મનમાં ઘોળાતી ને ચોળાતી વાત સ્વામી આગળ મોકળા મને વહેતી કરવાનું હરિએ નક્કી કરી લીધું હતું: `સ્વામી, હૈયું જ્યાં હા પાડે છે ત્યાં મારી અલ્પ મતિ ના પાડે છે, એનું મારે શું કરવું?' પછી સ્વામીને સાવ સીધું કહી દેવું હતું: `કાંઠે રહું તો તરસ્યે મરું ને અંદર ઊતરું તો ડૂબી જાઉં. મને કોઈ મારગ દેખાડો!' મનથી ઊગી આવ્યું હતું: `મને કોઈ સાથે પ્રેમ થયો છે તે હકીકત?'    

કાળા ડિબાંગ અંધકાર વચ્ચે આસો માસની ઠંડીનો ચમકારો બાળક જેમ ભાંખોડિયાં ભરી રહ્યો હતો. પાકથી સભર સીમ ઠૂંઠવાઇને ગૂંડલું વળી ગઈ હતી. ગામમાંથી આવતી કૂતરાની રંભાડ્ય અને સીમમાંથી ઊઠતી શિયાળિયાઓની રોતલ લાળીની બાથમબાથ સિવાય સઘળું અંધકારભર્યું, સૂનકાર ભાસતું હતું. ક્યાંક વચ્ચે વગડાઉ બિલાડાના ખિખિયારા મુલાયમ વાતાવરણમાં તીણા લીસોટા પાડી રહ્યા હતા.    

આ અંધારઘેરી રાત વચ્ચે ગામના ત્રિભેટે આવેલી જગ્યાના સ્વામી ભગવા ભજનની એક તારાની સંગત લઇ, ઘેઘૂર અવાજથી સંતવાણીની આહલેક જગાડતા હતા. આ વાણીમાં ક્યારેક ગંગા સતી, દાસી જીવણ કે રવિ-ભાણ સાહેબનાં ભજનો સાથે આતમસૂઝના ઉદ્ગારો પણ નાભિમાંથી નવલા સ્વરે નીતર્યા કરતા હતા. સ્વામીનો મીઠો સૂર અંધારી રાતમાં નવોઢા જેમ પદરવ કરતી કૂણી ટાઢની સાથે સંતલસ કરી વગડામાં વહેતો હતો. ક્યારેક ભજનના ભાવ સાથે સ્વામી એવા તે એકાકાર થઇ જાતા હતા કે તેમની આંખોમાંથી આંસુની ધારા વહેતી હોય અને જાણે સ્થળ-કાળ વિસરી કોઈ અગમ તત્ત્વમાં ઓગળી ગયા હોય એવો ભાસ થતો હતો. તેમાં દાસી જીવણનું ભજન તો હોઠે હોય: `હે જી દયા કરી મને પ્રેમે પાયો, મારા નયનોં મેં આયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર.'

નાનકડી મઢી જેવી જગ્યાની આગળ અખંડ ધૂણો ધખતો હતો.     

આ જગ્યાની અડખેપડખે લીલીવાડીઓ અને ફળદ્રુપ ખેતરમાં વાવેલા રવિપાકમાં પાણી પાવાનું કામ કરતા પાણતિયા મઢીએ આવતા હતા. ધૂણામાં મનના સમાધાન સાથે હાથ-પગ શેકે, વળી કોઈ બે-ચાર અડાળી ચા પકાવે ને પછી લાંબા લાંબા સબડકા ભરે, જાણે ઊંઘનું મારણ કે ઘારણ મળી ગયું હોય.    

