રાજેશ ખન્નાએ તેમના સુપર સ્ટારડમ સમયે એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી હતી, પરંતુ એક એક્ટર તરીકે તેમનું શ્રેષ્ઠ કામ ઋષિકેશ મુખર્જી સાથે હતું. ઓછા બજેટની અને પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી સાદગીભરી પણ વાર્તાની દૃષ્ટિએ ગહન કહી શકાય તેવી ફિલ્મો આપનારા ઋષિદાએ ખન્ના સાથે ચાર ફિલ્મો બનાવી હતી : 1971માં આનંદ, 1972માં બાવર્ચી, 1973માં નમક હરામ અને 1978માં નૌકરી. `નૌકરી'ને બાદ કરતાં ત્રણે ફિલ્મોએ બોક્સઓફિસ પર ટંકશાળ પાડી હતી.
`નૌકરી' પણ અનપેક્ષિત રીતે જ ફ્લોપ રહી હતી, બાકી હતી સરસ ફિલ્મ. એ ફિલ્મ આવી ત્યાં સુધીમાં ખન્નાનો સિતારો ઝાંખો પડવા લાગ્યો હતો (વિડંબણા કેવી કે ખન્નાના મનગમતા નિર્દેશક ઋષિદાની `નમક હરામ'માં જ અમિતાભના હાથે જ તેની `શુભ' શરૂઆત થઇ હતી). તે વખતે ખન્નાના જીવનમાં એટલું બધું ચાલતું હતું કે, એક તો આ ફિલ્મ સતત મોડી પડતી રહી હતી, બીજું તેની સરખી પબ્લિસિટી થઇ નહોતી, અને ત્રીજું, તે વખતે મલ્ટિસ્ટાર ફિલ્મોનો ક્રેઝ હતો, એટલે `નૌકરી' દર્શકોના ધ્યાનમાં ન આવી.
પાછળથી તે જ્યારે ટેલિવિઝન પર રિલીઝ થઇ, ત્યારે લોકોને તેની અનોખી વાર્તા અને તેના મુખ્ય કલાકારો, રાજેશ ખન્ના અને રાજ કપૂરના સુંદર અભિનયની સરાહના કરવાનો મોકો મળ્યો (હિન્દી સિનેમાના આ બે દિગ્ગજ કલાકારો પહેલી વાર અને છેલ્લી વાર આ ફિલ્મમાં ભેગા થયા હતા. જોકે, અમિતાભ બચ્ચનની `નસીબ'માં તેમણે એક ગીતમાં ગેસ્ટ તરીકે દેખા દીધી હતી.)
આજે આ ફિલ્મ ક્લાસિક ગણાય છે, પણ બદનસીબે ખન્નાની (અને ઋષિકેશ મુખર્જીની) ફિલ્મોની વાત નીકળે ત્યારે આ ફિલ્મને નજરઅંદાજ કરવામાં આવે છે. `નૌકરી'ને ક્લાસિક ગણવા માટે ઘણાં કારણો છે. તેની સામાજિક પ્રાસંગિકતા, અનોખી વાર્તા, શાનદાર અભિનય અને ફિલ્મ નિર્માણની શૈલી.
એક તો આ ફિલ્મે એક સામાન્ય વ્યક્તિના જીવનની અસલામતીઓને જેમ કે, બેરોજગારી, આર્થિક તંગી, આત્મગ્લાનિ, ખૂબ સંવેદનશીલતાથી બતાવી હતી. ફિલ્મનું શીર્ષક જ `નૌકરી' છે, જે સીધું તે સમસ્યાની તરફ ઈશારો કરે છે કે જ્યારે વ્યક્તિ કામ નથી કરતો અને પોતાની ઓળખ નથી જાળવી શકતો, ત્યારે જીવન કેટલું મુશ્કેલ બની જાય છે!
આ ફિલ્મ એક રીતે તે સમયના બદલાતા ભારતનું પ્રતિબિંબ છે, જ્યાં યુવાઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા છતાં નોકરીઓથી વંચિત રહેતા હતા અને આત્મસંઘર્ષમાં રચ્યાપચ્યા રહેતા હતા. ઋષિદાનો `મધ્યમ વર્ગની કથા'નો દૃષ્ટિકોણ પણ નોંધપાત્ર હતો. મોટા સ્ટાર લોકોની ચમકદાર ફિલ્મોના દૌર વચ્ચે તેઓ સરળ પરંતુ ઊંડી માનવીય લાગણીઓથી ભરેલી ફિલ્મો બનાવતા હતા. તેમની આ ખાસિયતથી અંજાઈને જ ખન્ના, બચ્ચન, ધર્મેન્દ્ર જેવા મોટા સ્ટાર સામેથી તેમની ફિલ્મોમાં કામ કરવા આવતા હતા.
તેમણે હંમેશાં સામાન્ય માણસની કહાની કહેવાનું પસંદ કર્યું હતું, જેમાં રોજબરોજની જિંદગીના પડકારો હોય. નોકરી તે દિશાનું આગળનું પગલું હતું, જ્યાં બેરોજગારી, આત્મગ્લાનિ અને જીવનની સાર્થકતા અંગે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા.
તે માટે ઋષિદાએ ફેન્ટસીના તત્ત્વનો સહારો લીધો હતો. રાજેશ ખન્નાને તેની ફિલ્મોમાં `મરવા'નું બહુ પસંદ હતું. તેને ખબર હતી કે ફિલ્મમાં તેનું પાત્ર ગમે તેવું નિષ્ઠુર કે સ્વાર્થી કે અણસમજુ હોય, અંતે જો તેનું મોત થતું હોય, તો દર્શકોની સહાનુભૂતિ તેના તરફી થઇ જાય છે. `આનંદ', `સફર' અને `આપ કી કસમ' તેનાં જ્વલંત ઉદાહરણ છે.
