દિલીપકુમાર વિશે બે હપતામાં વાતો કરવી છે. એમની ભરપૂર જિવાયેલી જિંદગીના એક ઓછા જાણીતા કિસ્સાથી આરંભ કરીએ. `નયા દૌર' વખતની એક વાત શેર કરું જે ઓછી જાણીતી છે. `નયા દૌર' વખતે મધુબાલા અને એના પિતા સામે બી. આર. ચોપરાએ કોર્ટમાં કેસ કર્યો હતો એ તો બહુ જાણીતી વાત છે.

અત્યારે એક ઓછી જાણીતી વાત જે દિલીપકુમારના ખાનદાની, સંસ્કારી અને ઉમદા સ્વભાવનો પરિચય આપે છે. `નયા દૌર'ના પ્રોડ્યૂસર અને ડિરેક્ટર બી. આર. ચોપરાના નાના ભાઈ યશ ચોપરા યુનિટમાં થર્ડ અાસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અનુભવ મેળવે. પૂનામાં `નયા દૌર'નું શૂટિંગ શરૂ થયું. શૂટિંગના દિવસે દિલીપકુમારને એમના પાલી હિલ, બાન્દ્રાના બંગલેથી પૂના લઈ જવા માટે બી. આર. ચોપરાએ લાંબી ઇમ્પોર્ટેડ કાર મોકલી અને સાથે નાની ગાડીમાં યશ ચોપરાને મોકલ્યા, જે ગાડી દિલીપસા'બ માટેની લિમુસિનની પાછળ પાછળ આવે એવું આયોજન હતું. યશજી દિલીપસા'બને તેડવા પહોંચી ગયા. બંગલાની બહાર બે ગાડી ઊભી હતી. દિલીપકુમાર સમજી ગયા. કંઈ પણ બોલ્યા કર્યા વિના તેઓ યશ ચોપરાની નાની ગાડીનો દરવાજો ખોલીને પાછલી સીટ પર બેસી ગયા અને પચીસ વર્ષના યશ ચોપરાને ઑલરેડી સુપરસ્ટાર બની ચૂકેલા દિલીપકુમારે કહ્યું : મારી સાથે બેસી જા.

યશ ચોપરાએ આનાકાની કરી, મોટી ગાડી તમારા માટે છે એવું પણ કહ્યું અને છેવટે ડર દેખાડ્યો કે ભાઈસાહેબને ખબર પડશે કે હું તમને નાની ગાડીમાં પૂના સુધી લઈ આવ્યાં છું અને તમારી સાથે એક સીટ પર બેઠો છું તો મારી હાલત ખરાબ કરી નાખશે.

 દિલીપકુમારે શાંતિથી કહ્યું : હું એમને સંભાળી લઇશ, આપણે તારી જ ગાડીમાં પૂના સુધી જઇએ. લાંબી ગાડી ભલે આપણી પાછળ પાછળ ખાલી આવતી!

 દિલીપકુમારને લગતા આવા તો અનેક કિસ્સાઓ છે. આ કિસ્સાઓ કોઈએ ઉપજાવી કાઢેલા નથી કે ફિલ્મસ્ટારના પબ્લિક રિલેશન્સ મૅનેજરના તુક્કા નથી. આ પર્ટિક્યુલર કિસ્સો ખુદ યશ ચોપરાએ `ઇન્ડિયન એક્સપ્રેસ' ગ્રૂપના ફિલ્મવીકલી `સ્ક્રીન'ના ભૂતપૂર્વ તંત્રી ઉદયતારા નાયરને કહ્યો હતો.

 દિલીપકુમારને ટ્રેજેડી કિંગના બિરુદથી શા માટે બાંધી દેવા ન જોઈએ એનો એક ઉત્તમ દાખલો જોઇએ. 1974ની `સગીના' ફિલ્મનું ખૂબ જાણીતું થયેલું ગીત `સાલા, મૈં તો સાહબ બન ગયા' ઉલ્લેખ પામેલું. આ તોફાની ગીત સચિન દેવ બર્મને કંપોઝ કર્યું અને મજરુહ સુલતાનપુરીએ એના મસ્તીભર્યા શબ્દો લખ્યા. ગીત પોતે જ મજાનું છે. કિશોરકુમારે જબરી એનર્જીથી ગાયું છે. દિલીપકુમારને પ્લેબેક આપ્યું હોય એવું કિશોરદાનું આ પહેલું ગીત. આ ગીતને પડદા પર જોવાની મજા જ કંઇક અલગ છે. દિલીપકુમારની એકેએક હરકત તમને મજા કરાવશે. ગીત દરમિયાન વચ્ચે વચ્ચે આવતા ઓમ પ્રકાશ સાથેની એમની જુગલબંધી બોનસ છે. આખું ગીત તમને યુ ટ્યૂબ પર જોવા મળશે. ગીત જોયા પછી તમે કહેશો કે કૉમેડી કિંગનું બિરુદ પણ દિલીપસાહેબને આપવું પડે. `દેવદાસ'થી લઇને `શક્તિ' માટે બેસ્ટ એક્ટર તરીકેના કુલ આઠ ફિલ્મફેર એવોર્ડના વિજેતા પોતાની ધીરગંભીર ઇમેજને તોડીને જે ગીત પડદા પર ગાય છે. ગીતના ધમાલ શબ્દો માણીએ:

 સાલા, મૈં તો સાહબ બન ગયા, સાહબ બન કે કૈસા તન ગયા, યે સૂટ મેરા દેખો, યે બૂટ મેરા દેખો જૈસે ગોરા કોઈ લંદન કા...

 (વાહ ફકીરે, સૂટ પહન કર કૈસા કૂદે-ફાંદે, કૌઆ જૈસે પંખ મયૂર કે અપની દુમ મેં બાંધે)

 અપની દુમ મેં બાંધે? અરે! ક્યા જાનો હમ ઇસ ભેજા મેં ક્યા ક્યા નકશા ખીંચા, લીડર લોગ કી ઊંચી બાતેં, ક્યા સમઝે તુમ નીચા, મેરા વો સબ જાહિલપન ગયા. સાલા, મૈં તો સાહબ બન ગયા

 (સૂરત હૈ બંદર કી ફિર ભી લગતી હૈ અલબેલી, કૈસા રાજા ભોજ બના હૈ મેરા ગંગુ તેલી.)

 ક્યાં ગંગુ તેલી! તુમ લંગોટી વાલા ન બદલા હૈ ન બદલેગા, તુમ સબ કાલા લોગ કા કિસ્મત હમ સાલા બદલેગા, હમ સાલા બદલેગા, સીના દેખો કૈસા તન ગયા. સાલા, મૈં તો સાહબ બન ગયા.

 ટ્રેજેડી કિંગનું બિરુદ એમને આપવામાં જરા ઉતાવળ કરી નાખી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અને દિલીપકુમારના ચાહકોએ.

 રાજ કપૂર અને દેવ આનંદ જેવા સમકાલીનો એટલા જ લોકપ્રિય હતા, પણ આ અભિનેતાઓ કરતાં દિલીપકુમારે ટ્રેજિક પાત્રો વધારે ભજવ્યાં. રાજ-દેવ કરતાં વધુ ફિલ્મોમાં મોતને ભેટ્યા. કબૂલ. દુ:ખી, નિઃસહાય, લાચાર અને વખાના માર્યા ઇન્સાન તરીકેનાં પાત્રો ભજવવામાં દિલીપકુમારનો જોટો ન જડે, પણ `ટ્રેજેડી કિંગ'નું બિરુદ આપીને એમને બાંધી દઈએ તો એમની અભિનય ક્ષમતાને બંધિયાર બનાવીને પ્રોજેક્ટ કરીએ છીએ એવું લાગે. દિલીપકુમારે ટ્રેજિક રોલ્સ જેટલી જ ખૂબીથી હળવી ક્ષણો સર્જતાં પાત્રો ભજવ્યાં. રોમેન્ટિક અંદાજમાં પણ તેઓ રાજ કપૂર અને દેવ આનંદની બરાબરી કરી શક્યા. ઍક્શન ફિલ્મોનો એ જમાનો નહોતો. ઍક્શનના નામે સ્ટંટ ફિલ્મો બનતી, પણ ઍક્શન સીન્સ જ્યાં જ્યાં કરવાના આવ્યા તે દૃશ્યોમાં એમણે બને એટલી વાસ્તવિકતા ઉમેરી. ધીરગંભીર પાત્રો, મૅચ્યોર્ડ પાત્રો, ફિલ્મમાં હીરોના રોલ ન હોવા છતાં હીરોને ઝાંખો પાડી દે એવાં મુખ્ય પાત્રો એમણે ભજવ્યાં.

 દિલીપકુમારની ટૉપ ટેન ફિલ્મોની યાદી બનાવીએ તો એમાં કઈ કઈ ફિલ્મો મૂકવી જોઈએ? ટૉપ ટેનનું લિસ્ટ બનાવવાનું કામ કપરું જ હોવાનું અને બનાવ્યા પછી મનદુ:ખ પણ રહી જવાનું કે મારી મનગમતી ફિલ્મ, પુસ્તક, જગ્યા, વ્યક્તિ વગેરે કેમ આ યાદીમાં નથી.

 દિલીપકુમારની યાદગાર અથવા શ્રેષ્ઠ અથવા સુપરહિટ ફિલ્મોની યાદી બનાવવા બેસીએ તો મારે હિસાબે આ સાત ફિલ્મોનાં નામ તો તરત જ મોઢે ચડેઃ 1 મધુમતી, 2 દેવદાસ, 3 નયા દૌર, 4 અંદાઝ, 5 ગંગાજમુના, 6 રામ ઔર શ્યામ અને 7 મુગલ-એ-આઝમ.

 ફિલ્મોનો ક્રમ કોઈ ચોક્કસ પદ્ધતિએ નથી આપ્યો, રિલીઝના વર્ષ કે કક્કાવારી પ્રમાણે પણ નથી આપ્યો કે એની શ્રેષ્ઠતા કે લોકપ્રિયતા કે બૉક્સ ઑફિસ કલેક્શનના આધારે પણ નથી આપ્યો. યાદ આવતી ગઈ એમ કાગળ પર ટપકાવતા ગયા.

 દિલીપસા'બના નિધન પછી મેં કેટલાક મિત્રોને તેમજ વાચકોને પોતાની પસંદગીની ટૉપ ટેન ફિલ્મોની યાદી બનાવવાનું કહ્યું. બહુ ઇન્ટરેસ્ટિંગ નામો આવ્યાં અને કેટલીક ચોંકાવનારી વાતો પણ મળી જેની વાત નેક્સ્ટ બુધવારે.

સાયલન્સ પ્લીઝ!

આ મેરે દિલ કહીં ઔર ચલ

ગમ કી દુનિયા સે દિલ ભર ગયા

ઢૂંઢ લે અબ કોઈ ઘર નયા