દાંપત્યજીવનમાંથી પ્રેમ, લાગણી, આત્મીયતા, હૂંફ, વફાદારી અને પ્રામાણિકતા ધીમે ધીમે ગુમ થઈ રહી છે. મેરેજ લાઇફ સામે સવાલો સતત વધી રહ્યા છે. અત્યારે સ્થિતિ એવી સર્જાઇ છે કે, યંગસ્ટર્સ મેરેજ કરતાં જ ડરવા લાગ્યા છે. છોકરા કે છોકરીને પોતાના પર જ ભરોસો બેસતો નથી. તેને એ સવાલ સતાવી રહ્યો છે કે, હું સંબંધ નિભાવી શકીશ કે નહીં? એની સાથે મને ફાવશે કે નહીં? આજની જનરેશન સામે ચેલેન્જીસ વધી ગઈ છે. બંને જણ કામ કરતાં હોય તો જ પૂરું થાય એમ છે. કામનું પ્રેશર સતત વધી રહ્યું છે. ગોલ અચીવ કરવામાં અને ટાર્ગેટ પૂરા કરવામાં દમ નીકળી જાય છે. પતિ-પત્ની એકબીજાને શારીરિક કે માનસિક સંતોષ આપી શકતાં નથી. અધૂરામાં પૂરું સોશિયલ મીડિયાએ જુદી મુશ્કેલીઓ સર્જી છે. પતિ-પત્ની વચ્ચેનો સંવાદ ઘટી રહ્યો છે. વાત કરવી હોય તો પણ શું વાત કરવી એ તેમને સમજાતું નથી.
લગ્નો થાય તો છે પણ થોડા જ સમયમાં તૂટવા લાગ્યાં છે. ભેગા રહેતા હોય તો પણ પ્રેમ જેવું તત્ત્વ વર્તાતું નથી. માનિસક છૂટાછેડાના કિસ્સાઓ વધી રહ્યા છે. રહેવા ખાતર સાથે રહેતા હોય છે. કેટલાક કિસ્સામાં પરિવાર અને સમાજના ડરથી મેરેજ નિભાવતા હોય છે. આવા સમયમાં મેરેજ ઇન્ટિમસી કોચિંગનું ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે. આપણા દેશ સહિત આખી દુનિયામાં શારીરિક અને માનસિક સંબંધો કેવી રીતે જાળવી રાખવા, તેના રીતસરના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. એ મામલે પણ એવો સવાલ તો પૂછવામાં આવે જ છે કે, શું પ્રેમ પણ શીખવો પડશે?
પ્રેમના પાઠ ભણવાથી દાંપત્ય ટકી જશે? તેના જવાબમાં એવું કહેવામાં આવે છે કે, જો સુખી થવાતું હોય તો આવા પાઠ ભણવામાં પણ કંઇ વાંધો હોવો ન જોઇએ.
ઇન્ટિમસી કોચિંગનો કેટલાક લોકો એવો મતલબ કાઢે છે કે, એ ફક્ત શારીરિક સંબંધોની જ સમજણ આપે છે. આ વિશે કોચ એવું કહે છે કે, શારીરિક સંબંધો ચોક્કસપણે જરૂરી છે, પરંતુ એ દાંપત્ય જીવનનો એક નાનકડો હિસ્સો છે. સાઇકોલોજિકલ અને ઇમોશનલ રિલેશન્સ વધુ મહત્ત્વના છે. થોડાક સ્પષ્ટ શબ્દોમાં આ વાત સમજાવતા નિષ્ણાતો કહે છે કે, પતિ-પત્ની વચ્ચે સેક્સ મેક્સિમમ અડધો કલાકનો ખેલ છે. બાકીના સાડા ત્રેવીસ કલાકનું શું? એ વાતથી બિલકુલ ઇન્કાર ન થઇ શકે કે, શારીરિક સંબંધો દાંપત્યને ટકાવવામાં મોટી ભૂમિકા ભજવે છે, પણ તેનાથીયે વધુ એકબીજા પ્રત્યેની લાગણી અને આદર વધુ ભાગ ભજવે છે. મેરેજ થાય ત્યારે ફિઝિકલ એટ્રેક્શન અને સેક્સ ડિઝાયર હોય એ સ્વાભાવિક છે.
સમયની સાથે સેક્સ પ્રેમ અને લાગણીમાં પરિવર્તિત થવું જોઇએ. એ થતું નથી. લાઇફ કોચ નિહારિકા સૂરીએ થોડા સમય પહેલાં જ એવું કહ્યું હતું કે, મેરેજ થયા બાદ 80 ટકા કિસ્સાઓમાં માત્ર બે-ત્રણ વર્ષમાં રોમાન્સ ખતમ થઇ જાય છે. જિંદગીમાં રોમાંચ જેવું કંઇ રહેતું નથી. સેક્સમાંથી રસ ઊડી જાય છે. જેમ જેમ સમય જાય છે એમ એમ ડિસ્ટન્સ વધતું જાય છે. આવા કિસ્સાઓમાં જો એકબીજા પ્રત્યે આદર અને આ મારી વ્યક્તિ છે એવી ભાવના ન હોય તો મુશ્કેલીઓ પેદા થાય છે. હવે પતિ-પત્ની એકબીજાને પેટછૂટી વાત કરતાં નથી. દુનિયા વિશે ભલે એવું કહેવાતું હોય કે, જમાનો બહુ આધુનિક થઇ ગયો છે, પણ હજુ પતિ-પત્ની સેક્સ વિશે ખૂલીને વાત કરી શકતા નથી. જેન્ટ્સને પર્ફોર્મન્સ એંગ્ઝાઇટી રહે છે. લેડીઝને સંતોષ આપી શકશે કે કેમ એનું ટેન્શન રહે છે. રાત પડ્યે બંને કામના બોજથી એટલાં થાકી ગયાં હોય છે કે, એકબીજામાં ઓતપ્રોત જ થઇ શકાતું નથી. આવા સમયે ઇન્ટિમસી કોચિંગ જરૂરી બને છે.
ઇન્ટિમસી કોચિંગ વિશે નિષ્ણાતો સરળ શબ્દોમાં એવું કહે છે કે, સાંનિધ્ય અને સંવાદ વધારો. અત્યારે સૌથી મોટી સમસ્યા એકબીજાને સમય આપવાની છે. સમય હોય અને બંને સાથે બેઠાં હોય ત્યારે પણ બંનેના હાથમાં મોબાઇલ હોય છે. હન્ડ્રેડ પર્સન્ટ સાથે હોય એવી ક્ષણો બહુ ઓછી હોય છે. એકબીજાની વાત સાંભળો. હવેના સમયમાં પતિ અને પત્નીને એ પણ ખબર હોતી નથી કે, મારા પાર્ટનરને શું ગમે છે? શું નથી ગમતું? તેને શું ભાવે છે? કયો રંગ તેનો ફેવરિટ છે? શેનાથી તેને ચીડ છે? પોતાની વ્યક્તિ કેવી માનસિક સ્થિતિમાંથી પસાર થાય છે એની જાણ પણ હોતી નથી. સોશિયલ મીડિયાના કારણે પતિ-પત્નીની એકબીજા પાસે અપેક્ષાઓ પણ ખૂબ વધી ગઇ છે. બેમાંથી કોઇ અપેક્ષા પૂરી કરી શકતા નથી એના કારણે ઇશ્યૂ પેદા થાય છે. મનમાં જે મૂંઝવણ ચાલતી હોય તેની વાત પણ પોતાની વ્યક્તિને કરાતી નથી.