`નૌકરી'માં પણ એવું જ હતું, પરંતુ ફોર અ ચેન્જ, રાજેશ ખન્ના ફિલ્મની શરૂઆતમાં જ મરી જાય છે - રાધર, આત્મહત્યા કરે છે અને પછી `ભૂત' થઈને પ્રગટે છે. ખન્નાના ચાહકોને આવો અટપટો રોલ સમજમાં ન આવ્યો તે પણ એક કારણ હતું કે ફિલ્મ ન ચાલી.
ફિલ્મનો હીરો રણજિત ગુપ્તા ઉર્ફે `રોનિ' એક લંગડો યુવક છે, જે ભૂતકાળમાં બેડમિન્ટન ખેલાડી રહ્યો છે, અને માતા, બહેન અને ભાઈને આર્થિક રીતે મદદરૂપ નહીં થઇ શકવાની ગ્લાનિ સાથે જીવે છે. તેને નોકરી મળતી નથી અને પરિવાર પર ભાર વધતો જાય છે. રણજીતને સતત એવું લાગે છે કે તે નકામો છે અને પરિવાર પર બોજ છે.
એક દિવસ તે રેલવે બ્રિજ પરથી કૂદી જઈને જીવ આપી દે છે. બીજા જ દૃશ્યમાં તે લાકડી વગર ચાલવા લાગે છે. તેના `નવા જન્મ'માં તે સ્વરાજ સિંહ કેપ્ટન (રાજ કપૂર) નામના માણસને ભટકાય છે, જે તેને કહે છે આખી દુનિયામાં માત્ર હું જ તને જોઈ શકું છું. કેપ્ટન કહે છે કે તે મરી ગયો છે અને હવે ભૂત બની ગયો છે. કેપ્ટન તેને એવાં અનેક ભૂત બતાવે છે, જેમણે આત્મહત્યા કરી હતી. કેપ્ટન કહે છે કે તેમની અધૂરી ઇચ્છાઓ પૂરી થાય પછી જ ભૂતોને મુક્તિ મળે છે.
રણજિત તેને પોતાની દર્દભરી દાસ્તાન કહે છે. તે કેટલો સારો ખેલાડી હતો, તેનો પરિવાર કેટલો સમૃદ્ધ હતો, તે કેટલો એક ધનિક છોકરી રમોલા(ઝાહીરા)ને ચાહતો હતો અને કેવી રીતે તે ગરીબ થઇ ગયો, કેવી રીતે તેના મિત્રોએ દગો કર્યો, કેવી રીતે તેનો પગ જતો રહ્યો, કેવી રીતે નોકરી જતી રહી અને કેવી રીતે તેની પ્રેમિકાએ બેવફાઈ કરી.
કેપ્ટન તેની વાર્તા સાંભળે છે અને કહે છે કે તેની ગેરહાજરીમાં તેનો પરિવાર કેટલો વધુ દુઃખી થઇ ગયો છે. રણજિતને તેના જીવનની કિંમતનો અહેસાસ થાય છે અને તેણે હાર માની લીધી તેની ભૂલ સમજાય છે. તેને શીખે મળે છે કે તેના પ્રિયજનોનું સન્માન જાળવવાનો સૌથી મોટો રસ્તો તેમના માટે સંઘર્ષ કરતા રહેવામાં હતો, જીવ આપી દેવામાં નહીં. આખરે તે તેના `નિકટ-મૃત્યુના અનુભવ'માંથી જાગૃત થઇ જાય છે અને જીવતા રહીને પરિવારની જવાબદારી લેવાના નવા સંકલ્પ સાથે ફરી પાછો મનુષ્યલોકમાં પાછો ફરે છે.
આ ફ્લેશબૅકની કથા, ભૂત-વિજ્ઞાન-પ્રયોગ અને વાસ્તવિકતાનું મિશ્રણ છે. તેમાં અનોખો દૃષ્ટિકોણ છે. મૃત્યુ પછી એ સમજવું કે જીવનનું મહત્ત્વ શું છે. આવી ફિલ્મો બનતી નથી. મોટાભાગની ફિલ્મોમાં હીરો સંઘર્ષ કરીને ખાય છે, પીવે છે અને રાજ કરે છે.
`નૌકરી'માં એવો સંદેશો હતો કે તમે કામ-ધંધા વગરના હોવ, તો પણ નકામા નથી. કેપ્ટન એક જગ્યાએ કહે છે, `કામ તો ઘણા લોકો કરે છે રણજિત, પરંતુ જીવન જીવવાનો અર્થ કામ નથી થતો, જીવનને નોકરીથી ન માપ.' આખી ફિલ્મનો આ સાર છે.
રાજેશ ખન્ના માટે તેની ધૂંઆધાર રોમેન્ટિક ઈમેજથી વિપરીત, એક અપાહિજ, નકામા અને આત્મઘાતી યુવાનનો કિરદાર કરવો એ એક સાહસિક નિર્ણય હતો. હિન્દી સિનેમાનો બીજો કોઈ હીરો તેની કારકિર્દીની ટોચ પર ભૂતનો કિરદાર ન કરે, પરંતુ ઋષિકેશ મુખર્જી હોય તો ખન્ના કશું પણ કરવા માટે સદૈવ તત્પર રહેતો હતો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો