ્રગતિનું સાધન બનાવે છે.
અને છેલ્લે આવે છે હંસ. હંસ પાસેથી લીડરે `નીર-ક્ષીર' વિવેક શીખવો જોઈએ. દૂધ અને પાણી ભળેલાં હોય તો પણ હંસ માત્ર દૂધ જ ગ્રહણ કરે છે. એક મેનેજર પાસે જ્યારે અનેક પ્રકારનાં મંતવ્યો, અફવાઓ અને ડેટા આવે, ત્યારે તેમાંથી કઈ વાત સંસ્થાના હિતમાં છે અને કઈ નકામી છે, તે અલગ તારવવાની ક્ષમતા હોવી જોઈએ.
છેને અમેઝિંગ? શાંતિપર્વમાં ભીષ્મ પિતામહ દ્વારા સૂચવવામાં આવેલા આ જીવજગતની શીખ આજના મેનેજર્સને એ સમજાવે છે કે લીડરશિપ એ માત્ર સત્તા ભોગવવાની કળા નથી, પરંતુ પ્રકૃતિ સાથે તાલ મિલાવીને, દરેક પરિસ્થિતિમાં લવચીક રહીને અને સતર્કતા સાથે લક્ષ્ય તરફ આગળ વધવાની જીવનશૈલી છે. જે લીડર સિંહ જેવી ગરિમા, બગલા જેવી એકાગ્રતા અને કીડી જેવી મહેનતને પોતાના મેનેજમેન્ટમાં વણી લે છે, તે સંસ્થાને સફળતાના સર્વોચ્ચ શિખરે લઈ જઈ શકે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો