`મારા મનમાં તો ઘણું કહેવાનું છે, પણ અમારા જેવાને તમારી જેમ લખતા ન આવડે.'
આવું ઘણીવાર સાંભળ્યું છે અને જાણકારો સાથે ચર્ચાઓ કરી છે કે લખવું એક કળા છે, આર્ટ છે કે પછી કસબ છે - ક્રાફટ છે?
લખવું જ નહીં, કોઈ પણ સર્જન આર્ટ પણ છે અને ક્રાફટ પણ છે. આ લેખના પહેલા ફકરાનો દાખલો લઈએ તો `મનમાં તો ઘણું કહેવાનું છે' એ આર્ટ છે અને `લખતાં ન આવડે' તે ક્રાફ્ટ છે, એટલે કે અહીં એ ક્રાફ્ટનો અભાવ છે.
મનમાં ઘણું કહેવાનું હોય અને લખતાં પણ આવડે ત્યારે લેખનની આખી પ્રક્રિયા પૂરી થાય. ક્યારેક ઊંધું પણ બને. ઘણા લોકો, ખાસ કરીને વિદેશમાં, લખવાની કળા શીખવતા ક્લાસ ભરીને આવે અને લખવા માંડે. લખવાની કળા શીખવાડી ન શકાય, લખવાનો કસબ શીખવાડી શકાય. જેમ ઍક્ટિંગના ક્લાસ ભરીને તમે ઍક્ટર ન બની શકો, પણ ખરેખર જો તમારી અંદર એક જાગતો કળાકાર હોય તો તમે અભિનયનો કસબ જરૂર શીખી શકો. મહેશ ભટ્ટે વર્ષો પહેલાં પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના સંદર્ભમાં (કે પછી અભિનય શીખવાડતી સંસ્થાઓ વિશે, યાદ નથી) કહ્યું હતું કે યુ કાન્ટ પૉલિશ પેબલ્સ. પથ્થર જેવા દેખાતા રફ હીરાને પૉલિશ કરીને તમે પાસાદાર, ચમકદાર હીરો બનાવી શકો. કાંકરાને ઘસી ઘસીને તમે ડાયમંડ ન બનાવી શકો.
અભિનય જગતમાં જે વાત સાચી છે તે કળાનાં બીજાં માધ્યમો માટે પણ સાચી છે. કળાનાં જ શું કામ, બિઝનેસના ક્ષેત્રમાં પણ આ વાત ઘણી બધી રીતે લાગુ પડે. માત્ર બિઝનેસની નિટીગ્રિટી જાણી લેવાથી સફળ બિઝનેસમૅન બની શકાતું નથી. એ તો કોઈ પણ શીખી શકે. ક્યાંથી માલ લાવવો, કેવી રીતે હિસાબ રાખવો, સ્ટાફ કેવી રીતે મૅનેજ કરવો, પૈસા કેવી રીતે મૅનેજ કરવા, માલ ક્યાં વેચવો, માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશનની ચૅનલો કેવી રીતે ગોઠવવી. આ બધું તો બિઝનેસ મૅનેજમેન્ટ શીખવાડતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશ મેળવીને જાણવા મળી જાય. છતાં આવું શીખેલા બધા લોકો સફળ બિઝનેસમૅન નથી બની શકતા. કારણ? કેમ કે આમાંના મોટાભાગના લોકોમાં બિઝનેસ કરવાની `કળા' નથી હોતી. ટીવીના રિયાલિટી શૉઝના નિર્ણાયકો જેને `એક્સ ફૅક્ટર' કહે છે એ આ જ બલા છે, જે બધામાં નથી હોતી, એ જન્મજાત હોય છે - બહારથી નથી મળતી. કોઈનામાં એ હોય, કોઈનામાં ન હોય. જન્મજાતનો અર્થ એ નથી કે એ વારસામાં મળે. સફળ ઉદ્યોગપતિનાં બે સંતાનો, સગા ભાઈઓ હોવા છતાં એકસરખા સફળ નથી થતા. કોઈ બાપની જેમ મોટો ઉદ્યોગપતિ બને, બાપ કરતાં પણ સવાયો બને તો બીજો ભાઈ ધંધો કર્યા વિના બાપે આપેલા પૈસા માત્ર સાચવીને બેસી રહે તો વધારે કમાય એવો નિષ્ફળ બિઝનેસમૅન પુરવાર થાય. જૂના જમાનાના કેટલાય ઉદ્યોગપતિ કુટુંબોમાં આપણે સૌએ આવા દાખલા જોયેલા છે.
બિઝનેસ કરવાની કળા હોય તો બાકીની નિટીગ્રિટી બિઝનેસ મૅનેજમેન્ટનો કોર્સ કર્યા વિના પણ શીખી શકાય છે. આજની તારીખેય એવા અસંખ્ય સફળ લોકો તમને જોવા મળશે જેઓ કૉલેજમાં પણ ન ગયા હોય. માત્ર સ્ટીવ જૉબ્સની વાત નથી કરતો, બીજા ઘણા એવા નાના-મોટા અત્યંત સફળ બિઝનેસમૅનો આપણા ગુજરાતીઓમાં, ભારતભરમાં અને વિશ્વ આખામાં પથરાયેલા છે. નોર્મલ શિક્ષણ પણ પૂરું પામ્યા ન હોય એવા બિઝનેસમૅનો પોતાનામાં રહેલી બિઝનેસ કરવાની આવડતના જોરે સફળ બનતા હોય છે. આ આવડત એટલે આર્ટ વત્તા ક્રાફ્ટ. આર્ટ હશે તો બિઝનેસ કરવાની ફાવટ ધીમે ધીમે આવી જશે. ક્રાફ્ટ શીખવાનું કામ અઘરું છે, પરંતુ અશક્ય નથી, પણ માત્ર ક્રાફ્ટ આવડતું હોય તો તમારામાં આર્ટ લાવવાનું કામ અશક્ય છે, કારણ કે એ આર્ટ ભગવાનની દેણ છે, કોઈ બિઝનેસ સ્કૂલનો ડિપ્લોમા લઈ લેવાથી કે ઈવન અનુભવ પરથી પણ મળતી નથી.
તમારામાં માત્ર ક્રાફ્ટ હોય તો પણ તમે કામના તો છો જ. આર્કિટેક્ટના નકશા પરથી બિલ્ડિંગ બનાવતા ઈજનેરો કે ઈન્ટીરિયર ડિઝાઈનરના ડ્રોઈંગ પરથી ફર્નિચર બનાવનારા મિસ્ત્રીઓ પોતાના કસબને કારણે વખણાતા હોય છે, કરિયરમાં અને જિંદગીમાં આગળ વધતા હોય છે.
ગણપતિની મૂર્તિઓ બનાવનારાઓ પણ કસબીઓ છે. જ્યારે માઈકલેન્જેલો કે થિન્કરનું શિલ્પ બનાવનારા રોદા જેવા શિલ્પકારો કળાકાર અને કસબી બેઉ છે. આવા શિલ્પકારોને પોતાના મનમાં જે કહેવાનું છે તેની અભિવ્યક્તિ કરતાં આવડે છે.
સર્જનના ક્ષેત્રમાં ઉત્તમ કળાકાર એ જ બને જેનામાં કળા અને કસબ બેઉનો સંગમ હોય. પોતાના ક્ષેત્રની આર્ટ અને ક્રાફ્ટ - આ બંને પર તે મહારત હાંસલ કરે ત્યારે જ તે કળાકાર તરીકે વખણાય. એ કહેવાય ભલે `કળા'કાર પણ એનામાં કળા વત્તા કસબ હોવો જરૂરી છે. કવિતા કે ગઝલ લખવાનો કસબ શીખી શકાય. છંદ કે મીટર શીખવાનું કામ અઘરું નથી. રદીફ-કાફિયા જોડવાનું કામ પણ અઘરું નથી. પ્રાસ મેળવતા તો કોઈને પણ આવડે. (દા.ત.: `મારા હાથમાં ચાકુ છે, કરું હું કોનું ખૂન/ વેલેન્ટાઈનનો દિવસ છે ને ઉપર ફુલ મૂન') પણ જોડકણાબાજીથી કવિતા નથી બનતી; વિચારનું મહત્ત્વ છે. એ પણ ઉછીના નહીં, મૌલિક વિચારોનું મહત્ત્વ છે એટલે જ આખા જગતમાં સાચા કળાકારો રેર જોવા મળે અને જ્યારે જ્યારે જોવા મળે છે ત્યારે એમનું સર્જન આપણામાં સોંસરવું ઊતરી જાય છે, આપણને એમના માટે અહોભાવ જાગે છે. મારા જેવાને તો માત્ર અહોભાવ જ નહીં, એમના માટે ઈર્ષ્યા પણ જાગે છે. કેવી રીતે આ બધા લોકો આવું સરસ સરસ કામ કરી શકતા હશે. સાલુ, આપણે ક્યારે કરી શકીશું એવું? કરી શકીશું ક્યારેય?
સાયલન્સ પ્લીઝ
દરેક વ્યક્તિની ત્રણ જિંદગી હોવાની : પબ્લિક, પ્રાઈવેટ અને સીક્રેટ.
- ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ (નોબેલ પારિતોષિક વિજેતા કોલમ્બિયન નવલકથાકાર: 1927-2014)
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