હરિનાં વાડી-ખેતર જગ્યાના પડખે જ હતાં. બાર ધોરણ લગી ભણી હરિએ સુરત જઇ હીરાના વેપારમાં હાથ અજમાવી જોયેલો, પણ સ્વભાવમાં ઋજુતા, સાલસતા ને ભક્તિ ભારોભાર ભરેલી હતી એટલે એ વેપાર સદ્યો નહોતો, તેથી ગામડે આવી બાપુકી ખેતી સંભાળી લીધી હતી. વાડી-ખેતરમાં કામકાજના લીધે આવરોજાવરો કરવા સાથે હરિને જગ્યા અને સ્વામીની પણ માયા લાગી ગઈ હતી. સ્વામીનાં મૂળ ને કુળ શોધવાં કપરાં હતાં, પણ ગુજરાતી જાણે. વળી, થોડું ભણેલા ને સાથે સમજેલા વધારે હતા. હૈયાની વાત મૂકી શકાય એવું ખમતીધર ઠેકાણું હતું. દિવસોથી હરિના દિલમાં ડહોળાતા ને હૈયામાં ઘૂમરાતા વલોપાતને વ્યક્ત કર્યા વગર જીવને જંપ વળે એમ નહોતો. છુટકારા સાથે કોઈ ઉકેલ મળે એવી ધરખમ ધારણા પણ હતી.     

પોતાના ખેતરની પછાટના લાંબા ને મોટા ક્યારામાં પાણી વાળીને હરિ જગ્યા આગળ આવી ગયો હતો. ધૂણામાં હાથ શેકવા કરતાં સ્વામી આગળ હૈયું હળવું કરવાની તાલાવેલી વધારે ઉતાવળી થઇ હતી. દિવસે કોઈ ને કોઈ શ્રદ્ધાળુ બેઠા હોય. વળી, આવી વાત કહેવી કે ન કહેવી, એ પણ વલોણા જેમ વલોવાતું રહેતું હતું, પણ કોઈ ન હોય ત્યારે. સ્વામી માટે અડાળી ચા લઇને સામે બેસી જવું અને પછી હળવેકથી પૂછવું હતું, સ્વામી, મન મળી ગયું હોય એવું નહીં, પણ આ હરિનું દિલ કોઈએ હરી લીધું છે, હું શું કરું? અને આવું જ્યારે સ્વામી આગળ કહી દીધું હતું ત્યારે સ્વામી પણ બે ઘડી સ્તબ્ધ થઇ ગયા હતા. હાથમાં ને સાથમાં હતો તે એક તારો એક બાજુ મૂકી દીધો હતો. પછી પોતાની લાક્ષણિક મુદ્રામાં મરકલું કરીને બોલ્યા હતા: `આમાં તેં નવું શું કીધું મારા હરિ!' હરિ આંખનું મટકું માર્યા વગર સ્વામી સામે જોઈ રહ્યો હતો.    

`પ્રેમ, માયા, લાગણી - આ બધું જીવંત માણસોને થતું હોય છે, મરેલાંઓને નહીં.' કહી સ્વામીએ ચાનો કટોરો મોંએ માંડી, લાંબો ઘૂંટ ભર્યા પછી આગળ કહ્યું હતું: `તું જીવંત ને જાગતો જણ છો હરિ.' સામે હરિના મોંએ આવી ગયું હતું: `આપે મને મારી હકીકત કહી, મારે તો આ મૂંઝવણનો મારગ, ઉકેલ જોઈએ છે.'    

એક વાર સ્વામીએ ઉપદેશમાં કોઈને કહ્યું હતું: `પ્રેમ જ્યારે પ્રાર્થનાની કક્ષાએ પહોંચે ત્યારે આત્મા અને પરમાત્માનું મિલન થતું હોય છે.' આવું અઘરું ને અટપટું હરિને ત્યારે, ક્યારેય કે અત્યારે સમજાયું નહોતું.   

`આ મૂંઝવણ નહીં, મસ્તીની અવસ્થા છે, જે ભાગ્યે જ કોઈ પામી શકે છે.' પછી કહે: `પણ આ પ્રેમની મસ્તી સાવ સસ્તી હોતી નથી. મરજીવા હોય એ મોજ માણે.' પછી ઉપદેશનો સૂર ભળ્યો હતો: `હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો.' પછી આગળ કહ્યું હતું: `પ્રેમ પ્રભુ સાથેનો હોય કે પછી પ્રેયસીનો...'     

હરિ પ્રેમની ગહન સમજ પામ્યો હોય એમ સ્વામી સામે જોઈ રહ્યો હતો.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો