દેશ-દુનિયામાં ચાલી રહેલા તણાવથી આજે સૌ કોઈ અવગત છે. ત્યારે આ તણાવ દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેનાં ઘણાં એવાં ગંભીર પરિણામો દરેક દેશના લોકોએ વેઠવાનાં અને સ્વીકારવાનાં આવે તેવું ઘણાં બુદ્ધિજીવીઓના અનુમાનો કહી રહ્યા છે. ખૈર, અત્યારે તો દેશમાં યુદ્ધની સ્થિતિને જોતાં વર્ક ફ્રોમ હોમ, પેટ્રોલ-ડીઝલ સહિત અન્ય વસ્તુઓમાં ભાવવધારો વગેરે મુદાઓ ચર્ચાઈ રહ્યા છે. વાત યુદ્ધની થઈ રહી છે ત્યારે યુદ્ધનાં શસ્ત્રોમાં અમેરિકાની ટોમહોક મિસાઇલ વિશે વાત કરવી જ રહી. આ મિસાઇલ બધી મિસાઇલો કરતાં અલગ તો છે જ. સાથે સાથે પ્રબળ અને શક્તિશાળી પણ એટલી જ છે. અત્યાધુનિક લાંબા અંતરની આ મિસાઇલ વિશે કેટલીક માહિતી જાણીને તમને નવાઈ લાગશે.

શું છે આ ટોમહોક મિસાઇલ?

 અમેરિકા દ્વારા વિકસિત આ એક અતિ આધુનિક લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલ છે, જેનો ઉપયોગ જમીન પર રહેલાં મહત્ત્વપૂર્ણ સૈન્ય બંકરો પર ચોક્કસપણે હુમલા કરવા માટે થાય છે. જોકે, આ મિસાઇલને ખાસ સમુદ્રમાં રહેલાં યુદ્ધનાં જહાજો અને સબમરીનમાંથી લોન્ચ કરવા વિકસાવાઈ છે. વધુમાં, આ મિસાઇલની એક વિશેષતા એવી પણ છે કે, તે ખૂબ નીચી ઊંચાઈએ ઊડી શકે છે, જે સરળતાથી રડારમાં નથી આવતી અને તેથી પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહે છે.

ટોમહોક મિસાઇલ વિશે

સૌથી પહેલી ટોમહોક મિસાઇલનો વિકાસ અમેરિકામાં 1970ના દાયકામાં થયો હતો. પ્રથમવાર તેનું ડિઝાઇનિંગ શરૂ થયું હતું, જે પછી તેને 1980ના દાયકામાં અમેરિકન નેવીમાં સામેલ કરાઇ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમાં ઘણા ફેરફારો થયા. અનેક સુધારાઓ બાદ હવે આ મિસાઇલનાં પરિણામો વધુ સચોટ અને પ્રભાવશાળી બન્યાં છે.

હાલમાં ચર્ચામાં કયા કારણે છે?

તાજેતરમાં આ મિસાઇલ ફરી ચર્ચામાં આવવાનું કારણ હમણાં દેશ-દુનિયામાં ચાલી રહેલા તણાવ છે. મુખ્ય કારણ છે કે, અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં આ મિસાઇલનો ઉપયોગ કરાયો હતો. અમેરિકા પહેલાં પણ ઈરાન સામે આ મિસાઇલનો ઉપયોગ કરી ચૂક્યું છે. તાજેતરમાં અમેરિકન નેવીએ ઈરાન સામે 850 જેટલી ટોમહોક મિસાઇલ છોડી હતી, જે પોતાનામાં એક ઇતિહાસ છે. વાત કરીએ કોવિડ પછીના અરસાની તો જાપાને પણ અમેરિકા પાસેથી ઘણા મોટા જથ્થામાં આ મિસાઇલ ખરીદી હોવાનું અહેવાલો કહી રહ્યા છે.

શા માટે આટલી ખાસ છે?

ટોમહોક મિસાઇલ ખૂબ ખતરનાક છે, કારણ કે તે આશરે 1000થી 2500 કિલોમીટરની રેન્જ ધરાવે છે. આટલું લાંબું અંતર કાપી શકવાની સાથે એક ખાસિયત એ પણ છે કે, ક્રૂઝમાંથી છોડવામાં આવતી આ મિસાઇલ કોઈ એક જ સીધી રેન્જમાં ચાલ્યા વગર નીચા અંતરે રહી એકસરખા રસ્તે જતી હોવાથી તે સહેલાઈથી રડારમાં નથી આવતી. તો વળી, રેગ્યુલર એક્સપ્લોસિવ સાથે તે અમુક ફ્રીક્વન્સીમાં વોરહેડ પણ લઈ જઈ શકે છે. પોતાના ચોક્કસ લક્ષ્ય પર જ વિસ્ફોટ કરે છે, આથી, ટોમહોક મિસાઇલને અટકાવવી અઘરી પડતી હોવાથી તે ખાસ રહી છે.

કઈ રીતે કામ કરે છે?

 ટોમહોક મિસાઇલ કઈ રીતે કામ કરે છે તે જાણવું રસપ્રદ એટલે છે, કારણ કે ટોમહોક મિસાઇલ મુખ્યત્વે જીપીએસની મદદથી લક્ષ્યને ટ્રેક કરીને વિસ્ફોટ કરે છે. લોન્ચ થયાં પછી તેનું જેટ એન્જિન કાર્યરત થાય છે. એવું લાગે જીપીએસ અને TERCOM (terrain contour matching) ટેક્નોલોજી જમીની નકશા વિષયક માહિતીનો ઉપયોગકરે છે, જેથી તે યોગ્ય માર્ગ શોધી તેના પર ઊડી શકે. તેની નીચી ઊંચાઈએ ઊડવાની ક્ષમતાને લીધે વિરોધી દેશના રડારમાં આવતા બચે છે અને તેની ચોકસાઇ માટે વખણાતી ટોમહોક મિસાઇલ ચોક્કસ જગ્યાએ જ વિસ્ફોટ કરે છે. આમ, ટોમહોક મિસાઇલ આધુનિક જમાનાની એક એવી મિસાઇલ છે જે ઘણા દૂર અંતરેથી પણ ચોકસાઈપૂર્વક નિશાન સાધી શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો